• Home
  • News
  • કોરોનાની વેક્સિન આવે છે...:દુનિયાની પહેલી કોરોના વેક્સિનને મંજૂરી; બ્રિટને ફાઇઝરને અપ્રૂવલ આપી, આવતા સપ્તાહમાં લોકોને આપવાની શરૂઆત થશે
post

કંપની 2021ના અંત સુધીમાં 1.3 અબજ ડોઝ બનાવવા સક્ષમ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-03 10:20:56

કોરોના મહામારી વચ્ચે એની વેક્સિનને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. દુનિયાની પહેલી કોરોના વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. બ્રિટન સરકારે ફાઈઝરને કોરોનાની વેક્સિન તરીકે મંજૂરી આપી દીધી છે. આ વેક્સિન આવતા સપ્તાહમાં લોકોને આપવાની શરૂઆત થાય એવી પૂરી સંભાવના છે.

બ્રિટનની મેડિસિન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી ઓથોરિટી (MHRA)એ આ વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી આપી દીધી છે. તેમનું કહેવું છે કે આ વેક્સિન સુરક્ષાના બધા માપદંડોને મળતી આવે છે, એ સારી અને અસરકારક છે. આ ફાઈઝર વેક્સિનને મંજૂરી આપનાર બ્રિટન ન માત્ર યુરોપમાં, પણ વિશ્વમાં પ્રથમ દેશ બની ગયો છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આવતા સપ્તાહમાં આ વેક્સિન બ્રિટનમાં મળશે. બ્રિટન સરકારે આ વેક્સિન સરળતાથી દરેક નાગરિકને મળી જાય એ માટે તેના ડોક્ટરોને સ્ટેન્ડ બાય રાખ્યા છે.

ફાઈઝર વિશ્વની પ્રથમ વેક્સિન કેમ?
દુનિયાભરમાં હાલ કુલ 212 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે.ચીન ફેઝ-1 ટ્રાયલ પહેલા જ ચાર વેક્સિનને અને રશિયા ફેઝ-3 પહેલાજ બે વેક્સિનને મંજૂરી આપી ચૂક્યું છે. બન્ને દેશમાં વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. પરંતુ ત્રણ ફેઝના ટ્રાયલ પછી વિશ્વમાં અત્યાર સુધી કોઈ વેક્સિનને મંજૂરી મળી નથી. એટલા માટે ફાઈઝર એવી પ્રથમ વેક્સિન છે જેને ત્રણ ટ્રાયલ પછી કોઈ સરકારે મંજૂરી આપી હોય.

ફાઇઝરની વેક્સિન 95% અસરકારક છે
અમેરિકા ફાર્મા કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોએનટેકની જોઇન્ટ કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 95 ટકા અસરકારક સાબિત થઈ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, વેક્સિન ઉંમરલાયક લોકો પર અસરકારક રહી છે. એની કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. ફાઈઝર ડિસેમ્બર સુધી વેક્સિનના 5 કરોડ ડોઝ તૈયાર કરવાની યોજના ધરાવે છે.

ફાઈઝરની ફેઝ-3માં ટ્રાયલમાં આશરે 44 હજાર લોકોએ ભાગ લીધો હતો. આ પૈકી 170 લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા. એમાંથી 162 દર્દી એવા હતા કે જેમને વેક્સિન નહીં, પણ પ્લેસિબો આપવામાં આવી હતી.

50 હોસ્પિટલ દ્વારા વેક્સીનેશન શરૂ થશે
બ્રિટને કુલ ચાર કરોડ ડોઝનો ઓર્ડર કર્યો છે. તે દેશના બે કરોડ લોકોને અપાશે. 21 દિવસમાં વ્યક્તિને બે ડોઝ અપાશે. બીજો બુસ્ટર ડોઝ હશે. આગામી સપ્તાહમાં 1 કરોડ ડોઝની સપ્લાઈ કરાશે. 50 હોસ્પિટલ દ્વારા વેક્સિનેશન શરૂ કરાશે.

ફાઇઝરની વેક્સિન ભારતમાં આવતાં વાર લાગશે
કોરોનાના ઈલાજ માટે ફાઈઝરની વેક્સિન ભારતમાં લાવવા માટે ઘણી અડચણો છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે, દેશમાં આ રસીને રાખવા તેમજ તેના લોજિસ્ટિક માટે સુપર કોલ્ડસ્ટોરેજની સગવડતા નથી. આ પરિસ્થિતિમાં રસીને ભારત માટે ઉપલબ્ધ કરાવવી થોડી મુશ્કેલ છે. આ ઉપરાંત ફાઈઝરની વેક્સિનની કિંમત પણ ઘણી ઊંચી છે.

ભારત સરકાર ફાઇઝર સાથે વાત કરવા તૈયાર
ફાઈઝરની કોરોના વેક્સિન ભારતમાં ઉપલબ્ધ બને એ માટે ભારત સરકાર કંપની સાથે વાત કરવા માટે તૈયાર છે. કયા લેવલે કેવી તૈયારીઓ કરવી પડશે એ માટે પણ સરકાર સક્રિય રીતે માહિતી મેળવી રહી છે. અત્યારે સૌથી મોટો પ્રશ્ન સુપર કોલ્ડસ્ટોરેજનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો છે. ભારતનાં મોટાં અને મેટ્રો શહેરોમાં પણ આ પ્રકારની સગવડતા પૂરતા પ્રમાણમાં નથી.

બ્રિટનમાં કોરોનાથી 59 હજારથી વધારે લોકો મોતને ભેટ્યા છે
સૌથી વધારે કોરોના સંક્રમણની દૃષ્ટિએ બ્રિટન વિશ્વમાં સાતમો દેશ છે. બ્રિટનમાં 16 લાખ 43 હજાર 86થી વધારે કેસ નોંધાયા છે, જ્યારે 59 હજાર 51થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ 1,415 લોકો ગંભીર છે. અહીં કુલ 4.37 કરોડ લોકોના ટેસ્ટ કરાયા છે.

કંપની 2021ના અંત સુધીમાં 1.3 અબજ ડોઝ બનાવવા સક્ષમ
કંપનીએ દાવો કર્યો છે કે 2020ના અંત સુધીમાં 5 કરોડ ડોઝ અને 2021ના આખર સુધીમાં તે 1.3 અબજ વેક્સિન ડોઝ બનાવવા સક્ષમ છે. હાલના સંજોગોને જોતાં રસી 30 દિવસની અંદર ઉપયોગમાં લેવાઈ જશે, એટલે એને સ્ટોર કરવા માટે કોઈ તકલીફ ઊભી થશે નહિ. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ વેક્સિનને સ્ટોર કરવા માટે -70 ડીગ્રી તાપમાનની જરૂર રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post