• Home
  • News
  • 56 મોત બાદ ચીનમાં પશુઓના વેચાણ પર પ્રતિબંધ, દ.કોરિયામાં ત્રીજો કેસ પોઝિટીવ, જાપાન તેના નાગરિકોનું સ્થળાંતર કરશે
post

અમેરિકા અને દ.કોરિયામાં પણ ત્રીજો કેસ પોઝિટીવ, ચીન સિવાય 11 દેશમાં પોઝિટીવ કેસ નોંધાયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-27 10:39:09

વુહાન : મોતને ઘાટ ઉતારતા કોરોના વાયરસે ચીન સહિત વિશ્વના અલગ અલગ દેશોને ભરડામાં લેવાનું શરૂ કરી દીધું છે. ચીનના વુહાન શહેરની એક ફુડ માર્કેટમાંથી સંભવિત પણે નિકળેલા વાયરસના સંક્રમણના લીધે વુહાન શહેર અત્યારે સંપૂર્ણપણે લોકડાઉન સ્થિતિમાં છે. તેને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રએ પશુઓના વેચાણ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. તેથી બજારો, સુપરમાર્કેટ, રેસ્તરાં કે ઓનલાઇન પ્લેટફોર્મ પર ભોજનમાં ઉપયોગમાં લેવાતા પશુઓનું વેચાણ થઇ શકશે નહીં. ટેલિગ્રાફના એક રિપોર્ટ પ્રમાણે સમગ્ર ચીનમાં અમેરિકા કરતા બમણી માત્રામાં માંસ ખવાય છે. ચીનમાં અત્યાર સુધી 56 લોકોના મોત વાયરસની ચપેટમાં આવવાથી થયા છે. શાંઘાઇમાં પણ પહેલો કેસ નોંધાયો છે. રિપોર્ટ્સ પ્રમાણે કુલ 1975 લોકો ચીનમાં અત્યારે વાયરસના ચેપથી ગ્રસ્ત છે.

દક્ષિણ કોરિયામાં ત્રીજો પોઝિટિવ કેસ
દક્ષિણ કોરિયામાં ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે વાયરસની ચપેટમાં ત્રીજો કેસ પોઝિટીવ આવ્યો છે. કોરિયન સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન પ્રમાણે વુહાનથી પરત આવેલી એક 54 વર્ષીય કોરિયન નાગરિકની તપાસ કરાતા તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેને આઇસોલેશનમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. અહીં આવ્યા બાદ તેની મુલાકાત કોની કોની સાથે થઇ તેની પણ માહિતી મેળવવામાં આવી રહી છે.

અમેરિકામાં પણ ત્રીજો કેસ પોઝિટીવ
અમેરિકામાં પણ વાયરસની ચપેટીમાં ત્રણ લોકો આવી ચૂક્યા છે. કેલિફોર્નિયાના ઓરેન્જ કન્ટ્રીમાં પહેલો કેસ છે. જે વ્યક્તિનો કેસ પોઝિટીવ છે તે વુહાનથી આવી હતી અને અત્યારે તે આઇસોલેશનમાં સારી પરિસ્થિતિમાં હોવાનું સ્થાનિક તંત્રએ જણાવ્યું હતું. તે સિવાય બે અન્ય કેસ પણ પોઝિટીવ છે. એક સીટલમાં છે જ્યારે બીજી એક મહિલા શિકાગોમાં છે.

બીજા કયા દેશોમાં વાયરસના પોઝિટીવ રિપોર્ટ આવ્યા છે ?
અમેરિકા સિવાય જાપાન, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, મલેશિયા, નેપાળ, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાઇવાન, થાઇલેન્ડ અને વિયેતનામમાં વાયરસના પોઝિટીવ કેસ જોવા મળ્યા છે. વિયેતનામમાં 2, થાઇલેન્ડમાં 5, તાઇવાનમાં 3, .કોરિયામાં 3, સિંગાપોરમાં 3, નેપાળમાં 1, મલેશિયામાં 4, જાપાનમાં 3, ફ્રાન્સમાં 3 અને ઓસ્ટ્રેલિયામાં 1 કેસ અત્યાર સુધી પોઝિટીવ કેસ સામે આવ્યા છે.

વુહાનમાંથી જાપાનના નાગિરકોને પરત બોલાવવામાં આવશે- વડાપ્રધાન શિન્ઝો આબે
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ જણાવ્યું હતું કે દેશના જે નાગરિકો વુહાનમાં છે તેમને પરત બોલાવવામાં આવશે. ચીન સાથે સ્પેશ્લ ચાર્ટર ફ્લાઇટ દ્વારા જાપાનના નાગરિકોને પરત લાવવા અંગે વાતચીત ચાલી રહી છે. જાપાનના મીડિયા રિપોર્ટ પ્રમાણે અંદાજે 700 જાપાનના નાગિરકો વુહાનમાં છે.

ચીને વિન્ટર ગેમ્સનું આયોજન મુલતવી રાખ્યું
નવી જાહેરાત થાય ત્યાં સુધી ચીને વિન્ટર ગેમ્સ 2020 મુલતવી રાખી છે. પહેલા આયોજન ફેબ્રુઆરીમાં થવાનું હતું અને 2022 વિન્ટર ઓલિમ્પિક્સ માટે એક અગત્યનું પ્લેટફોર્મ માનવામાં આવે છે. ગેમ્સમાં સ્કાઇંગ, સ્નોબોર્ડીંગ અને સ્કેટીંગ સ્પર્ધાઓનું આયોજન થાય છે. તે સિવાય અન્ય વિન્ટર સ્પોર્ટ્સ પણ સામેલ હોય છે. જોકે વાયરસના હાહાકાર વચ્ચે અત્યારે ગેમ્સને અનિશ્વિત મર્યાદા સુધી મુલતવી રાખવામા આવી છે.

તાઇવાને ચીનના પ્રવાસીઓ પર ગાળિયો કસવાનું શરૂ કર્યું
ચીનથી તાઇવાન આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધો લાગવાનું શરૂ થઇ ગયું છે. કોરોના વાયરસ ફેલાય તેથી બિઝનેસ તેમજ અન્ય કારણોથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. હુબેઈથી આવતા પ્રવાસીઓને હવે અહીં નો એન્ટ્રી છે. માત્ર લોકો જે વાયરસ સામે લડતમાં કોઇ કામથી આવે તેમને સંજોગો પ્રમાણે અનુમતિ આપવામાં આવશે તેમ સ્થાનિક વહીવટીતંત્રે જણાવ્યું હતું.

વાયરસ મજબૂત થઇ રહ્યો છે- ચીનના સ્વાસ્થ્ય કમિશન મંત્રી
ચીનના નેશનલ હેલ્થ કમિશન મિનિસ્ટર મા શ્યાઓવેઈએ એક નિવેદનમાં કહ્યું હતું કે વાયરસ વધૂ મજબૂત બની રહ્યો છે. આગામી દિવસોમાં તેની ચપેટમાં આવેલા લોકોનો આંકડો વધી પણ શકે છે. અત્યારે વાયરસ અંગેની માહિતી પણ સીમિત છે અને તે વાયરસમાં કોઇ બદલાવ આવે તો શું ખતરો ઉભો થઇ શકે તેની જાણકારી નથી.

adv

Related News

post
post
post
post
post
post
post