• Home
  • News
  • અદાણી જૂથ ગ્વાલિયરમાં મશીન ગન, બંદૂક સહિત નાના હથિયાર બનાવશે
post

અદાણીનું ઈઝરાયલી વેપન ઈન્ડસ્ટ્રી સાથે જોઈન્ટ વેન્ચર

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 09:24:24

નવી દિલ્હીઅદાણી જૂથ હવે નાના હથિયાર પણ બનાવશે. અદાણી જૂથે ગ્વાલિયરમાં હથિયાર બનાવવાનું એક યુનિટ ખરીદ્યું છે, જે સ્થાનિક સ્તરે અને નિકાસને લગતા બજાર માટે મશીન ગન, કાર્બાઈન અને અન્ય હથિયાર બનાવશે. પીએલઆર નામનું યુનિટ અદાણીએ ઇઝરાયલી વેપન ઈન્ડસ્ટ્રી (આઈડબલ્યુઆઈ) સાથે જોઈન્ટ વેન્ચરમાં ખરીદ્યું છે. આઈડબલ્યુઆઈનો તેમાં 49% હિસ્સો છે અને કંપની અદાણી જૂથને અનમેન્ડ એરિયલ વ્હિકલ્સથી લઈને હેલિકોપ્ટર સિસ્ટમ અને મોટા હવાઈ યંત્રો જેવી ક્ષમતા હાંસલ કરવામાં મદદ કરશે.


ગ્વાલિયર યુનિટ 2017માં તૈયાર થયું હતું
ગ્વાલિયર યુનિટનું ઉદ્ઘાટન માર્ચ 2017માં કરાયું હતું. ભારતની પહેલી પ્રાઈવેટ કંપની છે, જેણે નાના હથિયારો અને વિસ્ફોટકો બનાવવાનું શરૂ કર્યું છે. યુનિટને એવર અસોલ્ટ રાઈફલ, એક્સ 95 અસોલ્ટ રાઈફલ, ગેલિલ સ્નાઈપર રાઈફલ અને નેગેવ એલએમજી સહિતની મશીન ગનના ઉત્પાદન માટે ડિઝાઈન કરાયું છે. ભારતમાં બનેલી પહેલી એક્સ 95 રાઈફલ ઓક્ટોબર 2018માં યુનિટમાં બની હતી.


સંરક્ષણ મંત્રાલયના ઓર્ડર મેળવવા યુનિટ તૈયાર
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે, કંપની સંરક્ષણ મંત્રાલય પાસેથી ઓર્ડર લેવા તૈયાર છે. 16 હજાર લાઈટ મશીન ગનના ઓર્ડરની ચર્ચા પણ ચાલી રહી છે, જેમાં આઈડબલ્યુઆઈ સૌથી આગળ છે. યુનિટની ખરીદી માટે મહિનાના અંત સુધી ડિફેન્સ એક્વિઝિશન કમિટી દ્વારા ફાસ્ટટ્રેક પ્રક્રિયા શરૂ કરવાની આશા છે. સાથે 41 હજાર બંદૂકોનું ટેન્ડર મેળવવા સ્પર્ધા પણ શરૂ થવાની છે.


પૂંજ લોયડ પાસેથી હિસ્સો ખરીદ્યો
ગ્વાલિયર સ્થિત પીએલઆર એટલે કે પૂંજ લોયડ સુરક્ષા સિસ્ટમ પ્રા. લિ. યુનિટ પૂંજ લોયડ અને ઇઝરાયલી વેપન ઈન્ડસ્ટ્રીનું જોઈન્ટ વેન્ચર હતી. ગયા વર્ષે પૂંજ લોયડે પોતાના શેર એક ત્રીજી કંપનીને વેચી દીધા અને પછી અદાણીએ ખરીદી લીધા.

 

adv

Related News

post
post
post
post
post
post
post