• Home
  • News
  • હજુ ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહો:ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી યથાવત્ રહેશે, 25 જાન્યુઆરીથી ઠૂંઠવાઈ જવાય એવી ઠંડી પડશે
post

સવાર અને રાત્રિ દરમિયાન વધુ ઠંડી અનુભવાશે, પરંતુ દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાની સંભાવના છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-01-18 19:19:06

રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી યથાવત્ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મંગળવારે પણ 11 શહેરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો હતો. આ કાતિલ ઠંડીમાં રાજકોટની શાળામાં વિદ્યાર્થિનીનું હાર્ટ-અટેકથી મૃત્યુ નીપજ્યું હતું. નલિયામાં ફરી સૌથી ઓછું તાપમાન 2.4 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું હતું. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ ઘટશે, જોકે રાજ્યમાં 25 જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે. આ શિયાળાની સિઝન વધુ સમય સુધી રહેશે. સવાર અને રાત્રિ દરમિયાન વધુ ઠંડી અનુભવાશે, પરંતુ દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં કોલ્ડવેવ રહેશે
હવામાન વિભાગ મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નલિયામાં 2.4 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી પડી હતી. હજુ પણ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતનાં 11 શહેરમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાવાથી તાપમાનમાં પણ વધઘટ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે પૂર્વ તરફ પહોંચે છે ત્યારે ઉત્તરના પવનથી શીતલહેરો સર્જાય છે, પરિણામે, ગુજરાતમાં ઠંડી પડી રહી છે. જાન્યુઆરીના અંત સુધી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી અનુભવાશે.

ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે?
થોડા દિવસ હળવાં વાદળો રહેશે. ત્યાર બાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 25, 26 અને 27 જાન્યુઆરીએ ઠંડી પડવાની શક્યતા વધુ છે અને તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જઈ શકે છે. સૌરાષ્ટ્ર- કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઠંડો પવન ફૂંકાવાની સંભાવના છે.

શા માટે વધુ ઠંડી પડી રહી છે?
હવામાનના નિષ્ણાતો મુજબ, એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં ભારે બરફવર્ષા થશે. જેથી ફેબ્રુઆરીમાં બરફીલી ઠંડીનો પણ અનુભવ થઈ શકે છે. જ્યારે ઉત્તરનાં ઘણાં રાજ્યોમાં કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના છે. આ ઉપરાંત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં પણ ભારે હિમવર્ષા થવાની શક્યતા છે.

માઉન્ટ આબુ હજુ પણ માઈનસમાં!
માઉન્ટ આબુમાં ઠંડીનો પારો -4 ડિગ્રી નોંધાયો હતો. સમગ્ર વિસ્તારમાં બરફની પરત જામેલી જોવા મળી છે. માઉન્ટ આબુમાં સહેલાણીઓ પણ ઠંડીથી ઠૂંઠવાઈ ગયા હતા. આ પહેલાં પણ -6 ડિગ્રી સાથે માઉન્ટ આબુમાં ઠંડી કાતિલ પડી હતી. ઠંડીની સાથે સવારે આબુના પહાડોમાં ધુમ્મસથી મિની કાશ્મીર જેવી સ્થિતિ સર્જાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post