• Home
  • News
  • અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ:દેશની પોલીસને થાપ આપતા બ્લાસ્ટના આરોપીઓને આ 10 અધિકારીએ પકડ્યા; 21 દિવસમાં કેસ ઉકેલાયો, 9 માસ તપાસ ચાલી
post

ગુજરાત પોલીસના 10 અધિકારીએ અભૂતપૂર્વ કુનેહ અને હિંમત બતાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-02-09 11:44:50

અમદાવાદ: 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટનો કેસ ઉકેલવો ગુજરાત પોલીસ માટે એક પડકાર હતો. અગાઉ દેશના કેટલાક શહેરોમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના કેસ ઉકેલવામાં કોઈ ઝાઝી સફળતા મળી ન હોવાથી આ કેસ બ્લાઈન્ડ બની ગયો હતો, પરંતુ ગુજરાત પોલીસના 10 અધિકારીએ અભૂતપૂર્વ કુનેહ અને હિંમત બતાવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આશિષ ભાટિયા: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર હતા. ટેરરીઝમ મામલે તેમની માસ્ટરી છે. ગુનેગારની રજેરજ માહિતી ડાયરીમાં રાખવાની તેમને ટેવ છે. હવે તેમને બ્લાસ્ટ મામલે પોતાની ટીમ બનાવવાની હતી જે ટીમનું નેતૃત્વ તેમના હાથમાં હતું.

અભય ચૂડાસમા: બોમ્બવિસ્ફોટમાં ઘાયલ લોકોને મારવા ટ્રોમા સેન્ટરમાં પણ બ્લાસ્ટ કરવાની આ ઘટનામાં આરોપીઓની વિરુદ્ધ પુરાવા અને ચાર્જશીટ કરવાની ઝીણવટભરી રીતે કામગીરી કરાઈ તેનું આ પરિણામ છે. જેમાં તમામ જવાબદાર આરોપીઓને સજા થઈ છે.

હિમાંશુ શુકલા: આશિષ ભાટિયાએ તેમની ટીમમાં હિમાંશુ શુકલાની પસંદગી કરી. ગુજરાત અને ગુજરાતના ક્રિમિનલ સંદર્ભમાં એકદમ કોરી સ્લેટ પરંતુ કામની સમજ અને કામ પ્રત્યે પ્રમાણિકતા તેમની તાકાત હતી, એટલે જ એક ફ્રેશ અને યંગ ઓફિસરને આ ટીમમાં સામેલ કરાયા હતા.

જી.એલ. સિંઘલ: ઘટના બાદ આરોપીઓને પકડવા માટે સોર્સીસ એક્ટિવેટ કરી આરોપીઓને પકડયા બાદ પણ તેમની સામે ચાર્જશીટ કરવા સુધીની તમામ કવાયત કરવામાં જે કામગીરી કરવામાં આવી હતી તેનું આજે પરિણામ આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે કરેલી તપાસ સરાહનીય હતી.

રાજેન્દ્ર અસારી: અન્ય રાજ્યમાં થયેલા બ્લાસ્ટની કડી મળી ન હતી. ત્યારે ગુજરાત પોલીસે આતંકવાદીઓને પકડી તેમનું નેટવર્ક ક્રેક કર્યું. અન્ય રાજ્યોના કેસ ઉકેલાયા. ત્યાર પછી અત્યારસુધી આવી એકપણ ઘટના બની નથી. મારી પાસે નારોલ, વટવા, ઈસનપુરના કેસ હતા.

મયૂર ચાવડા: અમદાવાદ બ્લાસ્ટ પહેલાં અન્ય રાજ્યોમાં પણ ઈન્ડિયન મુજાહિદ્દીને બ્લાસ્ટ કર્યા હતાં. એટલે ચેલેન્જ વધુ હતી. મને મણિનગર અને સરખેજ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટની તપાસ સોંપવામાં આવી હતી. સરખેજ તે સમયે ગ્રામ્યની હદમાં હતું પણ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી.

ઉષા રાડા: એસીપી તરીકે ડી ડિવિઝનમાં પોસ્ટિંગ હતું. ખાડિયાનો ચાર્જ પણ હતો. કાલુપુર અને ખાડિયા તાત્કાલિક પહોંચી. ખાડિયામાં સ્થિતિ સારી ન હતી. તપાસ દરમિયાન માંડ 5-6 કલાક માટે ઘરે જવા મળતું. ક્રાઈમ બ્રાન્ચ જ ઘર બની ગયું હતું. 4 કેસની તપાસ મારી પાસે હતી.

તરુણ બારોટ: ગુજરાતના કોઈ પણ ખૂણે જાવ, પોલીસથી લઈ ગુનેગાર તરુણ બારોટના નામથી અજાણ હોય તેવું બને જ નહીં. વિપરીત સ્થિતિમાં કૂદી પડવાની તૈયારી, તેમની બહાદુરીને કારણે સરકારે તેમને આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપ્યું હતું, તેમના ભાગે ઓપરેશન યુનિટ હતું.

વી.આર. ટોળિયા: મૂળ ઈન્વેસ્ટિગેશનના માણસ, સ્વભાવે ઠંડા પણ તેમની ઠંડક ગુનેગારોને ડરાવે. ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીની થાકયા વગર પૂછપરછ કરવી અને આ પૂછપરછમાં આરોપીને થકવી નાખવાની તેમની વિશેષ આવડતને કારણે તેમને ટીમમાં સામેલ કરાયા હતા.

દિલીપ ઠાકોર: મહેસાણાના કોન્સ્ટેબલની સાઈબર પ્રત્યેની રુચિને કારણે સાઈબર એકસપર્ટ તરીકે કામ શરૂ કર્યુ અને તે જ કામ તેમને અમદાવાદ બ્લાસ્ટ કેસ સુધી લઈ આવ્યું. મોબાઈલ ટ્રેક કરવાની મહત્ત્વની કામગીરી કરી જેના કારણે સબઈન્સ્પેક્ટર તરીકે સરકારે તેમને બઢતી આપી હતી.

જેલમાં આરોપીઓએ અનેક ધમકી પણ આપી હતી
બ્લાસ્ટ કેસમાં હેડ કોન્સ્ટેબલ અંકુર બારોટે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. 2015થી સેશન્સ કોર્ટમાં ફરજ પર મુકાયા હતા અને આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં તેમજ 9 રાજ્યની જેલોને વીડિયો કોન્ફરન્સિંગની કનેક્ટિવિટી કરવાની કામગીરી કરતા હતા. જ્યારે જેલમાં ફરજ બજાવતા ત્યારે આરોપીઓએ તેમને અનેકવાર ધમકી આપી હતી.

નિવૃત્તિ પછી પણ 11 વર્ષ સુધી તપાસમાં જોડાયેલા રહ્યા
કેસની તપાસ કરનાર ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ પી.જી. વાઘેલાએ કહ્યું કે આ ઘટનામાં આરોપીઓની ધરપકડ ટેલિફોન ડેટાના એનાલિસિસ પરથી કરાઈ હતી. એક રાજયમાંથી બીજા રાજયોમાં આરોપીઓને પકડવા 100 અધિકારીઓની ટીમ કામ કરતી હતી. વાઘેલા નિવૃત્ત થયા બાદ પણ 11 વર્ષ સુધી તપાસમાં જોડાયેલા રહ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post