• Home
  • News
  • આફતમાં તક જોઈ રહેલું ચીન:ચીનના સપ્લાયર્સે કોવિડ સાથે સંકળાયેલા સામાનની કિંમતોમાં 5 ગણો વધારો કર્યો, દવાઓના કોન્ટ્રેક્ટ રદ કર્યા
post

સરકારી ઉડાનો પર પ્રતિબંધ લગાવીને ચીને સપ્લાઇ બ્લોક કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-14 11:10:10

દેશમાં કોવિડની બીજી લહેરની વચ્ચે સર્જાયેલા સંકટનો લાભ પાડોશી દેશ ચીન લઈ રહ્યું છે. ચીનના સપ્લાયર સંકટને તકમાં ફેરવી એનો લાભ ઉઠાવી રહ્યા છે. અહીંના સપ્લાયર્સે કોવિડ સાથે સંકળાયેલા કેટલાંક મેડિકલ ઈક્વિપમેન્ટની કિંમત ઘણી વધારી દીધી છે. હોંગકોંગમાં ભારતનાં કાઉન્સિલ જનરલ પ્રિયંકા ચૌહાણે ચીનના આ વધારાની સામે વિરોધ નોંધાવ્યો છે. ચીનના ન્યૂઝપેપર સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટ સાથેની વાતચીતમાં પ્રિયંકા ચૌહાણે કહ્યું હતું કે ભારતને આશા છે કે કોવિડ-19 સામેની લડાઈમાં ચીન ઉત્પાદનોની કિંમતો પર નિયંત્રણ રાખશે.

સપ્લાઈ ચેન ખુલ્લી રહેવી જોઈએ
પ્રિયંકાએ કહ્યું હતું કે અમને આશા છે કે આવી સ્થિતિમાં સપ્લાઈ ચેન ખુલ્લી રહેવી જોઈએ અને ઉત્પાદોની કિંમત સ્થિર હોવી જોઈએ. હાલ સપ્લાઈ અને ડિમાન્ડનું થોડું દબાણ છે. એવામાં ઉત્પાદનોની કિંમતોમાં થોડી સ્થિરતા હોવી જોઈએ, સાથે જ સરકારી સ્તર પર પણ સમર્થન અને પ્રયાસોની ભાવના હોવી જોઈએ.
પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે મને એ અંગે માહિતી નથી કે આ મામલામાં ચીનની સરકાર કેટલો રસ લઈ શકે છે, જોકે એ આમ કરે તો એ સ્વાગતને લાયક છે.

આસમાને પહોંચી છે કોવિડ સાથે જોડાયેલા સામાનની કિંમત
સૂત્રોનું કહેવું છે કે ચીની સપ્લાયર્સે કોવિડ સાથે જોડાયેલા સામાનની કિંમત આસમાન સુધી પહોંચાડી દીધી છે. ઉદાહરણ તરીકે 200 ડોલરની સરેરાશ કિંમતના 10 લિટરના ઓક્સિજન કોન્સન્ટ્રેટરની કિંમત 1000 ડોલરે પહોંચી ગઈ છે. ઘણા સપ્લાયર એને 1200 ડોલરમાં આપે છે. ઘણા સપ્લાયર 10 લિટરના કોન્સન્ટ્રેટરની કિંમત લઈને 5 લિટર કે 8 લિટરનાં કોન્સન્ટ્રેટર આપી રહ્યા છે. 2020માં પણ વેન્ટિલેટર્સની કિંમત 6000 ડોલરથી વધી 30 હજાર ડોલર સુધી પહોંચી ગઈ હતી.

ચીને સપ્લાઇ કોરિડોર બ્લોક કરી દીધા
બીજી સમસ્યા એ છે કે ચીન સરકારે સપ્લાઈ કોરિડોર બ્લોક કરી દીધા છે. ઉદાહરણ તરીકે ચીનની સરકારે એરલાઈન્સ સિચુઆનની ભારતથી થતી ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલાને વિદેશીમંત્રી જયશંકરે ચીનના વિદેશમંત્રી સમક્ષ ઉઠાવવો જોઈએ. જેથી સપ્લાઈના અડચણને દૂર કરી શકાય. ચીન સરકારે સિચુઆન એરલાઈન્સની ભારતનાં 10 શહેરોમાંથી થતા ઉડાન પર પ્રતિબંધ લગાવ્યો છે.

ફાર્મા સપ્લાયર્સે કોન્ટ્રેક્ટને રદ કર્યો
સૂત્રોના જણાવ્યા મુજબ ચીનના ફાર્મા સપ્લાયર્સે અચાનક કોન્ટ્રેક્ટ રદ કરી દીધા છે. હવે ચીનના ફાર્મા સપ્લાયર રેમડેસિવિર અને ફેવિપિરાવિર જેવી દવાઓનો કાચો માલ હરાજીથી આપે છે. જ્યારે ચીનની રેડ ક્રોસ સોસાયટી પોતાના ભારતીય યુનિટને દાન આપી રહી છે. ચીનની એમ્બેસીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારતને મોકલાઈ રહ્યાં છે. ચીનના અધિકારીઓનું કહેવું છે કે સપ્લાઈ લાઈન ખુલ્લી છે અને ઉત્પાદોની કિંમત સ્થિર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post