• Home
  • News
  • કાબુલ પરનો હુમલો અમેરિકાની ગંભીર ભૂલ:આતંકવાદીઓની શંકામાં કરાયેલા ડ્રોન હુમલામાં 7 બાળક સહિત 10 અફઘાની માર્યા ગયા હતા, US આર્મીએ માફી માગી
post

કાબુલમાં ડ્રોન હુમલાની તપાસ બાદ અમેરિકાએ આ નિવેદન જાહેર કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-18 14:58:42

અમેરિકાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં 29 ઓગસ્ટે ડ્રોન હુમલાને ગંભીર ભૂલ ગણીને માફી માગી છે. અમેરિકાએ પહેલી વખત કહ્યું હતું કે આ હુમલામાં 10 અફઘાની નાગરિકોનાં મોત થયાં હતાં, જેમાં 7 બાળક પણ સામેલ હતાં. US આર્મીના સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ કેનેથ મેકેન્ઝીએ કહ્યું હતું કે કાબુલમાં ડ્રોન હુમલા ISISની શંકાસ્પદ કામગીરીને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, કારણ કે અમેરિકાની ગુપ્તચર એજન્સી પાસે મજબૂત માહિતી હતી કે ISIS કાબુલ એરપોર્ટ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું હતું.

કાબુલમાં ડ્રોન હુમલાની તપાસ બાદ અમેરિકાએ આ નિવેદન જારી કર્યું હતું. અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિને ખેદ વ્યક્ત કર્યો છે અને કાબુલ હુમલામાં માર્યા ગયેલા લોકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અમે માફી માગીએ છીએ અને વચન આપીએ છીએ કે આપણે આ ભયંકર ભૂલમાંથી પાઠ શીખીશું. જયારે જનરલ કેનેથ મેકેન્ઝીએ કહ્યું હતું કે અમેરિકી સરકાર મૂલ્યાંકન કરી રહી છે કે જે લોકો માર્યા ગયા છે તેમના પરિવારોને કેવી રીતે વળતર આપવું.

શંકાસ્પદ ટોયોટા કાર અંગે અમેરિકી ગુપ્તચર અહેવાલ ખોટો હતો
હુમલાનું વર્ણન કરતાં મેકેન્ઝીએ કહ્યું હતું કે અમેરિકી ગુપ્તચર સંસ્થાએ એવા સ્થાનને શોધી કાઢ્યું છે જ્યાંથી ISISના આતંકવાદીઓ કાબુલ એરપોર્ટ પર હુમલાની તૈયારી કરી રહ્યા હતા. ગુપ્તચર એજન્સીએ સૈન્યને સફેદ ટોયોટા કાર પર નજર રાખવા કહ્યું હતું, જેનો ઉપયોગ ISIS દ્વારા કરવામાં આવી રહ્યો હતો. આ પછી US આર્મીએ એ શંકાસ્પદ ટોયોટા કારને 8 કલાક સુધી ટ્રેક કરી હતી અને તેની મૂવમેન્ટને જોતાં નક્કી કરેલા ટાર્ગેટ પર તેને નિશાન બનાવવામાં આવી હતી, પરંતુ આ કાર બાબતે અમારી ગુપ્તચર એજન્સીનો રિપોર્ટ ખોટો હતો.

મેકેન્ઝિએ ડ્રોન હુમલાના નિર્ણયનો પણ બચાવ કર્યો છે. તેઓ કહે છે કે કાબુલ એરપોર્ટ પર અમારા એરલિફ્ટ ઓપરેશન દરમિયાન ISISના હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને ડ્રોન સ્ટ્રાઇક કરવામાં આવી હતી. પછી અમે આવાં 60થી વધુ જોખમો સામે લડી રહ્યા હતા અને જ્યારે ડ્રોન સ્ટ્રાઈકનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે એ સ્થળે કોઈ નાગરિક જોવા મળ્યો ન હતો.

અમેરિકી અધિકારીઓએ વિચાર્યું કે શંકાસ્પદની સફેદ કાર વિસ્ફોટકોથી ભરેલી હતી, પરંતુ ન્યૂયોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો કે કારમાં પાણીના કેન રાખવામાં આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post