• Home
  • News
  • ચાઈનીઝ અવળચંડાઈ:ભારતના સંરક્ષણ બજેટમાં સામાન્ય વધારા વિશે ચીને કર્યો કટાક્ષ- આ રીતે કરશો બરાબરી?
post

ભારતે સરહદી વિસ્તારમાં વિકાસ શરૂ કર્યો તેની અકળામણ

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-04 11:32:24

ભારતનું સામાન્ય બજેટ જે દિવસે રજૂ થયું એ જ દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંરક્ષણ બજેટમાં મામૂલી વધારો કરવા અંગે સવાલો કર્યા હતા. રાહુલ ગાંધીએ 1 ફેબ્રુઆરીએ કરેલા ટ્વીટમાં કહ્યું હતું કે ચીને આપણા વિસ્તાર પર કબજો કર્યો અને આપણા સૈનિકો માર્યા ગયા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ બજેટ વધાર્યું નહીં.

એવી આશા હતી કે ચીન અને પાકિસ્તાન સાથેની તંગદિલી વચ્ચે સેનાના આધુનિકીકરણ અને શસ્ત્રસરંજામની ખરીદી માટે આ વખતે સંરક્ષણ બજેટમાં મોટો વધારો થશે. આ વર્ષે કુલ સંરક્ષણ બજેટ 4.78 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે વર્ષ 2020-21માં આ આંકડો 4.71 લાખ કરોડ રૂપિયા હતો. સંરક્ષણ બજેટમાં સૈનિકોના વેતન-ભથ્થાં અને પેન્શનનો ખર્ચ પણ સામેલ હોય છે.

લાંબા સંઘર્ષમાં ભારતને ટકવું મુશ્કેલ બની શકે
સામાન્ય રીતે હરીફ દેશના મીડિયામાં સંરક્ષણ બજેટમાં વધારો કરવા પર ત્યાંની સરકારની ટીકા થતી હોય છે પરંતુ આ વખતે ચીનના સરકારી મીડિયામાં ભારતના ઓછા સંરક્ષણ બજેટ અંગે ટિપ્પણી કરવામાં આવી છે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે આ બજેટથી ચીનની સાથે કોઈપણ લાંબા સંઘર્ષમાં ભારતને ટકવું મુશ્કેલ બની શકે છે. બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર, ચીનનું સંરક્ષણ બજેટ ભારતના સંરક્ષણ બજેટ કરતાં ચાર ગણુ વધારે છે. મે-2020માં ચીને પોતાનું બજેટ રજૂ કર્યુ હતું, જેમાં સંરક્ષણ બજેટ માટે વાર્ષિક 178 અબજ ડોલર ફાળવવામાં આવ્યા હતા.

ચીનની કમ્યુનિસ્ટ સરકારના મુખપત્ર કહેવાતા ગ્લોબલ ટાઈમ્સે વિશેષજ્ઞોના હવાલાથી લખ્યું છે કે સંરક્ષણ બજેટમાં મામૂલી વધારાની સાથે માત્ર હથિયારો ખરીદીને ભારત પોતાની સેનાનું આધુનિકીકરણ નહીં કરી શકે. ચાઈનીઝ એક્સપર્ટ્સના હવાલાથી લખાયું છે કે બીજા દેશો પાસેથી હથિયાર ખરીદીને ભારતને એ સૈન્ય સરસાઈ હાંસલ નહીં થાય જેવી કે તે ચીન સાથે સરહદી વિવાદમાં ઈચ્છે છે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે જો ભારત પોતાની નબળી સ્થિતિ છતાં આંખ બંધ કરીને પોતાની સેનાના અહ્મની તુષ્ટી કરવા અંગે ભાર આપે છે તો તેની અસર આર્થિક સુધારાઓ પર પણ પડશે.

ગ્લોબલ ટાઈમ્સને ચીનના સૈન્ય વિશેષજ્ઞ સોંગ ઝોંગપિંગે કહ્યું હતું, ભારતની અર્થવ્યવસ્થામાં કોવિડ-19 મહામારીના કારણે મોટો ઘટાડો આવ્યો છે અને આવી પરિસ્થિતિમાં સરકાર સેના પર ખૂબ વધુ પૈસા ખર્ચ નહીં કરી શકે. ગ્લોબલ ટાઈમ્સે આંકડાનો હવાલો આપીને કહ્યું કે વર્ષ 1952 પછીથી ભારતની અર્થવ્યવસ્થામાં સૌથી મોટો વાર્ષિક ઘટાડો નોંધાયો છે.

ભારત બીજા દેશો પાસેથી હથિયારો ખરીદીને સફળ નહીં થાયઃ ગ્લોબલ ટાઈમ્સ
શિંગુઆ યુનિવર્સિટીમાં નેશનલ સ્ટ્રેટેજી ઈન્સ્ટીટ્યુટમાં રિસર્ચ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કિયાન ફેંગે ગ્લોબલ ટાઈમ્સને કહ્યું, છેલ્લા કેટલાક વર્ષથી ભારતના સંરક્ષણ બજેટમાં ઠીક ઠીક વધારો થઈ રહ્યો હતો પણ આ વર્ષે આર્થિક સંકટના કારણે તેમાં મામૂલી વધારો જ થયો છે. કિયાને કહ્યું કે એવું માનવું ભ્રામક હશે કે ભારત બીજા દેશો પાસેથી હથિયાર ખરીદીને પોતાની સૈન્ય ક્ષમતાને સુધારી શકે છે.

કિયાને કહ્યું, સંશોધન અને વિકાસ પર ઓછા ખર્ચના કારણે ભારત દુનિયાથી આધુનિક ટેકનીકવાળા હથિયારો ખરીદવાની કોશિશ કરી રહ્યું છે. તેનાથી ચીન સાથે લાંબા અને મોટાપાયે ટક્કરમાં ભારતના સૈન્યને સફળતા ક્યારેય હાંસલ નહીં થાય. સોંગે કહ્યુ, ભારતે અમેરિકા, રશિયા, ઈઝરાયેલ અને ફ્રાંસથી હથિયાર ખરીદે છે પણ તેનાથી તેની યુદ્ધ લડવાની ક્ષમતામાં વધારો થશે. હથિયાર અને અન્ય સાજોસામાન કોઈપણ જંગમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે. જો સંઘર્ષ દરમિયાન શસ્ત્રસરંજામને નુકસાન પહોંચે છે અને તેનું રિપ્લેસમેન્ટ ન આવે તો સેનાની ક્ષમતા ખરાબ રીતે પ્રભાવિત થશે.

ચાઈનીઝ અખબારે લખ્યું છે કે વિદેશોમાંથી હથિયાર ખરીદવાથી તેની જાળવણી માટે પણ જોરદાર ખર્ચ થશે. જે માત્ર નકામો ખર્ચ જ હશે. ચાઈનીઝ વિશ્લેષક સોંગે કહ્યું કે ભારતની સૈન્ય ક્ષમતા થોડા સમય માટે તો વધી જશે પણ લાંબા સમય માટે આ શોર્ટકટ કામ નહીં આવે.

ભારતે સરહદી વિસ્તારમાં વિકાસ શરૂ કર્યો તેની અકળામણ

મોદી સરકારના આવ્યા પછી સરહદી વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં ઝડપ આવી જેને લઈને ચીનની ચિંતા વધી છે. ચીનના વિદેશ મંત્રાલયે પણ પોતાના નિવેદનોમાં તેના વિશે પોતાની અકળામણ વ્યક્ત કરી છે. ગ્લોબલ ટાઈમ્સે પણ સંરક્ષણ બજેટને લઈને પોતાની ટિપ્પણીમાં કહ્યું કે ભારતે સરહદી વિસ્તારોમાં સડકો બનાવવા સહિત જે પ્રોજેક્ટ શરૂ કર્યા છે, કદાચ તે પૂરા ન થઈ શકે. ચાઈનીઝ વિશ્લેષક કિયાને કહ્યું, સેનાને આધુનિક ટેકનીકથી સજ્જ કરવા ઉપરાંત ભારત મોટા સૈન્ય સુધારા કરવા માગે છે જેના માટે પણ મોટા બજેટની જરૂર પડશે. એ સમય જ કહેશે કે આટલી સમસ્યાઓ પછી પણ ભારત પોતાની આ કોશિશમાં સફળ થાય છે કે નહીં. ચાઈનીઝ મીડિયાએ પોતાની ટિપ્પણીના અંતમાં કહ્યું કે જો ભારત વગર વિચાર્યે હથિયારોની ખરીદી દ્વારા આધુનિકીકરણ પર અંધાધૂંધ ખર્ચ કરશે તો તેના માટે આર્થિક સુધારાનો માર્ગ સરળ નહીં રહે અને તે એક દુષ્ચક્રમાં ફસાઈને રહી જશે.

adv

Related News

post
post
post
post
post
post
post