• Home
  • News
  • 6 દેશોની 41.13 લાખ સ્કવેર કિમી જમીન પર ચીનનો કબજો, પોતાની કુલ જમીનનો 43% હિસ્સો ચીને બથાવેલો છે; ભારતની પણ 43 હજાર સ્કવેર કિમી જમીન ચીને હડપી
post

1949માં કમ્યુનિસ્ટ શાસન આવતા જ ચીને તિબેટ, પૂર્વી તુર્કીસ્તાન અને ઇનર મંગોલિયા પર કબજો કર્યો; હોંગકોંગ 1997 અને મકાઉ 1999થી ચીનના કબજામાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-20 11:40:40

નવી દિલ્હી: ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ ચીન રશિયા અને કેનેડા પછીનો સૌથી મોટો દેશ છે. ચીનનું કુલ ક્ષેત્રફળ 97 લાખ 6 હજાર 961 સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલું છે. 14 દેશો સાથે 22 હજાર 117 કિમી લાંબી સરહદ ચીન ધરાવે છે. વિશ્વનો એ એક એવો દેશ છે જેની સરહદ સૌથી વધુ દેશો સાથે જોડાયેલી છે. ચીનની વિસ્તારવાદી નીતિના કારણે એ તમામ દેશો સાથે ચીન ગંભીર સરહદી વિવાદ ઊભો કરી ચૂક્યું છે. 

ચીનના મેપમાં પૂર્વ તુર્કીસ્તાન, તિબેટ, ઇનર મંગોલિયા અથવા દક્ષિણ મંગોલિયા, તાઈવાન, હોંગકોંગ અને મકાઉના 6 દેશો જોવા મળે છે. આ એવા દેશો છે જેનું અલગ અસ્તિત્વ ખતમ કરીને ચીને તેનાં પર કબજો મેળવી લીધેલો છે અથવા તો દંબગાઈથી તેને ધરાર પોતાનો હિસ્સો ગણાવે છે. આ તમામ દેશોનો કુલ વિસ્તાર 41 લાખ 13 હજાર 709 સ્કવેર કિમીથી વધુ છે. તે ચીનના કુલ ક્ષેત્રનો 43% છે.

6 દેશોજેના પર ચીનનો કબજો અથવા દાવો
1.
પૂર્વી તુર્કીસ્તાન

1949માં ચીને પૂર્વી તુર્કીસ્તાન પર કબજો કર્યો હતો. ચીન તેનો ઉલ્લેખ શિનજિયાંગ પ્રાંત તરીકે કરે છે. 45% ઉઈગર મુસ્લિમ છે, જ્યારે 40% હાન ચિની છે. ઉઈગર મુસ્લિમો તુર્ક મૂળના હોવાનું માનવામાં આવે છે. તિબેટની જેમ જ ચીને પણ શિનજિયાંગને સ્વાયત્ત ક્ષેત્ર તરીકે જાહેર કર્યું છે.

2. તિબેટ

23 મે 1950ના રોજ, હજારો ચીની સૈનિકોએ તિબેટ પર હુમલો કરી કબજો કર્યો હતો. પૂર્વી તુર્કીસ્તાન પછી તિબેટ ચીનનો બીજો સૌથી મોટો પ્રાંત છે. 78% વસ્તી બૌદ્ધ છે. 1959માં ચીને તિબેટના ધર્મગુરુ દલાઈ લામાને અંગરક્ષક વિના બેઇજિંગ આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેમના સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા જેથી ચીન તેની ધરપકડ ન કરી શકે. દલાઈ લામાને પછીથી ભારતમાં આશરો લેવો પડ્યો. 1962 માં ભારત-ચીન યુદ્ધ પાછળનું એક કારણ આ પણ હતું.

3. ઇનર મંગોલિયા

બીજા વિશ્વ યુદ્ધ પછી ચીને ઇનર મંગોલિયા પર કબજો કર્યો હતો. 1947માં ચીને તેને સ્વાયત્ત જાહેર કર્યું. ઇનર મંગોલિયા એ એરિયાના હિસાબે ચીનનો ત્રીજો સૌથી મોટો સબ-ડિવિઝન છે.

4. તાઈવાન

ચીન અને તાઈવાનનો સંબંધ જુદો છે. 1911માં ચીનમાં કોમિંગટાંગની સરકારની રચના થઈ. અહીં 1949માં ગૃહ યુદ્ધ શરૂ થયું હતું અને માઓ ત્સે તુંગની આગેવાની હેઠળના સામ્યવાદીઓએ કોમિંગટાંગની પાર્ટીને હરાવી હતી. હાર પછી કોમિંગટાંગ તાઈવાન ગયો. 1949માં, ચીનને 'પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના' અને તાઈવાનને 'રિપબ્લિક ઓફ ચાઇના' નામ આપવામાં આવ્યું. બંને દેશો એક બીજાને માન્યતા આપતા નથી. જોકે, ચીન દાવો કરે છે કે તાઇવાન પણ તેનો ભાગ છે. જ્યારે કે તાઈવાન પોતાને સ્વાયત્ત દેશ ગણાવે છે. 

5. હોંગકોંગ

હોંગકોંગ અગાઉ ચીનનો ભાગ હતો, પરંતુ 1842માં બ્રિટિશરો સાથેના યુદ્ધમાં ચીને તેને ગુમાવી દીધો હતો. 1997માં બ્રિટને ચીનને હોંગકોંગ પરત કર્યું, પરંતુ તેણે 'વન કન્ટ્રી, ટુ સિસ્ટમ' કરાર પર પણ હસ્તાક્ષર કર્યા, જે હેઠળ ચાઇના આગામી 50 વર્ષ માટે હોંગકોંગને રાજકીય સ્વતંત્રતા આપવા સંમત થયું હતું. હોંગકોંગના લોકોને વિશેષ અધિકાર મળ્યા છે, જે ચીનના લોકો પાસે નથી. ચીનને હવે એ બહુ જ કઠે છે. 

6. મકાઉ

મકાઉ લગભગ 450 વર્ષથી પોર્ટુગીઝના કબજા હેઠળ હતું. ડિસેમ્બર 1999માં પોર્ટુગીઝોએ તેને ચીનને પરત કર્યું. મકાઉ ટ્રાન્સફર કરતી વખતે, હોંગકોંગ સાથે સમાન કરાર થયો હતો. હોંગકોંગની જેમ મકાઉને પણ ચીને 50 વર્ષની રાજકીય સ્વતંત્રતા આપી છે.

ભારતના કેટલા ભાગ પર ચીને કબજો કર્યો છે?
આ વર્ષે 11 માર્ચે લોકસભાના જવાબમાં, વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને કહ્યું હતું કે ચીન અરુણાચલ પ્રદેશના 90 હજાર સ્કવેર કિલોમીટર વિસ્તાર પર પોતાનો દાવો કરે છે. જ્યારે લદ્દાખનો લગભગ 38 હજાર સ્કવેર કિલોમીટરનો ભાગ ચીનના કબજા હેઠળ છે.

આ સિવાય 2 માર્ચ 1963ના રોજ, ચીન અને પાકિસ્તાન વચ્ચેના કરાર હેઠળ, પાકિસ્તાને પોતાના કબજા હેઠળના કાશ્મીરનો 5 હજાર 180 સ્કવેર કિમીનો ભાગ ચીનને ભેટ આપી દીધો હતો. અત્યારે ભારતના જેટલા વિસ્તાર પર ચીનનો કબજો છે, એટલો સ્વિત્ઝરલૅન્ડનો પોતાનો એરિયા પણ નથી. ચીને ભારતના કુલ 43 હજાર 180 સ્કવેર કિલોમીટર પર કબજો કર્યો છે. જ્યારે સ્વિત્ઝરલૅન્ડનો એરિયા 41 હજાર 285 સ્કવેર કિલોમીટર છે.

દેશ કે ભૂમિ  નહીંચીન સમુદ્ર પર પણ પોતાનો હક જમાવે છે
1949
માં સામ્યવાદી સરકારની રચના થઈ ત્યારથી, ચીને અન્ય દેશો અને પ્રદેશો પર કબજો જારી રાખ્યો છે. ચીનની બોર્ડર 14 દેશોને મળે છે, પરંતુ એક અહેવાલમાં જણાવાયું છે કે ચીન 
23
દેશોના વિસ્તાર પર પોતાનો હિસ્સો હોવાનું કહે છે.

આટલું જ નહીં, ચીન દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનો અધિકાર હોવાનું કહે છે. ઇન્ડોનેશિયા અને વિયેટનામ વચ્ચેનો આ સમુદ્ર 3.5 મિલિયન સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલો છે. ઇન્ડોનેશિયા, ચીન, ફિલિપાઇન્સ, વિયેતનામ, મલેશિયા, તાઇવાન અને બ્રુનેઇથી ઘેરાયેલું છે. પરંતુ, ઇન્ડોનેશિયા સિવાયના તમામ 6 દેશો સમુદ્ર પર પોતાનો દાવો કરે છે.

થોડા વર્ષો પહેલાં, આ સમુદ્ર વિશે કોઈ તણાવ નહોતો. પરંતુ, આજથી આશરે 5 વર્ષ પહેલાં, ચીનનાં દરિયામાં ખોદકામ કરનારા જહાજો ઈંટ અને રેતી લઈને દક્ષિણ ચીન સમુદ્રમાં પહોંચ્યા હતા અને કૃત્રિમ ટાપુઓનું નિર્માણ શરૂ કર્યું હતું ત્યારથી વિવાદ સર્જાતો રહ્યો છે. અહીં સૌ પ્રથમ નાના દરિયાઈ પટ્ટા પર બંદર બનાવવામાં આવ્યું હતું. પછી વિમાનના ઉતરાણ માટેની એરસ્ટ્રીપ બનાવી હતી. ચીને અહીં એક આર્ટિફિશિયલ આઇલેન્ડ તૈયાર કરી તેને સૈન્ય મથક બનાવ્યો છે.

જ્યારે ચીનની આ કાર્યવાહી સામે વાંધો લેવાયો ત્યારે તેણે દાવો કર્યો હતો કે દક્ષિણ ચીન સમુદ્ર સાથે તેનું જોડાણ 2 હજાર વર્ષથી વધુ જૂનું છે. આ સમુદ્ર પર અગાઉ જાપાનનો કબજો હતો, પરંતુ બીજા વિશ્વયુદ્ધના અંત પછી તરત જ ચીને પોતાનો હક પરત મેળવી લીધો હતો.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post