• Home
  • News
  • ધોરણ 3થી 12ની બધી પરીક્ષાના પ્રશ્નપત્રો રાજ્ય કક્ષાએથી જ તૈયાર કરવામાં આવશે
post

ધો.3થી 8 માટે GCERT જ્યારે ધો.9થી 12 માટે ગુજરાત બોર્ડ પ્રશ્નપત્ર તૈયાર કરશે, આગામી શૈક્ષણિક વર્ષથી અમલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-13 08:37:40

ગાંધીનગરઃ દિલ્હીની ચૂંટણીના પરિણામ પછી રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની પરીક્ષા માત્ર માહિતી પ્રધાનને બદલે જ્ઞાન,સમજ,ઉપયોજન અને કૌશલ્ય વિકસે અને નીટ,જેઇઇ સહિતની વિવિધ નેશનલ પરીક્ષાઓની પ્રેકટીસ થાય તેટલા માટે ધો.3થી8 અને ધો.9 તેમજ 11ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. જે અનુસાર હવે એપ્રિલ 2020થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી ધો.10,12ની જેમ ધો.3થી8 અને ધો.9,11માં માસિક અ્ને વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નપત્ર કેન્દ્રિય પદ્ધતિથી એટલે કે આખા રાજ્યમાં એક સરખું પ્રશ્નપત્ર રહેશે.જયારે ઉત્તરવહીનું મૂલ્યાંકન થર્ડ પાર્ટી એટલે કે શાળાના શિક્ષકોને બદલે અન્ય શાળાના શિક્ષકો કરશે. જો કે,માત્ર પ્રશ્નપત્રો અને મૂલ્યાંકન રાજ્ય કક્ષાએથી થશે,પણ પરીક્ષા તો જે તે વિદ્યાર્થીની શાળાઓમાં લેવાશે. સાથે પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચત્તરની સ્વનિર્ભર સહિતની તમામ શાળાઓએ ફરજિયાત ગુજરાત સરકાર માન્ય પુસ્તકોમાંથી શિક્ષણ આપવાનું રહેશે તેવો પણ નિર્ણય લીધો છે.

પ્રશ્નપત્રો જીસીઈઆરટી કાઢશે
રાજ્યની પ્રાથમિક,માધ્યમિક અ્ને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા 1.5 કરોડ વિદ્યાર્થીઓની પરીક્ષા પધ્ધતિમાં સરકારે આગામી નવા શૈક્ષણિક વર્ષથી કર્યો છે. પહેલા સરકારે સંચાલકો,શિક્ષકો સાથે બેઠક કર્યા પછી તેમની લેખિત સહમતી લઇને નિર્ણય કર્યો હોવાનું પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું. શૈક્ષણિક સુત્રોના કહ્યા પ્રમાણે અત્યાર સુધી ધો. 3થી8 અને ધો.9 અને 11માં શાળા કક્ષાએ પ્રશ્નપત્ર કાઢવામાં આવતું હતું અને શાળા કક્ષાએ મૂલ્યાંકન થતું હતું. જેનેકારણે શાળાઓ કેટલોક અભ્યાસક્રમ ચલાવે અને કેટલોક રદ કરી દેતા હતા. પ્રશ્નપત્રનું મૂલ્યાંકન શાળા કક્ષાએ થતું હોવાથી ટયૂશન સહિતના દૂષણો વિકસી ગયા હતા. વળી, વિદ્યાર્થીઓ જવાબમાં માહિતી આપે તેવા પ્રશ્નપત્રો હોવાથી ગોખણપટ્ટી વધી ગઇ હતી. આથી માઇન્ડ એપ્લાય્ડ થાય તેવા પ્રશ્નો પુછવા કેન્દ્રિય ધોરણે પ્રશ્નપત્ર કાઢવાનું નક્કી કર્યુ છે. ધો.9,10,11,12ના પ્રશ્નપત્રો ગુજરાત શિક્ષણ બોર્ડ અને ધો. 3થી 8 અને 9,11ના પ્રશ્નપત્રો જીસીઇઆરટી કાઢશે. પ્રશ્નપત્રો જિલ્લા કક્ષાએ છપાશે અને ઉત્તરવહીનું મૂલ્યાંકન પણ એસવીએસ કક્ષાએ થશે.

ખાનગી શાળાઓ ખાનગી પ્રકાશનોના પુસ્તકો વાપરતી હોવાથી સરકારની કડકાઇ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાનગી શાળાઓ દ્વારા ખાનગી પ્રકાશનોના પુસ્તકો વાપરવામાં આવતા હોવાથી એકસમાન શિક્ષણ પધ્ધતિનો ભંગ થાય છે.આથી શિક્ષણ વિભાગે આગામી શૈક્ષણિક સત્રથી ફરજીયાત દરેક સ્કૂલોએ એનસીઇઆરટીના ગુજરાત સરકારના ગુજરાત પાઠય પુસ્તક મંડળ પ્રકાશિત પુસ્તકો વાપરવા તેવી તાકિદ કરી છે. રાજ્યની નામાંકિત ખાનગી શાળાઓ પોતાને મનફાવે તેવીરીતે ખાનગી પ્રકાશનોના પુસ્તકો વાપરતી હતી. આથી આવી શાળાઓમાં અલગ પ્રકારનું શિક્ષણ અપાય છે તેવો પ્રચાર પણ કરાતો હતો. પરિણામે એક સમાન શિક્ષણ આપવાની પધ્ધતિનો પણ ભંગ થતો હતો.આથી રાજ્ય સરાકારે આગામી શૈક્ષણિક વર્ષથી ફરજીયાત એનસીઇઆરટીના ગુજરાત પાઠય પુસ્તકમંડળ પ્રકાશિત પુસ્તોક વાપરવા તેવી તાકિદ કરી છે.

પરીક્ષાલક્ષી કેવો ફેરફાર
1. 
ધો. 3થી8,9,11ની માસિક,વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો રાજ્ય સ્તરેથી તૈયાર થશે,મૂલ્યાંકન વિદ્યાર્થીની શાળાના શિક્ષકોને બદલે અન્ય શાળાના કરશે.
2. 
ધો. 3થા10 ગુજરાતી,ગણિત,વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રો રાજ્ય સ્તરેથી મળશે. ધો.11-12 સાયન્સના મેથ્સ,ફિઝિકસ,કેમેસ્ટ્રી,બાયોલોજી, અંગ્રેજીની પ્રશ્નપત્રો રાજ્યકક્ષાએથી અપાશે. ધો. 12 સામાન્ય પ્રવાહના અંગ્રેજી,નામાના મૂળતત્ત્વો, વાણિજય વ્યવસ્થા, સાયકોલોજી, ઇકોનોમિક્સ, સ્ટેટેસ્ટિકસના પ્રશ્નપત્રો રાજ્ય કક્ષાએથી અપાશે.
3. 
ધો.3થી8ના માસિક-વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો જીસીઇઆરટી કાઢશે,જિલ્લા કક્ષાએ છપાશે.ઉત્તરવહી અન્ય શાળાના શિક્ષકો ચકાસણી કરશે.
4. 
ધો. 9, 10, 11 અને 12ના માસિક, પ્રિલીમનરી પરીક્ષાના પ્રશ્નપત્રો શિક્ષણ બોર્ડ તૈયાર કરશે.
5. 
કોર્પોરેશન અને જિલ્લા પંચાયત સંચાલિક શાળાઓના પ્રશ્નપત્રો સહિતની જવાબદારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, શાસનાધિકારી અને ડીપીઓની રહેશે.
6. 
પ્રશ્નપત્ર સહિત પરીક્ષાનો ખર્ચ સ્વનિર્ભર શાળાઓએ સરકારને આપવાનો રહેશે, સરકારી-ગ્રાન્ટેડનો સરકાર ભોગવશે.
7. 
રાજ્યની શાળાઓએ સર્વ શિક્ષા અભિયાનની વેબસાઇટ પર વિદ્યાર્થીઓના ગુણ અપલોડ કરવાના રહેશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post