• Home
  • News
  • સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના ઉત્તરાધિકારીઓનું એલાન
post

કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સહિત અનેક રાજનેતા સ્વામી સ્વરૂપાનંદના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-12 17:59:36

નવી દિલ્હી: દ્વારકા શારદા અને જ્યોતિર્મઠ બદ્રીનાથ પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું રવિવારે 99 વર્ષની અવસ્થામાં અવસાન થઈ ગયું હતું. તેમના અંતિમ દર્શન માટે મધ્યપ્રદેશના નરસિંહપુર આશ્રમમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી. કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સહિત અનેક અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. સ્વામી સ્વરૂપાનંદના ઉત્તરાધિકારીઓનું પણ એલાન કરી દેવામાં આવ્યું છે. તેમના બે ઉત્તરાધિકારીઓ હશે જે અલગ-અલગ પીઠના શંકરાચાર્ય બનશે. 

સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને જ્યોતિષપીઠ બદ્રીનાથના પ્રમુખ અને સ્વામી સદાનંદજીને દ્વારકા શારદા પીઠના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. સ્વામી સ્વરૂપાનંદના પાર્થિવ દેહ સામે જ તેમના અંગત સચિવ રહેલા સુબોધાનંદ મહારાજે આ નામોની ઘોષણા કરી હતી. સ્વામી સ્વરૂપાનંદને નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં ભૂ-સમાધિ આપવામાં આવશે.

ડોક્ટર્સના જણાવ્યા પ્રમણે સ્વામી સ્વરૂપાનંદનું અવસાન માઈનર હાર્ટ એટેકને કારણે થયું છે. તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હતા. જે બંને સંતોને સ્વામી સ્વરૂપાનંદના ઉત્તરાધિકારી બનાવવામાં આવ્યા છે તેઓ બંને જ દંડી સ્વામીની પદવી પ્રાપ્ત કરી ચૂકેલા છે. 

સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી પણ શંકરાચાર્ય બનવા પહેલા દંડી સ્વામી બન્યા હતા. તેમણે શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દંડ સન્યાસની દિક્ષા ગ્રહણ કરી હતી. ત્યારબાદ 1981માં તેમને શંકરાચાર્યની ઉપાધિ મળી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post