• Home
  • News
  • રાજસ્થાન સીએમની રેસમાં રહેલા બાલકનાથને મંત્રી પણ ન બનાવાયા, જાણો શું છે તેની પાછળના કારણો
post

મહંત બાલકનાથને જાતિગત સમીકરણોને કારણે પણ મંત્રી ન બનાવ્યા હોવાની ચર્ચા જામી છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-02 17:48:21

રાજસ્થાનના મુખ્યમંત્રી બનવાનું બાબા બાલકનાથનું સ્વપ્ન રોળાઈ ગયું છે. બાબા બાલકનાથ અને મુખ્યમંત્રી પદની ખુરશીથી વંચિત રાખવામાં બેથી ત્રણ પરિબળોએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. ભાજપે રાજસ્થાનની ચૂંટણીમાં મહારાણી દિયા કુમારી,રાજ્યવર્ધન સિંહ રાઠોડ,દેવજી પટેલ,નરેન્દ્ર ખીચડ,ભગીરથ ચૌધરી અને બાબા બાલકનાથ સહીત કુલ સાત સાંસદોને ચુંટણી મેદાનમાં ઉતાર્યા હતા. તેમાં રાજ્યસભા સાંસદ કિરોડીલાલ મીણાનું નામ પણ સામેલ છે. હરિયાણાના રોહતક સ્થિત બાબા મસ્તનાથ પીઠના મહંત બાલકનાથ યોગી પણ તીજારા બેઠકથી મેદાનમાં હતા.

બાલકનાથે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને પણ પાછળ છોડી દીધા હતા

બાબા બાલકનાથ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક જ સંપ્રદાયના છે. બાબા બાલકનાથની લોકપ્રિયતાનો ગ્રાફ એટલો ઉંચે પહોંચી ગયો હતો કે તે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને પણ પાછળ છોડી ભાજપ તરફથી મુખ્યમંત્રી તરીકેનો સૌથી લોકપ્રિય ચહેરો બની ગયા હતા. એક્ઝીટ પોલમાં મુખ્યમંત્રી તરીકે દસ ટકા લોકોની પસંદ સાથે બાલકનાથ તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત બાદ બીજા સ્થાને હતા.

રાજસ્થાનમાં ચૂંટણી બાદ મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવાની થઇ ત્યારે ભજનલાલ શર્મા સૌની પર ભારે પડી ગયા હતા. ભજનલાલની શપથવિધિ બાદ ચર્ચા શરુ થઇ ગઈ હતી કે બાલકનાથને નવા મંત્રી મંડળમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. પરંતુ ભાજપનો સૌથી લોકપ્રિય ચહેરો ગણાતા બાલકનાથને કેબિનેટમાં પણ સ્થાન મળી શક્યું નહોતું. કયા પરિબળો આડે આવ્યા મહંત બાલકનાથને જાતિગત સમીકરણોને કારણે પણ મંત્રી ન બનાવ્યા હોવાની ચર્ચા જામી છે. મહંત બાલકનાથ યાદવ જાતિથી આવે છે. રાજસ્થાનમાં યાદવ જાતિના મતદારો આશરે બે ડઝન જેટલી બેઠકો પર હાર-જીત નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે પરંતુ તેનો પ્રભાવ ફક્ત છ જેટલી બેઠકો પર જ છે. ભાજપનો આધાર આ જાતિમાં નબળો માનવામાં આવે છે. 

સંત-મહંત પરિબળને કારણે પણ બાલકનાથને મુખ્યમંત્રી ન બનાવ્યા હોવાની અટકળો સામે આવી છે. રાજસ્થાન ચુંટણીમાં આ વખતે ભાજપની ટીકીટ પર ત્રણ સંત-મહંત વિધાનસભા પહોંચ્યા છે. પોખરણથી મહંત પ્રતાપપુરી અને હવામહેલથી બાલમુકુન્દ આચાર્ય પણ ધારાસભ્ય છે. આ સંજોગોમાં બાલકનાથને મંત્રી બનાવવામાં આવે તો સંત સમાજમાંથી આવતા બે ધારાસભ્યોને સેટ કરવાનો પડકાર ભાજપ સામે ઉભો થઇ શકે તેમ હતો.

બાલકનાથની લોકપ્રિયતા પણ તેમના મંત્રી બનવાના માર્ગમાં આડે આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે બાલકનાથને મંત્રી બનાવવામાં આવે તો ભજનલાલનું કદ ઘટી શકે છે. તે મંત્રી મંડળમાં હશે તો ભજનલાલ માટે અસહજ સ્થિતિ પેદા થઇ શકે છે. આ પરિબળ જ બાલકનાથને મંત્રી બનતા રોકી રહ્યું હોવાની ચર્ચા છે.


adv

Related News

post
post
post
post
post
post
post