• Home
  • News
  • બિહારમાં અબ કી બાર... મુખ્યમંત્રીપદના 6 દાવેદાર, તેમાં 4ના પોતાના ગઠબંધન, કોઈ રાજ્યમાં CM પદના આટલા ચહેરા ક્યારેય ચૂંટણીમાં નથી ઉતર્યા
post

દાવેદારોમાં 3... નીતીશ, ચિરાગ અને ઉપેન્દ્ર કુશવાહા તો ચૂંટણી મેદાનમાં જ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-19 12:26:07

રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં 17મી બિહાર વિધાનસભાની આ પહેલી ચૂંટણી છે, જેમાં એક-બે નહીં પણ મુખ્યમંત્રી પદના કુલ 6 દાવેદાર જાહેર કરાયા છે. હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીઓની વાત કરીએ તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર કે ઝારખંડમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ક્યાંક બે તો ક્યાંક એક જ નેતાને પ્રોજેક્ટ કરાય છે. જોકે, બિહારના ચૂંટણી મેદાનમાં 6 દાવેદારમાંથી 4 તો ગઠબંધન નેતા છે.

મુખ્યમંત્રી નીતીશ કુમાર તો રાજગનો ચહેરો છે જ, મહાગઠબંધને તેજસ્વી પ્રસાદ યાદવ, ગ્રાન્ડ ડેમોક્રેટિક સેક્યુલર ફ્રંટે ઉપેન્દ્ર કુશવાહા, પ્રગતિશીલ લોકતાંત્રિક ગઠબંધને રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવને જાહેર કર્યા છે. ચિરાગ પાસવાન અને પુષ્પમ પ્રિયા ચૌધરી પણ આ રેસમાં છે. 33 વર્ષીય પુષ્પમ પ્રિયા લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના વિદ્યાર્થિની છે અને રાજકારણમાં સીધી એન્ટ્રી કરીને પોતાને સીએમ પદના દાવેદાર કરી ચૂક્યા છે. ચિરાગ પાસવાનને પણ તેમનો પક્ષ સતત સીએમ પદના દાવેદાર ગણાવી રહ્યો છે.

પહેલો તબક્કો: એનડીએના 60% મહાગઠબંધનના 58% ઉમેદવાર કરોડપતિ છે
પહેલા તબક્કાની કુલ 71 બેઠક પર 1065 ઉમેદવાર છે. તેમાં મોટા પક્ષના 353માંથી 153 ઉમેદવાર કરોડપતિ છે. એનડીએના 60% અને મહાગઠબંધનના 58% ઉમેદવાર કરોડપતિ છે. રાજદે સૌથી વધુ 29 કરોડપતિને ટિકિટ આપી છે. ત્યાર પછી જદયુએ 25 અને લોજપાએ 23 કરોડપતિને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અચરી બેઠકથી લડી રહેલા જદયુના ઉમેદવાર મનોરમા દેવી તમામમાં સૌથી વધુ ધનવાન છે. તેમણે રૂ. 53.19 કરોડની સંપત્તિ જાહેર કરી છે.

ખોટો દાવો: મંત્રીએ હૈદરાબાદના રસ્તાનો ફોટો શેર કર્યો, કહ્યું- આ છે મુઝફ્ફરપુર
બિહારના નગર વિકાસ અને આવાસ મંત્રી સુરેશ કુમાર શર્માએ ઝગમગાતી સ્ટ્રીટલાઈટો ધરાવતા એક ફ્લાયઑવરનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ સાથે તેમણે લખ્યું કે, ‘મુઝફ્ફરપુરની સ્ટ્રીટ લાઈટ યોજના, ઝગમગી રહ્યા છે મુઝફ્ફરપુરના રસ્તા.જોકે, તપાસ કરતા માલુમ પડ્યું કે, આ તસવીર હૈદરાબાદની બૈરામાલગુડા જંક્શનના આરએચએસ ફ્લાયઑવરની છે.

દાવેદારોમાં 3... નીતીશ, ચિરાગ અને ઉપેન્દ્ર કુશવાહા તો ચૂંટણી મેદાનમાં જ નથી
સત્તાના દાવેદારોમાં ફક્ત ત્રણ તેજસ્વી યાદવ રાધોપુરથી, પપ્પુ યાદવ મધેપુરાથી અને પુષ્પમ પ્રિયા બાંકીપુર અને બિસ્ફીથી ચૂંટણી લડી રહ્યા છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર વિધાન પરિષદના સભ્ય છે. રાલોસપાના વડા ઉપેન્દ્ર કુશવાહા પણ ચૂંટણી નથી લડી રહ્યા. ચિરાગ પાસવાન હાલ જમુઈથી સાંસદ છે. રસપ્રદ વાત એ છે કે, તેમાંથી કોઈ પણ પક્ષ એકલા હાથે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post