• Home
  • News
  • અફઘાનિસ્તાનની ગર્લ્સ રોબોટિક ટીમે કારના જૂના પાર્ટ્સમાંથી વેન્ટિલેટર બનાવી દીધું, માત્ર રૂ. 22,800નો ખર્ચ થયો
post

સરકારે ડિવાઇસ ડબ્લ્યુએચઓની એપ્રૂવલ માટે મોકલી, હાર્વર્ડના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 11:58:05

કાબુલ: કોરોનાના ગંભીર દર્દીઓની સારવાર માટે સૌથી જરૂરી સાધન વેન્ટિલેટરની અછતથી દુનિયાભરના દેશો ઝઝૂમી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં પણ આ જ સમસ્યા છે. 3.5 કરોડની વસતીવાળા દેશમાં માત્ર 300 વેન્ટિલેટર છે. દેશમાં કોરોનાના 840 કેસ છે અને કોરોનાથી 30 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે. આ સમસ્યાના ઉકેલ માટે હેરાતની ગર્લ્સ રોબોટિક ટીમે કારના જૂના પાર્ટ્સમાંથી માત્ર 22,800 રૂપિયાના ખર્ચે વેન્ટિલેટર બનાવ્યું છે જ્યારે માર્કેટમાં સસ્તામાં સસ્તું વેન્ટિલેટર પણ 20થી 23 લાખ રૂ.નું મળે છે. આ ગર્લ્સ ટીમ હાર્વર્ડ યુનિવર્સિટી અને સ્થાનિક તબીબી નિષ્ણાતો સાથે આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. 


અફઘાનિસ્તાનમાં ટેક કંપની સંચાલક અને પ્રોજેક્ટમાં મદદ કરી રહેલા રોયા મહબૂબના જણાવ્યાનુસાર મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા અપાયેલી ડિઝાઇનના આધારે તેમણે આ પ્રોટોટાઇપ તૈયાર કર્યું છે. ટીમમાં 14થી 17 વર્ષની 5 કિશોરી છે. તે બધી જ હેરાતની છે, જ્યાં ઇરાનથી પરત ફરેલા લોકોના કારણે કોરોનાના કેસ વધ્યા છે. હેરાતના ગવર્નરે સમસ્યા જણાવી તો તેમણે જૂની ટોયોટા કારની બેટરી અને પાર્ટ્સમાંથી વેન્ટિલેટર બનાવ્યું. 


અફઘાન સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા વાહિદુલ્લાહ મયારના જણાવ્યાનુસાર તેમણે એક્સપર્ટ્સ અને એન્જિનિયર્સને આ ટીમની મદદ કરવા કહ્યું છે. મયારે જણાવ્યું કે આ ડિવાઇસ ડબ્લ્યુએચઓની એપ્રૂવલ માટે મોકલાઇ છે. અફઘાન ડ્રીમર્સ તરીકે જાણીતી આ ટીમ 2017માં પણ ચર્ચામાં આવી હતી. ત્યારે અમેરિકામાં રોબોટિક કોમ્પિટિશનમાં ભાગ લેવા તેને વિઝા નહોતા અપાયા. પ્રેસિડેન્ટ ટ્રમ્પના હસ્તક્ષેપ બાદ ટીમ તે ઇવેન્ટમાં ભાગ લઇ શકી હતી.


તેમણે બનાવેલું વેન્ટિલેટર ઓટોમેટિક પ્રેશર કંટ્રોલ કરી શકે છે
ટીમની હેડ 17 વર્ષની સોમાયા જણાવે છે કે આ ડિવાઇસનો સૌથી ખાસ પાર્ટ અમ્બુ બેગ બનાવવો મોટો પડકાર હતો. સ્વાસ્થ્યકર્મી દર્દીની ઉંમર અને જરૂરિયાત પ્રમાણે તેનું પ્રેશર નક્કી કરે છે પણ અમે બનાવેલા વેન્ટિલેટરમાં આ કામ ઓટોમેટિકલી થઇ જશે.

adv

Related News

post
post
post
post
post
post
post