• Home
  • News
  • સુરતની દિવ્યાંગ મહિલા પ્રોફેસરે હોટ સીટ પર બેસી બિગ-બીને મંત્રમુગ્ધ કર્યા, માતા-પિતાની 'આંખે' જ્ઞાનનો ભંડાર ભેગો કરી 25 લાખ જીતી
post

સામાન્ય પરિવારમાં ઊછરેલી અનેરીએ જણાવ્યું હતું કે આ 25 લાખમાંથી સૌપ્રથમ મારાં માતા-પિતા પર જે લોન છે તેની ચુકવણી કરીશ

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-14 18:38:02

સુરત: અમિતાભ બચ્ચનના ઘેઘૂર અવાજથી લોકપ્રિય થયેલા 'કોન બનેગા કરોડપતિ' શોમાં દુનિયાભરના જ્ઞાનને અવાજથી આત્મસાત્ કરનારાં દિવ્યાંગ મહિલા પ્રોફેસરે​​​​​ અનેરીએ યાદગાર બનાવી દીધો હતો. એક પછી એક સવાલોના જવાબ આપીને 25 લાખ રૂપિયાની માતબર રકમની સાથે અનેરીએ લોકોના દિલ પણ જીતી લીધા હતા. અનેરી આર્યએ પોતાનાં માતા-પિતાની આંખે જ્ઞાનનો ભંડાર એકત્ર કરીને આ શોમાં પોતાની દિવ્યાંગતાને માત આપીને પોતાના કંઠથી મધુર ગીત ગાયને જ્ઞાન અને ગાયકી સહિતના ગુણોત્તર બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં અનેરીએ કહ્યું હતું કે મારી એક આંખ પ્રોસ્થેટિક છે અને બીજી આંખથી ખૂબ નજીવું જોઈ શકાય છે. તેમ છતાં બાળપણથી કોન બનેગા કરોડપતિમાં જવાની ઈચ્છા હતી અને એમાં ભાગ લઈને એક સપનું પૂર્ણ કર્યું છે તથા માતા-પિતા અને મારા શિક્ષકો સહિતના લોકોએ એ પણ મારા માટે જે મહેનત કરી એ રંગ લાવી હોય એવો ગર્વ મહેસૂસ કરી રહી છું.

શિક્ષક માતા-પિતાની દીકરી છવાઈ ગઈ
ટીવી શો કોન બનેગા કરોડપતિમા ખૂબ જ ઓછું જોઈ શકતી અનેરી આર્યએ હોટ સીટ પર બેસીને અનેક સવાલોના જવાબ આપ્યા હતા. આ સવાલ જવાબોની સાથે સાથે પોતાના જ્ઞાનનો પણ પરિચય કરાવ્યો હતો. અનેરીનાં માતા દીપ્તિબેન સરસ્વતી વિદ્યાલયમાં, જ્યારે પિતા રાહુલભાઈ ટી એન્ડ ટીવી સ્કૂલમાં વાઈસ-પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહ્યા છે. અનેરીએ પોતાના નામ અનુસાર કોન બનેગા કરોડપતિમાં છવાઈ જતાં માતા-પિતા પણ ખુશીની લાગણી અનુભવી રહ્યાં છે.

બાળપણથી શોમાં જવાની ઈચ્છા હતી
તેણે જણાવ્યું હતું કે મારા પિતા હું નાની હતી ત્યારથી કોન બનેગા કરોડપતિ શો પહેલી સીઝનથી નિયમિત જોતા હતા. અમારા ઘરમાં જ્ઞાનસભર ટીવી શો અને ન્યૂઝ જોવાનો માહોલ હોય છે. પિતા મને બાજુમાં બેસાડીને આ શો જોવડાવતા હતા અને મને કહેતા હતા કે તારે પણ એક દિવસ આ શોમાં ભાગ લેવો જોઈએ. બસ, ત્યારથી મને રસ લાગ્યો હતો.

માતા-પિતાએ વાંચન કરી તૈયારી કરાવી
અનેરીએ જણાવ્યું હતું કે હું નાનપણથી જ માતા-પિતાની આંખે દુનિયા જોઉં છું અને કોન બનેગા કરોડપતિની તૈયારી કરતી વખતે મારાં માતા-પિતાએ અલગ અલગ પુસ્તકો લાવી વાંચન કરતાં હતાં અને હું એ સાંભળીને તૈયારી કરતી હતી, સાથે જ મોબાઈલ એપ્લિકેશનમાં રહેલાં પુસ્તકો સાંભળીને તૈયારી કરતી હતી. મમ્મી-પપ્પા મને નોટ્સ પણ બનાવી આપતાં હતાં. મારા કરતાં તેમની મહેનત વધુ હતી. મારા આ વાંચનના શોખને કારણે જ તથા માતા-પિતા અને ગુરુજનોએ આપેલા માર્ગદર્શનના કારણે જ આ સફળતા મને મળી છે.

 

ઓછું દેખાવાને કારણે સાયન્સ છોડવું પડ્યું
અનેરીએ સુરતમાં જ શાળા-કોલેજનો અભ્યાસ કર્યો છે. શરૂઆતમાં 11-12 સાયન્સ લેનારી અનેરીને વિઝન ઓછું હોવાને કારણે શિક્ષકોના માર્ગદર્શન પ્રમાણે સાયન્સ છોડીને આર્ટ્સ લીધું હતું. ત્યાર બાદ અંગ્રેજી વિષય સાથે કોલેજ કરી એમએનો અભ્યાસ કરવાની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ શરૂ કરી દીધી હતી, જેમાં તલાટી અને બિનસચિવાલયની પરીક્ષાઓ પાસ કરી હતી. જોકે એમાં તેણે નોકરી ન સ્વીકારીને પ્રોફેસર તરીકેની જીપીએસસીની તૈયારી શરૂ કરીને એ પાસ કરી આજે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે.

કોન બનેગા કરોડપતિમાં ગત વર્ષે પણ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું
અનેરી આર્યએ ગત વર્ષે પણ કોન બનેગા કરોડપતિમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે ઓડિશનના દિવસે જ જીપીએસસી પરીક્ષાના ઇન્ટરવ્યુ હોવાથી જઈ શકી નહોતી અને નોકરી માટેનો ઇન્ટરવ્યુ આપ્યો અને એમાં પાસ થઈ ગઈ. જેથી હાલ પીએચડીનો અભ્યાસ કરી રહી છે, સાથે સાથે આણંદના સોજીત્રા ખાતે આવેલી શ્રી ભાઈ કાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા બજાવી રહી છે. હાલ વિદ્યાનગર ખાતે હોસ્ટેલમાં રહીને કોલેજમાં અપડાઉન કરે છે.

બિગ બી દંગ રહી ગયા
અનેરીએ જ્યારે હોટ સીટ પર બેઠાં બેઠાં અમિતાભ બચ્ચનને કહ્યું, હું એક પ્રોફેસર છું અને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવું છું. ત્યારે અમિતાભ બચ્ચન દંગ રહી ગયા હતા અને કહ્યું હતું કે તમે કઈ રીતે અભ્યાસ કરાવો છો, ત્યારે અનેરીએ કહ્યું, અભ્યાસ કરાવવાની અલગ અલગ ટેક્નિક હોય છે, જેમાંથી હું મોટા ભાગે વિદ્યાર્થીઓને વિઝ્યુલાઈઝેશન પદ્ધતિથી અભ્યાસ કરાવું છું.

અમિતાભ બચ્ચન ખૂબ સપોર્ટિંવ છે
અનેરીએ અમિતાભ બચ્ચન સાથેના અનુભવને વાગોળતાં કહ્યું, ફાસ્ટેસ્ટ ફર્સ્ટ રાઉન્ડ ક્લિયર કર્યા બાદ હું ખૂબ ખુશ થઈ ગઈ હતી અને હોટ સીટ પર બેઠી ત્યારે એકદમ નર્વસનેસ આવી ગયેલી, પરંતુ અમિતાભ બચ્ચને સરસ વાત કરી અને પારિવારિક માહોલ બનાવી દેતાં હું શાંત થઈ ગઈ, પછી તેમના અવાજ પર ફોકસ કર્યું હતું. સફળ માણસની નિશાની એ હોય છે કે તેઓ ડાઉન ટુ અર્થ હોય છે અને સામેવાળી વ્યક્તિને ખૂબ સારી રીતે સમજતા હોય છે. મને તેમનામાં ખૂબ સારી વ્યક્તિના ગુણ દેખાયા. અગાઉ હું માત્ર તેમના વિશે સારું સાંભળતી હતી, પરંતુ ધારણા કંઈક અલગ હતી અને તેમને મળ્યા પછી મને ખરેખર તેમના વ્યક્તિત્વનો સાચો અને સારો પરિચય થયો.

અમિતાભને વિઝ્યુલાઇઝેશન કરાવ્યું
અમિતાભ બચ્ચનને જ્યારે વિઝયુલાઈઝેશન વિશે પૂછ્યું ત્યારે અનેરીએ કહ્યું, તમે તમારી આંખો બંધ કરો, પછી અનેરીએ પોતાની જ સ્ટોરી કહી હતી. એમાં તેણે કહ્યું, એક નાનકડી છોકરી, જેને કશું જ સરખું દેખાતું નથી. તે વિચારે છે કે આ તેની સાથે શું થઈ રહ્યું છે. શાળાએ જાય કે ક્યાંય પણ જાય, તેને કંઈ જ સમજ પડતી નથી હોતી. સરખું દેખાતું હોતું નથી. આ દુનિયા માત્ર તેને સાંભળવા માટે જ હોય છે. પછી ઉંમરની સાથે તેને સમજાય છે કે તે બધા કરતા કંઈક જુદી છે. પછી તે ભણવામાં ધ્યાન લગાવે છે. કવિતા-વાર્તા વગેરેના વિશ્વમાં જીવે છે. જાણે છે અને એ જ બાળકોને અત્યારે ભણાવે છે. આ સ્ટોરી સાંભળીને અમિતાભ બચ્ચન પણ ગદગદ થઈ ગયા હતા.

વાંચન અને સંગીતનો શોખ
તોફાનો કો ચીર કે ગીત ગાયને પોતાના કંઠનો પરિચય કરાવનાર અનેરીએ કહ્યું હતું કે તેને ઇતિહાસ અને માઈથોલોજી વિષય વાંચવા તથા સમજવામાં રસ પડે છે તથા નોવેલ પર તે પીએચડી કરી રહી છે. તેથી અંગ્રેજી નોવેલ અને અંગ્રેજી લેખકોને વાંચવા પણ તેને વધારે પસંદ છે. અલકેમિસ્ટ સહિત તેમની બુક પ્રિય છે. પીએચડીના અભ્યાસની સાથે સાથે તે રોજિંદુ વાંચન ઓડિયો બુક મારફત સમય મળે એટલે કરી લેતી હોય છે તથા સંગીતમાં તેણે ચાર વર્ષ અભ્યાસ કર્યો હોવાથી શાસ્ત્રીય સંગીત પણ તેના શોખના વિષય છે. આ સિવાય બોલિવૂડની ફિલ્મો પણ જોવી તેને ગમે છે. રણબીર કપૂર,આયુષ્યમાન ખુરાના, ઋત્વિક રોશન સહિતના બોલિવૂડ અભિનેતાઓની ફિલ્મો તેને જોવી ગમે છે.

દીકરીની સિદ્ધિ પર અમને ગર્વ-માતા પિતા
અનેરીના માતા પિતાએ જણાવ્યું હતું કે અમારા બંને દીકરાએ ખૂબ અભ્યાસ કર્યો છે. મોટો દીકરો એમડીનો અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે અનેરી પણ ખૂબ આગળ વધી રહી છે. ત્યારે અમે અનેરીને નાનપણથી જ સપોર્ટ કરતા આવ્યા છીએ. અનેરીને ફરવાનો ખૂબ શોખ છે. તો એને અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જઈએ છીએ. વાંચન કરાવવા સહિત તેના તમામ શોખ પૂર્ણ કરીએ છીએ, પરંતુ અને રીતે ધગશથી અને જે આત્મવિશ્વાસથી અભ્યાસ કરે છે તથા જે સફળતા તેને કોન બનેગા કરોડપતિમાં મેળવી છે. તેનાથી અમને ખૂબ ગર્વની લાગણી મહેસૂસ થઈ રહી છે.

માતા પિતાની લોન ભરીશ- અનેરી
સામાન્ય પરિવારમાં ઊછરેલી અનેરીએ જણાવ્યું હતું કે આ 25 લાખમાંથી સૌપ્રથમ મારાં માતા-પિતા પર જે લોન છે તેની ચુકવણી કરીશ અને ત્યાર બાદ જે કંઈ રકમ વધશે એનો હું મારા માટે ઉપયોગ કરીશ. જોકે હજુ સુધી એનો કોઈ પ્લાન બનાવ્યો નથી. આગામી સમયમાં મારું પીએચડી પૂર્ણ કરીશ અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ કેવી રીતે આગળ વધવું તેનું માર્ગદર્શન સતત આપતા રહેવાની મારી ઈચ્છા છે. મને ભણાવવું ખૂબ ગમે છે અને એ જ ક્ષેત્રમાં હું આગળ વધીશ.

 

adv

Related News

post
post
post
post
post
post
post