• Home
  • News
  • સેંકડો માઇલ દૂરથી આવેલી મહિલાના પગના છાલા હજુ મટ્યા નથી ત્યાં કુરિવાજે ચપ્પલ છીનવી લીધા
post

9 લાખથી વધુ શ્રમિક બુંદેલખંડ પાછા ફર્યા છે, અહીં કોરોનાના દર્દી ઓછા પણ રોટલા માટેનો સંઘર્ષ વધુ મોટો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-15 12:05:27

બુંદેલખંડ: લલિતપુરથી અંદાજે 40 કિ.મી. દૂર હનૌતા ગામ. 45 ડિગ્રીની બળબળતી બપોરમાં તપતી રેતમાં ઉઘાડા પગે ઊભેલી ફૂલવતી અમને આપવીતી સંભળાવતી હતી. પૂછતાં જણાવ્યું કે 20 દિવસ અગાઉ જ ઇન્દોરથી પરત આવી છે. લલિતપુરથી ચાલીને આવવું પડ્યું હતું. પગમાં છાલા પડી ગયા હતા પણ ગામડે પહોંચવાની નિશ્ચિંતતામાં દરેક પીડી સહન કરી લીધી હતી. ત્યારે પગમાં ચપ્પલ પણ હતા પરંતુ ગામે પહોંચીને ચપ્પલ છોડવા પડ્યા છે, કેમ કે ગામ સ્ત્રીઓને ચપ્પલ પહેરવાની મંજૂરી નથી આપતું. ફૂલવતી કહે છે- ચપ્પલ તો છે પણ અમે સાસરીમાં પુરુષો આગળ ચપ્પલ નથી પહેરતા.ગામના 45 વર્ષીય વિક્રમ વચ્ચે જ બોલી ઊઠ્યા- મરદન કી ઇજ્જત કરતી હૈં, બાકે મારે ચપ્પલ નાઇ પહરતી.ફૂલવતીએ કોરોનાની મુશ્કેલીઓ વેઠી લીધી, ગામના કુરિવાજો અંગે ચુપ છે. પરમાર્થ સેવા સંસ્થાનના સંજય સિંહ કહે છે- લલિતપુર જિલ્લામાં અને ઝાંસીના બબીના તાલુકાના આદિવાસી બહુલ ગામોમાં આ પ્રથા હજુ યથાવત છે.

લૉકડાઉન દરમિયાન મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં 9 લાખથી વધુ શ્રમિક પાછા ફર્યા છે. બુંદેલખંડના જાણકાર રઘુ ઠાકુર કહે છે- આ વિસ્તારમાં છેલ્લા 20માંથી 13 વર્ષ દુષ્કાળ રહ્યો, જે દરમિયાન સૌથી વધુ સ્થળાંતર થયું. જોકે, સ્થળાંતર કરનારાઓની સ્થિતિમાં કોઇ પરિવર્તન આવ્યું નથી. જે ભૂખ તેમને શહેરમાં લઇ ગઇ હતી તે જ ગામમાં પાછા લાવી રહી છે.જોકે, ગામ લોકોનો સહારો બની રહ્યા છે. લલિતપુરના આદિવાસી બહુલ ટપરન (તિંદર) ગામની મહિલાઓએ મહત્ત્વપૂર્ણ પહેલ કરી છે. તેમણે અનાજ બેન્ક બનાવી છે. એપ્રિલથી અત્યાર સુધીમાં તેમાં 11 ક્વિન્ટલ 60 કિલો ઘઉં એકઠા થઇ ચૂક્યા છે. ગામનો દરેક પરિવાર ઉપજનો એક ભાગ આ બેંકમાં આપે છે. ઇન્દોરથી પરત ફરેલા નૌનેલાલને બેન્કમાંથી 50 કિલો ઘઉં અપાયા. નૌનેલાલ જણાવે છે કે ઇંટોના ભઠ્ઠામાં કામ કરીને પરિવારના 6 સભ્યનું પેટ ભરતા હતા. ગામમાં પાછા ફર્યા ત્યારે ખાવા માટે કંઇ નહોતું. હવે વ્યવસ્થા થઇ ગઇ છે. જોકે, મોટા ભાગના શ્રમિકોને એ ચિંતા છે કે મદદ કેટલા દિવસ ચાલશે? છતરપુર જિલ્લાના મઉ-સહાનિયાના લોકો બુંદેલખંડીમાં કહે છે- આધી મિલે, લેકિન ઘર કી લે બો હી નીકી. અહીં જ કામ મળી જશે તો બહાર નહીં જઇએ. નહીં મળે તો જવું પડશે.સરપંચ જયદેવ સિંહ બુંદેલા જણાવે છે કે ગામમાં 590 શ્રમિક પાછા ફર્યા છે. તેમને તળાવ ઊંડા કરવાના કામ અપાયા છે. અમે 190 રૂ. મજૂરી આપીએ છીએ, શહેરોમાં તેમને 400 રૂ. રોજ મળતું હતું. તેથી મોટા ભાગનાને કામ કરવામાં રસ નથી.

ગામડાંમાં શ્રમિકોને રોજગારી આપવી મોટો પડકાર છે. સાગરના પ્રો. દિવાકર સિંહ રાજપૂત કહે છે કે બુંદેલખંડમાં માથાદીઠ આવક પણ રાષ્ટ્રીય સરેરાશથી ચોથા ભાગની છે. ઉદ્યોગના નામ પર બીડી ઉદ્યોગ હતો પણ તેનીય હાલત ખરાબ છે. 10 વર્ષમાં કારોબાર 60 ટકા ઘટ્યો છે. અહીં ટીમરુના પાનના 4 લાખથી વધુ સંગ્રાહક અને શ્રમિક છે. છતરપુરની બીડી કોલોનીની એક મહિલા કહે છે કે 3 દિવસમાં 1,500 બીડી બનાવવાની, જેના 180 રૂ. મળે. કોન્ટ્રાક્ટર 350 ગ્રામ તમાકુ આપે. બીડી બનાવવામાં તેનાથી વધુ તમાકુ વપરાઇ જાય તો પૈસા કાપી લે. લૉકડાઉનમાં 22 માર્ચથી બીડી બનાવવાનું બંધ હતું. 7 જૂનથી ફરી શરૂ થયું છે. બુંદેલખંડમાં સાગરમાં કોરોનાના 230થી વધુ દર્દી છે. બાકીના જિલ્લાઓમાં 50થી વધુ દર્દી ક્યાંય નથી. અહીંના શ્રમિકો માટે બે ટંકના રોટલા માટેનો સંઘર્ષ કોરોનાથી મોટો છે, જે સાફ દેખાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post