• Home
  • News
  • અંશુલ અને સૌરીનનો મૃતદેહ અમદાવાદ લવાશે:ઓકલેન્ડ દુર્ઘટનામાં જીવવાનો એકમાત્ર સહારો છીનવાયો, અંશુલની પત્નીએ માતા-પિતા અને ભાઇ બાદ પતિને પણ ગુમાવ્યો
post

આ દુર્ઘટનામાં અંશુલનું પત્નીની સામે જ દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-23 18:48:21

અમદાવાદ: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે પીહા બીચ પર ફરવા માટે ગયેલા અમદાવાદના ત્રણ યુવકોમાંથી બે યુવક અંશુલ શાહ અને સૌરીન પટેલનું દરિયામાં ડૂબી જવાથી મોત થયું. બંને યુવકોના મૃતદેહ હજી અમદાવાદ આવ્યા નથી. આ ગંભીર દુર્ઘટનામાં માતાએ પુત્ર અને યુવતીએ પોતાના પતિને ગુમાવ્યો છે. મૃતક અંશુલના અમદાવાદમાં રહેતા પરિવારજનો ખૂબ જ આઘાતમાં સરી પડ્યા છે. પુત્ર ગુમાવનાર મૃતક અંશુલના માતાની તબિયત ખરાબ છે. જ્યારે અંશુલની પત્નીએ કોરોનામાં જ પોતાના માતા-પિતા અને ભાઈને ગુમાવ્યા હતા. પતિના મોત બાદ હવે પોતે એકલી થઈ ગઈ છે.

માતા-પિતા અને ભાઈ બાદ પતિને પણ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ ઓકલેન્ડના પીહા બીચ ખાતે દરિયામાં ડૂબી જતા જીવ ગુમાવનાર અમદાવાદના મૃતક અંશુલ શાહની પત્ની નમ્રતા શાહના જીવનમાં ફરી એકવાર આ એક મોટી આપત્તિ આવી પડી છે. કોરોનાના સમય દરમિયાન નમ્રતાના માતા-પિતા અને ભાઈએ તેમનો જીવ ગુમાવ્યો હતો. માતા-પિતા અને ભાઈના મૃત્યુ બાદ તેમના જીવનમાં એકમાત્ર હવે તેમના પતિ અંશુલ જ હતા. પરંતુ 21 જાન્યુઆરીને શનિવારે સાંજના સમયે ઓકલેન્ડના દરિયામાં આવેલા એક મોજાએ તેમનો જીવ લઈ લેતા હવે તેઓનો એકમાત્ર સહારો પણ છીનવાઈ ગયો છે. તેઓએ ત્રણ વર્ષમાં જ પોતાના ચાર સ્વજનોને ગુમાવ્યા છે. તો બીજી તરફ પુત્રના મોતના સમાચાર મળ્યા બાદ અંશુલના માતાની તબિયત ખરાબ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

બે દિવસ બાદ બંનેના મૃતદેહને ભારત આવશે
ન્યૂઝીલેન્ડ ખાતે આજે બંનેના મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. પોલીસ અને હોસ્પિટલની જે પણ કાયદાકીય પ્રક્રિયા છે, તે આજ રાત સુધીમાં પૂર્ણ થઈ જશે. તેથી આવતીકાલે બંનેના મૃતદેહને તેમના પરિવારજનોને ત્યાં સોંપી દેવામાં આવશે. બે દિવસ બાદ બંનેના મૃતદેહને ભારત લાવવાની પ્રક્રિયા કરવામાં આવશે, તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મૃતકના પરિવારજનો હાલમાં ન્યૂઝીલેન્ડ ખાતે ભારતીય હાઇ કમિશનના સંપર્કમાં છે. ઝડપથી બંનેના મૃતદેહ અમદાવાદ પહોંચે તેના માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.

પી.એમ.ની કાર્યવાહી બાદ મૃતદેહ સોંપાશે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ન્યુઝીલેન્ડ ખાતેના પીહા બીચમાં અંશુલ શાહ અને સૌરીન પટેલના મૃત્યુની ઘટના બાદ પોલીસ અને હોસ્પિટલની કાર્યવાહી હાલમાં ઓકલેન્ડ ખાતે ચાલી રહી છે. આજે બંનેના પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થશે અને પોલીસ તેમજ હોસ્પિટલની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્યાં તેમના મૃતદેહને સોંપવામાં આવશે. ભારતીય હાઇ કમિશન અને કોન્સ્યુલેટ સાથે સતત સંપર્ક કરી અને તેઓના મૃતદેહને અમદાવાદ લાવવામાં આવશે. બંને ગુજરાતી યુવકોના મૃતદેહને અમદાવાદ લાવવા માટે થઈ અને ન્યૂઝીલેન્ડમાં વસતા ગુજરાતીઓએ પણ મદદે આવવાની તૈયારી દર્શાવી છે.

 

પત્નીની નજરની સામે જ પતિનું મોત
ન્યુઝીલેન્ડ ઓકલેન્ડ ખાતે રહેતા અંશુલ શાહ અને અપૂર્વ મોદી તેમની પત્નીઓ સાથે અને સૌરીન પટેલ ત્રણેય પીહા બીચના દરિયા કિનારે ગયા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં અંશુલનું પત્નીની સામે જ દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ત્રણેય ખાસ મિત્રો ફરવા માટે દરિયાકિનારે ગયા હતા અને તેમાં પત્નીની નજરની સામે જ પતિનું મોત થતા પરિવારજનો ભારે આઘાતમાં છે.

અચાનક એક વિશાળ મોજું ત્રણેયને અંદર ખેચી ગયું
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ધરણીધર વિસ્તારમાં રહેતો અંશુલ શાહ સૌરીન પટેલ અને અપૂર્વ મોદી મિત્રો હતા. સૌરીનને અપૂર્વ સ્કૂલ સમયથી ઓળખતો હતો. અંશુલને પણ ઘણા વર્ષોથી તેને ઓળખતો હતો. અંશુલ તેની પત્ની સાથે વર્કિંગ વિઝા ઉપર ન્યૂઝીલેન્ડ ગયો હતો. અંશુલ, સૌરિન અને અપુર્વ દરિયાના પાણીમાં ગયા હતા, જ્યારે બંનેની પત્નીઓ બહાર ઉભી હતી. બહુ દૂર ગયા ન હતા અને એક બોલથી રમી રહ્યા હતા, ત્યારે અચાનક એક વિશાળ મોજું ત્રણેય ઉપર આવી ગયું હતું. જેમાં સૌરીને અપુર્વનો હાથ પકડી લીધો હતો જ્યારે અંશુલ વહી ગયો હતો.

અપૂર્વ બહાર નીકળવામાં સફળ રહ્યો
સૌરીન અને અપૂર્વ ધીરે ધીરે દરિયા કિનારે આવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ અન્ય મોજુ આવતાની સાથે એ અલગ થઈ ગયા હતા. જોકે અપૂર્વ બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. કોઈએ 111 પર ફોન કર્યો અને લગભગ 15 મિનિટ પછી, કોસ્ટગાર્ડ્સ આવ્યા. તે બીજી 15 કે 20 મિનિટ પછી બંનેને કિનારે લાવ્યા હતા. બંનેને CRP આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓનો જીવ બચાવી શક્યા ન હતા.

ભારતીય હાઇ કમિશન તેઓની મદદ કરશે
સૌરીન વર્ષ 2018માં ભણવા માટે ન્યુઝીલેન્ડ ગયો હતો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો અને તે ઓકલેન્ડમાં ટનલ પ્રોજેક્ટમાં નોકરી કરતો હતો. ગત ઓગસ્ટ 2022માં જ તેને નોકરી મળી હતી અને તે ખૂબ જ ખુશ હતો. જ્યારે અંશુલ ગેસ સ્ટેશન ઉપર નોકરી કરતો હતો. અપૂર્વ મોદીએ હાજર સામે તેના બે મિત્રોને ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહના પોસ્ટમોટમની કાર્યવાહી આવતીકાલે ન્યૂઝીલેન્ડમાં થશે અને બાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. જોકે આવતીકાલે મૃતદેહ સોપાયા બાદ તેના તેને ભારત લાવવાની કાર્યવાહી અંગેનો નિર્ણય લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. સુત્રો મુજબ મૃતદેહને ભારત લાવવા માટે થઈ અને ખર્ચા સહિતની વ્યવસ્થા માટે હાઈ કમિશનની મદદ માંગવામાં આવી છે અને તેઓને આશા છે કે ભારતીય હાઇ કમિશન તેઓની મદદ કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post