અગાઉ 12 જાન્યુઆરી 2024ના રોજ પણ સ્કાયમેટે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી.
નવી દિલ્લી: હવામાનની આગાહી કરતી એજન્સી
સ્કાયમેટે મંગળવારે ચોમાસાની આગાહી જાહેર કરી હતી. સ્કાયમેટ અનુસાર, 2024માં ચોમાસું સામાન્ય
રહેશે. એજન્સીએ ચોમાસાની સિઝન 102% (5% પ્લસ-માઈનસ માર્જિન) રહેવાની આગાહી
કરી છે. સાથે જ દેશના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી
છે. એટલે કે દેશના પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં પણ સારા વરસાદની અપેક્ષા છે. જૂનથી સપ્ટેમ્બર સુધી
ચાલતી 4 મહિનાની ચોમાસાની સિઝન માટે એવરેજ (LPA) 868.6 mm છે. સ્કાયમેટના
મેનેજિંગ ડિરેક્ટર જતિન સિંહે કહ્યું કે શરૂઆતમાં અલ નીનોની અસર જોવા મળશે, પરંતુ બીજા હાફમાં તેની
ભરપાઈ થઈ જશે. સ્કાયમેટે આ વર્ષે બીજી વખત ચોમાસાની આગાહી કરી છે. અગાઉ 12 જાન્યુઆરી 2024ના રોજ પણ સ્કાયમેટે
ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી.
દક્ષિણ, પશ્ચિમ અને
ઉત્તર-પશ્ચિમમાં સારા વરસાદની આગાહી
સ્કાયમેટ અનુસાર, દેશના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં સારા વરસાદની અપેક્ષા છે. એટલે કે દેશના
પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં પણ સારા વરસાદની અપેક્ષા છે. આ સિવાય મહારાષ્ટ્ર અને
મધ્યપ્રદેશમાં પણ પૂરતો વરસાદ થઈ શકે છે. બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને બંગાળમાં
જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન વરસાદમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. જુલાઈ અને ઓગસ્ટ
ચોમાસાનો સૌથી સક્રિય સમયગાળો છે. ઉત્તર-પૂર્વ ભારતમાં ચોમાસાની શરૂઆતની સિઝનમાં
સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે.
અલ નીનો અને લા નીના
શું છે?
પ્રશાંત મહાસાગર
(પેસિફિક ઓશન)માં બે ઘટના બને છે. અલ નીનો અને લા નીના. પ્રશાંત મહાસાગરની સપાટી
જ્યારે ગરમ થાય છે ત્યારે એને અલ નીનો કહેવાય અને પ્રશાંત મહાસાગરની સપાટી ઠંડી
પડે છે ત્યારે એ ઘટનાને લા નીના કહેવાય છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર અને
પૃથ્વીની ગોળ ફરવાની દિશાના આધારે પ્રશાંત મહાસાગરની સપાટીના તાપમાનમાં વધઘટ થયા કરે
છે. પેસિફિક સમુદ્રની સપાટી ગરમ થાય ત્યારે અને ઠંડી થાય ત્યારે એની વિશ્વના
તાપમાનમાં મોટી અસર થાય છે. અલ નીનો અને લા નીના એ સ્પેનિશ શબ્દો છે. અલ નીનોનો
અર્થ થાય 'નાનો છોકરો' અને લા નીનાનો અર્થ થાય 'નાની છોકરી'. આ ઘટના સદીઓથી બને છે.