• Home
  • News
  • માલદીવ વિવાદમાં અમિતાભ બચ્ચન પણ મેદાનમાં, આંદામાન નિકોબાર ટાપુઓ પર ફરવા જવાનું સૂચન
post

આપણે આત્મનિર્ભર છીએ, આપણી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડોઃ બિગ બી

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-08 18:54:21

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપની મુલાકાત પછી સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ શરૂ થયો છે. આ દરમિયાન સામાન્ય માણસથી માંડીને ફિલ્મ, રમતગમત, ઉદ્યોગ અને રાજકારણ ક્ષેત્રે સંકળાયેલી હસ્તીઓ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે આ વિવાદમાં અમિતાભ બચ્ચને પણ ઝંપલાવ્યું છે. બિગ બીએ પણ એક ટ્વિટ કરીને ભારતીયોને માલદીવના બદલે લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર જવાનું સૂચન કર્યું છે. તેમની આ પોસ્ટ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગના ટ્વિટના રિપ્લાયમાં આવી છે, જેમાં સેહવાગે માલદીવના મંત્રીઓની વિવાદાસ્પદ કોમેન્ટને જવાબ આપ્યો હતો.  

આ ટ્વિટમાં બચ્ચને લખ્યું છે કે, ‘આપણે આત્મનિર્ભર છીએ. આપણી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડો.’ આ ટ્વિટ પછી તેમના કોમેન્ટ સેક્શનમાં ઘણાં લોકોએ ભારતમાં ફરવા જવા લાયક સુંદર સ્થળોની તસવીરો શેર કરી છે.

બિગ બીએ કહ્યું કે આ યોગ્ય તક છે

અમિતાભ બચ્ચને લક્ષદ્વીપ પર કટાક્ષ કરનારા માલદીવના મંત્રીઓની હરકતો પર પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે વીરેન્દ્ર સેહવાગની પોસ્ટ રિ-ટ્વિટ કરતા લખ્યું છે કે ‘વીરુ પાજી, આ યોગ્ય તક છે. આપણી ધરતી સૌથી સારી છે. હું લક્ષદ્વીપ અને આંદામાન ગયો છું અને તે ખૂબ જ સુંદર સ્થળો છે. સુંદર પાણીવાળો બીચ અને અંડરવોટર એક્સપિરિયન્સ તો અદ્ભૂત છે. આ ભારત છે, આપણે આત્મનિર્ભર છીએ, આપણી આત્મનિર્ભરતાને નુકસાન ન પહોંચાડીએ. જય હિન્દ.’

બિગ બીની આ પોસ્ટ પર લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, હવે બચ્ચન સાહેબ પણ મેદાનમાં આવી ગયા છે. તો બીજા એક યુઝરે લખ્યું છે કે, હવે લક્ષદ્વીપમાં લાઇનો લાગી જશે. 


વીરેન્દ્ર સેહવાગે પણ આ શાનદાર તક ગણાવી

સેહવાગે લખ્યું છે કે, ‘ઉડુપીનો સુંદર બીચ હોય, પોન્ડીનો પેરેડાઈઝ બીચ, આંદામાનનો નીલ અને હેવલોક હોય કે પછી આપણા દેશભરના બીજા સુંદર બીચ હોય. ભારતમાં એવા ઘણાં સ્થળો છે, જ્યાં લોકોએ મુલાકાત લીધી નથી અને જેને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટની ખૂબ જરૂર છે. ભારત આપત્તિને તકમાં બદલવા માટે જાણીતું છે. માલદીવના લોકોનો આપણા દેશ અને વડાપ્રધાન પર કટાક્ષ એ એક મોટી તક છે. મહેરબાની કરીને તમે લોકો આવા સુંદર સ્થળોના નામ આપો, જે હજુ સુધી ખાસ એક્સપ્લોર નથી થયા.’

અગાઉ અક્ષય કુમાર, સલમાન ખાન, જ્હોન અબ્રાહમ, શ્રદ્ધા કપૂર, સચિન તેંડુલકર, ઈરફાન પઠાણ અને આકાશ ચોપરા સહિત અનેક લોકો માલદીવ વિવાદ અંગે સોશિયલ મીડિયામાં વિરોધ નોંધાવી ચૂક્યા છે. 

adv

Related News

post
post
post
post
post
post
post