• Home
  • News
  • બિડેન 30 વર્ષના હતા ત્યારથી સેનેટર છે, જીતશે તો અમેરિકાના સૌથી ઉંમરલાયક રાષ્ટ્રપ્રમુખ હશે
post

અમેરિકી રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર જો બિડેન ‌ઘણાં સર્વેક્ષણોમાં ટ્રમ્પથી આગળ ચાલી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 11:17:06

વોશિંગ્ટન: નવેમ્બરમાં 77 વર્ષના જો બિડેન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ચૂંટાય તો દેશના ઇતિહાસમાં સૌથી ઉંમરલાયક અને અનુભવી રાષ્ટ્રપતિઓમાં સ્થાન મેળવશે. અમેરિકાની દ્વિપક્ષી વ્યવસ્થામાં 74 વર્ષના ટ્રમ્પ સામે બિડેનનું પલ્લું ભારે મનાઇ રહ્યું છે. 3 નવેમ્બરે વોટિંગ પહેલાં ઘણા સરવેમાં બિડેન ભાવિ રાષ્ટ્રપ્રમુખ તરીકે જોવાઇ રહ્યા છે. તેઓ અગાઉ બે વખત રાષ્ટ્રપ્રમુખપદ માટે દાવેદારી કરી ચૂક્યા છે. 

1972માં ક્રિસમસના અઠવાડિયા અગાઉ 18 ડિસેમ્બરે એક અકસ્માતમાં બિડેનની 30 વર્ષીય પત્ની નીલિયા અને 13 મહિનાની દીકરી નાઓમીનું મોત થયું હતું. તે દુર્ઘટનામાં તેમના 2 નાના દીકરા બચી ગયા હતા. દુર્ઘટનાને યાદ કરતા બિડેન ઘણી વાર ભાવુક થઇ જાય છે અને બધા માટે સસ્તી સ્વાસ્થ્ય સુવિધાઓની હિમાયત કરે છે. તેઓ ઘણી વાર કહે છે કે તેમના દીકરાઓના કારણે જ તેઓ જીવતા છે. આ ટ્રોમામાંથી બહાર નીકળવામાં તેમને ઘણાં વર્ષ લાગી ગયાં. 

રાજકારણ : 29ની વયે પ્રવેશ્યા, હેલ્થકેર કાયદો બનાવડાવ્યો
બિડેન 1972માં પહેલી વાર ચૂંટણી જીતી સેનેટર બન્યા હતા, ત્યારે તેમની વય ફક્ત 29 વર્ષ હતી. અમેરિકી કાયદા અનુસાર 30 વર્ષથી ઓછી વયની વ્યક્તિ સેનેટર ન બની શકે એટલા માટે બિડેને 30 વર્ષના થયા બાદ શપથ લીધા. તેના પછી તે 1978, 84,90,96 અને 2002માં પણ સેનેટર તરીકે ચૂંટાયા. પોતાની સૌથી મોટી સિદ્ધિ બિડેન મહિલાઓ વિરુદ્ધ હિંસા રોકનારા કાયદાને ગણાવે છે. બિડેને તેને સંસદમાં રજૂ કર્યો હતો. તે ઉપરાંત એફોર્ડેબલ હેલ્થકેર બિલને પણ પોતાની સિદ્ધિ ગણે છે. 

ચૂંટણીઢંઢેરો : મિડલ ક્લાસને પ્રાથમિકતા, વિઝા પ્રતિબંધ હટાવશે
બિડેન ખુદ મિડલ ક્લાસમાંથી આવે છે. તે કહે છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા પાછળનું કારણ દેશની એકતા અને અખંડતાને ફરી પ્રાપ્ત કરવાનું છે. લોકો બિડેનને ભાવનાત્મક વ્યક્તિ કહે છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે તેઓ પોતાનો મોબાઈલ નંબર શેર કરતા કરતા રહી ગયા હતા. બિડેને તેમના ચૂંટણી અભિયાનમાં વાયદો કર્યો હતો કે મિડલ ક્લાસના જીવન સ્તરને ઊંચું લાવવો તેમની પ્રથમ પ્રાથમિકતા છેે. તે એચ-1બી વિઝા પરથી રોક પણ હટાવશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે ફરી જોડાશે.

વિઝન : ગન ક્લચર પર સકંજો, પ્રવાસીઓ માટે નરમ વલણ
બિડેન વિશે ગૂગલ પર સૌથી વધુ જે વસ્તુ શોધવામાં આવી તેના પર જ એક ઈન્ટરવ્યૂમાં તેમને સવાલ કરાયો. ઈમિગ્રેશન અંગે તેમણે કહ્યું કે લોકોના પરિવારને એકસાથે રાખવો તેમનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે. બિડેન અનુસાર ઈમિગ્રેશને જ અમેરિકાને બનાવ્યું છે. ગન કલ્ચર અંગે બિડેન માને છે કે ગન આપતાં પહેલા વૈશ્વિક સ્તરે બેકગ્રાઉન્ડ ચેક થવું જોઈએ. બિડેન રાષ્ટ્રીય રાઈફલ એસોસિયેશનમાં બે વાર ચૂંટણી જીતી ચૂક્યા છે. તેમણે અસૉલ્ટ વેપન અને હાઈ કેપેસિટી મેગેઝિન પર બેન મૂકી દીધો હતો. 

સર્વેક્ષણ : 50 ટકાની લીડ સાથે બિડેન આગળ ચાલી રહ્યા છે 
ન્યુયોર્ક ટાઈમ્સ સિએન કોલેજ સરવે અનુસાર ટ્રમ્પને 2016માં જીતાડનારા છ રાજ્યોમાં બિડેન આગળ ચાલી રહ્યા છે. ફાઈવ થર્ટી એટ ડૉટ કોમ નામની વેબસાઈટ અનુસાર બિડેન 50 ટકાથી વધુ રુઝાનોમાં લીડ કરી રહ્યા છે. કોલારેડો અને ન્યૂ મેક્સીકો જેવા સ્ટેટમાં તો બિડેનનું માર્જિન 15થી વધુ છે. કોરોના વાઈરસ અને ફ્લૉઈડની હત્યાના મામલાને લીધે ટ્રમ્પ પાછળ થઈ ચૂક્યા છે. જોકે મોર્ગન સ્ટેનલે અનુસાર કોરોનાની વેક્સિન સામે આવ્યા બાદ ટ્રમ્પનું પલડું ભારે થઈ શકે છે.

ઓબામા સાથે મિત્રતાના કિસ્સા મશહૂર
જો બિડેન 2008 અને 2012માં તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ઓબામા સાથે દેશના ઉપરાષ્ટ્રપ્રમુખ રહી ચૂક્યા છે. ઓબામાના ખાસ મિત્ર બિડેન તેમના કહેવાથી જ ઉપરાષ્ટ્રપ્રમુખ બનવા તૈયાર થયા હતા. 9 જૂને ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે પર બિડેને ટ્વિટર પર ઓબામાના અને તેમના નામનું એક બ્રેસલેટ પણ શૅર કર્યું હતું. ઓબામા બિડેનની ભાષણ આપવાની કળાથી હંમેશા પ્રભાવિત રહ્યા છે.

પ્રોફાઇલ

·         જન્મ- 20 નવેમ્બર 1942

·         પિતા- સેફ રોબિનેટ બિડેન સિનિયર (કાર સેલ્સમેન)

·         માતા- કેથરીન યુગેનિયા

·         પત્ની- નીલિયા હન્ટર (1966-1972), જિલ બિડેન (1977થી આજ પર્યંત)

·         શિક્ષણ- બી.એ. ઇન લૉ (યુનિવર્સિટી ઑફ ડેલાવેર)

·         પુસ્તક- પ્રોમિસ ટુ કીપ ઑન લાઇફ એન્ડ પોલિટિક્સ (પોલિટિકલ બાયોગ્રાફી)

·         કુલ સંપત્તિ- 90 લાખ ડોલર (અંદાજે 67 કરોડ રૂ.)

 

adv

Related News

post
post
post
post
post
post
post