• Home
  • News
  • ટ્રમ્પ-માર્ક એસ્પર વિવાદ:મતભેદો બાદ આખરે ટ્રમ્પે સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરને પાણીચું પકડાવી દીધું
post

ઘણા સમયથી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મતભેદ રહ્યા હતા, ટ્રમ્પ ગમે ત્યારે ટ્વીટ કરીને રવાના કરી દેશે એવી ભીતિ હતી તેથી એસ્પરે અગાઉથી જ રાજીનામું તૈયાર કરી રાખ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 09:17:44

હાલમાં જ અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં જો બાઈડન સામે કારમો પરાજય પામેલા ડોનાલ્ડ ટ્રમ્પે વિદાય લેતા અગાઉ વધુ એક કદમ ઉઠાવીને અમેરિકાના સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરને પાણીચું પકડાવી દીધું છે. તેમના સ્થાને અત્યાર સુધી નેશનલ કાઉન્ટરટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર પદે સેવા આપી રહેલા ક્રિસ્ટોફર મિલરને અમેરિકાના સંરક્ષણ મંત્રી બનાવ્યા છે. તેઓ હવે તાત્કાલિક અસરસંરક્ષણ મંત્રી તરીકેનો પદભાર સંભાળશે.

એસ્પર અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના સંબંધો ઘણા સમયથી વણસ્યા હતા અને આ વાત જગજાહેર પણ થઈ હતી. એવામાં ટ્રમ્પ પોતાને ગમે ત્યારે સંરક્ષણ મંત્રી પદેથી હટાવી દેશે એવો અંદેશો હોવાથી માર્ક એસ્પરે અગાઉથી જ પોતાનું રાજીનામું પણ તૈયાર કરી લીધું હોવાનું એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારી સહિતના કેટલાક સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું.

ટ્રમ્પ અને એસ્પર વચ્ચેના સંબંધોમાં કડવાશ ઘણા સમયથી આવી હતી અને તેના કારણે એસ્પરને આશંકા પણ હતી કે પ્રેસિડન્ટ ટ્રમ્પ ગમે ત્યારે ટ્વીટ દ્વારા પોતાને ફાયર કરી શકે છે. આ આશંકા હોવાથી એસ્પર સપ્તાહો અગાઉ જ પોતાનું રાજીનામું તૈયાર કરી લીધું હતું.

વાસ્તવમાં, જ્યોર્જ ફ્લોઈડ નામની અશ્વેત વ્યક્તિની પોલીસના હાથે હત્યા થયાની ઘટનાનાં દેશમાં આકરા પડઘા પડ્યા હતા અને તેના કારણે વિરોધ પ્રદર્શનો અને હિંસાને અંકુશમાં લેવા માટે એક્ટિવ-ડ્યુટી સૈનિકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જ વાત સામે એસ્પરે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના મતે એક્ટિવ-ડ્યુટી સૈનિકોનો ઉપયોગ લૉ એન્ફોર્સમેન્ટ માટે અંતિમ ઉપાય તરીકે જ કરવો જોઈએ. એસ્પરની આ જ વાત ટ્રમ્પના ગળે ઉતરી નહોતી અને આખરે તેમણે એસ્પરને તેમના પદ પરથી હટાવી દીધા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટમાં લખ્યુ હતું કે તેઓ નેશનલ કાઉન્ટરટેરરિઝમ સેન્ટરના ડિરેક્ટર ક્રિસ્ટોફર સી. મિલરની ડિફેન્સ સેક્રેટરી તરીકે નિમણૂંક કરી છે. ટ્રમ્પના વડપણ હેઠળ પેન્ટાગોનને નેતૃત્વ કરનાર ચોથા અધિકારી છે, જેમને સેનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હોવાનું પણ કહેવામાં આવ્યુ છે. મિલર ભૂતપૂર્વ આર્મી ગ્રીન બેરેટ છે, જેમણે અગાઉ વ્હાઈટ હાઉસની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં આતંકવાદ વિરોધી નીતિ તરીકે સત્તાવાર રીતે કામગીરી કરતા હતા.

બીજી બાજુ એસ્પર સામે આકરા પગલા ભરવામાં આવે તેવી કેટલાક મહિનાઓથી અટકળો વહેતી થઈ હતી કારણ કે તેમણે જૂન મહિનામાં જ ટ્રમ્પ પ્રત્યે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ તેમણે એક નિવેદન આપ્યુ હતું કે જેમાં અમેરિકાના શહેરોમાં વિરોધ દેખાવકારોને અંકૂશમાં લેવા માટે એક્ટિવ-ડ્યુટી બજાવતા લશ્કરી ટ્રુપ્સને મોકલવા જોઈએ નહીં, જ્યાં ઈનસરેક્શન એક્ટનો ઉપયોગ અત્યંત મુશ્કેલી સર્જી શકે છે. અલબત ત્યારબાદ એસ્પરના પ્રવક્તાએ આ વિવાદને શાંત પાડવા પ્રયત્ન કર્યો હતો. –

 

adv

Related News

post
post
post
post
post
post
post