• Home
  • News
  • ભારત અને ચીન વચ્ચેના સંઘર્ષમાં તાઈવાન અને હોંગકોંગ શા માટે ભારતની તરફેણ કરવા ઉત્સુક છે?
post

પોતાને સ્વાયત્ત દેશ ગણાવતા તાઈવાનને વૈશ્વિક મંચ પર ભારત જો માન્યતા આપે તો ચીન સામે તે ખૂલીને ભારતનો પક્ષ લઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-22 08:39:59

અમદાવાદ: ચીન જેવી શક્તિશાળી મહાસત્તા સામે લડવા માટે ભારત પાસે જે કેટલાંક હથિયારો છે તેમાં તાઈવાન અને હોંગકોંગ મુખ્ય ગણવા પડે. ચીન તેને પોતાના પ્રાંત ગણાવે છે પરંતુ તાઈવાન અને હોંગકોંગ પોતાને સ્વાયત્ત અથવા તો વિશેષાધિકાર ધરાવતા દેશ ગણાવે છે. બંનેનો ચીન સાથેનો સંઘર્ષ જૂનો છે. એ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં ભારત ચીન સામે આ બંને કાર્ડ ખેલે એમાં ભારત ઉપરાંત તાઈવાન, હોંગકોંગનો ય ફાયદો છે.

તાઈવાનઃ ચીનનો પ્રાંત છે કે અલગ દેશ?

આ સવાલ વૈશ્વિક સ્તરે બહુ પેચીદો છે. કારણ કે સત્તાવાર રીતે ચીન તેને પોતાનો પ્રાંત ગણાવે છે જ્યારે તાઈવાન પોતાને સ્વાયત્ત દેશ માને છે એટલું જ નહિ, અસલી ચીન ગણાવે છે. ચીનનું સત્તાવાર નામ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના છે, જ્યારે તાઈવાનનું સત્તાવાર નામ રિપબ્લિક ઓફ ચાઈના છે. આવી જટિલ મડાગાંઠના મૂળિયા બહુ ઊંડા છે, પરંતુ ભારત તરફે તાઈવાનના ઝુકાવ અને તેમાં ચીનને ભોંકાતી શૂળનું કારણ સમજવા 400 વર્ષના ઈતિહાસને ઝડપથી રિવાઈન્ડ કરવો જરૂરી છે.

·         ઈસ. 1644માં ચીનમાં ચીંગ વંશનું શાસન શરૂ થયું ત્યાં સુધી તાઈવાન જાપાની સામ્રાજ્યનો હિસ્સો હતું. ચીંગ વંશના શાસકોએ તેને જીતી લીધા બાદ 200 વર્ષ સુધી તાઈવાન પર ચીનનું શાસન રહ્યું. ઈસ. 1895 પછી તાઈવાન જાપાન અને ચીન વચ્ચે વારંવાર ફંગળાતું રહ્યું.

·         1911ની ક્રાંતિ પછી ચીનમાં રાજવંશ ખતમ થયો અને કોમિંગતાંગ પક્ષની સરકાર બની ત્યારે તાઈવાન ચીનનો હિસ્સો બન્યું. રાજાશાહી પછી પહેલી વાર કોમિંગતાંગ પાર્ટીએ ચીનને રિપબ્લિક ઓફ ચાઈના નામ આપ્યું.

·         1949માં સામ્યવાદી પક્ષના માઓ ઝેદોંગ કોમિંગતાંગ પાર્ટીની સરકાર સામે વિદ્રોહમાં ઉતર્યાં અને જીત મેળવી ત્યારે કોમિંગતાંગ પાર્ટીના વડા ચ્યાંગ કાઈ શેકે ચીનની ધરતીથી 117 કિલોમીટર દૂરના તાઈવાનમાં આશરો લીધો હતો અને ત્યાં પોતાની સરકારનું અસ્તિત્વ જાળવી રાખ્યું. એટલું જ નહિ, અસલી ચીન તરીકે તેમણે તાઈવાનને રિપબ્લિક ઓફ ચાઈના નામ આપ્યું. તેની સામે માઓ ઝેદોંગે બાકીના ચીન (મેઈનલેન્ડ)ને પબ્લિક રિપબ્લિક ઓફ ચાઈના નામ આપ્યું.

·         રસપ્રદ વાત એ છે કે આરંભે તાઈવાન સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય હતું અને ચીનને માન્યતા ન હતી. પરંતુ 1970 પછી વૈશ્વિક કૂટનીતિએ યુ-ટર્ન લીધો.

·         આજે ચીનને અમેરિકા પોતાનો કટ્ટર દુશ્મન ગણે છે પરંતુ હકિકત એ છે કે ચીનને અમેરિકાએ જ પંપાળીને મોટું કર્યું છે. રિચર્ડ નિક્સનના શાસન વખતે ચીનનું તગડું માર્કેટ મેળવવાના લોભે અમેરિકન કોર્પોરેટ્સે ચીનતરફી નીતિ ઘડવાનું દબાણ કર્યું આથી નિક્સને ચીનને સંયુક્ત રાષ્ટ્રસંઘની માન્યતા અપાવવામાં મદદ કરી. એટલું જ નહિ, ચીનના દબાણથી તાઈવાનની માન્યતા રદ પણ કરાવી.

·         એ પછી ચીન હવે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિનું કાયમી સભ્ય પણ બની ચૂક્યું છે અને અમેરિકા સામે જ ન્હોર ભરાવીને વીટો પાવર પણ વાપરતું રહે છે.

·         દરમિયાન, તાઈવાનને હવે ચીનના ડરથી ભારત સહિત ભાગ્યે જ કોઈ મોટો દેશ માન્યતા આપે છે. હૈતી, પારાગ્વે, એલ સાલ્વાડોર જેવા ટચૂકડા 5-6 દેશોએ જ તાઈવાનને માન્યતા આપેલી છે.

·         ભારતમાં પણ માન્યતા ન હોવાથી સત્તાવાર દૂતાવાસને બદલે તાઈવાન આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર નામે ઓફિસ ધરાવે છે.

શા માટે ભારત માટે તાઈવાન કાર્ડ મહત્વનું?

·         કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર રચાયા પછી તાઈવાન સતત ભારત તરફથી હકારાત્મક પ્રતિસાદના સંકેતો આપતું રહે છે. 2014 માં મોદી સરકારને અભિનંદન આપીને તાઈવાને દ્વિપક્ષી રાજદ્વારી સંબંધો શરૂ થવાની આશા વ્યક્ત કરી હતી. એ પછી બંને દેશો વચ્ચે વેપારમાં સરળતા માટે તાઈવાને કેટલીક છૂટછાટો પણ આપી હતી.

·         વર્ષ 2017ના અંતિમ મહિનામાં ભારતે તાઈવાન સાથે રાજદ્વારી સંબંધો શરૂ કરવાની પહેલી (અને એકમાત્ર) ચેષ્ટા દાખવી હતી. એ વખતે બંને દેશો વચ્ચે પ્રથમ પગથિયા તરીકે મેમોરેન્ડમ સાઈન કરવામાં આવ્યું હતું. પરંતુ જવાબમાં ચીને અત્યંત તીખી પ્રતિક્રિયા આપી હતી.

·         ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે ભારતને ચોખ્ખી ધમકી આપી હતી અને તાઈવાન સાથે કોઈપણ પ્રકારના રાજદ્વારી સંબંધો ટાળવાની વણમાગી સલાહ આપી હતી.

·         એ પછી ભારતે પણ પીછેહઠ કરી હતી. ત્યાં સુધી કે ચીનની લાગણી મુજબ સરકાર હસ્તકની એર ઈન્ડિયાએ પણ પોતાના ડેસ્ટિનેશન લિસ્ટમાં તાઈવાનનું નામ બદલીને તાઈપેઈ કરી દીધું હતું કારણ કે ચીન પણ પોતાના સત્તાવાર પ્રાંત તરીકે તાઈપેઈ નામે જ ઓળખાવે છે અને દુનિયા પણ તાઈવાનને એ જ નામે ઓળખે એવો આગ્રહ રાખે છે.

·         ચીનને રાજી રાખવા ભારત તાઈવાનથી અંતર રાખે પરંતુ એમ છતાં ય ચીનના સરહદી અટકચાળા ગલવાન ઘાટીની અથડામણની હદ સુધી જતા હોય તો ભારતે તાઈવાનને માન્યતા આપવી જોઈએ જેથી ચીનને એની ભાષામાં જ જવાબ મળે એવો બંને પક્ષે મત વ્યાપક બનતો જાય છે. શશી થરૂર, એસ. ગુરુમૂર્તિ જેવા વૈશ્વિક કૂટનીતિના જાણકારોથી માંડીને સોશિયલ મીડિયા પર એવો મત સતત વ્યક્ત થતો રહે છે.

હોંગકોંગઃ ચીનનું છે છતાં નથી

·         તાઈવાનની સરખામણીએ હોંગકોંગ અને ચીનનો સંબંધ જરા અલગ છે. ભારતીય ઉપખંડમાં બ્રિટિશ શાસન હતું ત્યારથી હોંગકોંગ બ્રિટનના કબજામાં હતું.

·         1997માં બ્રિટને કરાર મુજબ ચીનને તેની સોંપણી કરી ત્યારથી ચીનનું શાસન છે. એ સમયે ચીને હોંગકોંગની શરત મુજબ 'એક દેશ, બે નીતિ'ની માગણી સ્વીકારી હતી.

·         એ નીતિ અંતર્ગત ન્યાયીક બાબતો, મૂડીવાદી અને મુક્ત વેપાર નીતિ, અભિવ્યક્તિ અને મીડિયાની આઝાદી વ. સામેલ છે. હોંગકોંગને પોતાનું પ્રજામંડળ ચૂંટવાનો અધિકાર હતો અને એ પ્રજામંડળ ચીને નિમેલા રિજન્ટની દેખરેખ હેઠળ સ્થાનિક પ્રશાસન સંભાળે એવી ગોઠવણ હતી.

·         હવે બે દાયકા પછી ચીનને એ સ્વાયત્તતા અને વિશેષાધિકારો સામે ચૂંક ઉપડે છે. આથી તેમાં કાપ મૂકવાની શરૂઆત થઈ છે. હોંગકોંગ લાંબા સમયથી ચીનની જોહુકમી સામે આંદોલન કરી રહ્યું છે.

·         ભારત અને હોંગકોંગ વચ્ચેનો વેપારી સંબંધ બહુ જ મજબૂત અને પરસ્પર પૂરક છે. બંને દેશો વચ્ચે વર્ષ 2017માં 26 બિલિયન ડોલરનો બિઝનેસ થયો હતો. હોંગકોંગ ભારતીય માલસામાનનું અન્ય દેશોમાં બહુ મોટું નિકાસકાર પણ છે.

·         કાશ્મીરથી માંડીને CAA સંબંધે ચીનના વિપરિત નિવેદનો, ભારતને ન્યુક્લિયર ગ્રુપમાં સામેલ કરવા સામે આડોડાઈ, પાકિસ્તાનને થાબડભાણાં અને હાફિઝ સઈદને વૈશ્વિક આતંકી જાહેર કરવા સંબંધે મદદગારી જેવા ચીનના સંખ્યાબંધ અટકચાળા છતાં ભારતે હોંગકોંગની સ્વાયત્તતાના મુદ્દે સત્તાવાર સમર્થન કરવાનું ટાળ્યું છે.

·         હાલમાં ગલવાન ઘાટીમાં થયેલ અથડામણ વખતે હોંગકોંગ મૂવમેન્ટના સમર્થકોએ સડકો પર ઉતરીને ભારતની તરફેણામાં દેખાવો કર્યા હતા. તેમની લાગણી એવી છે કે ભારત Give and Takeની નીતિ અપનાવે અને હોંગકોંગ આંદોલનનું સમર્થન કરે તેમજ બદલામાં ચીન સામે હોંગકોંગનું સમર્થન મેળવે.

·         હોંગકોંગવાસીઓના પાંચ વર્ષથી ચાલતાં તીવ્ર આંદોલન છતાં ગત મે મહિનામાં ચીને હોંગકોંગ સિક્યુરિટી બિલ પસાર કરી દીધું છે. આ ખરડા અંતર્ગત રાષ્ટ્રીય સુરક્ષાના નામે ચીન હવે ત્યાં સત્તાવાર રીતે મિલિટરી સ્ટેશનો સ્થાપવા ઉપરાંત આતંકવાદ અને વિદેશી ચંચુપાતના સંભવિત ભય સામે 'રાષ્ટ્રીય હિત'માં જાસુસીતંત્ર પણ કાર્યરત કરી શકે છે. આગામી સમયમાં હોંગકોંગના જાહેર માધ્યમો તેમજ નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કાપ મૂકાય એવી આ ખરડામાં જોગવાઈઓ છે.

·         આતંકવાદ વિરોધી ધારા હેઠળ ચીન સ્વાયત્તતા આંદોલનને કચડી નાંખશે એવો ભય હોંગકોંગવાસીઓમાં વ્યાપક છે અને ચીનની છબી જોતાં એ અસ્થાને પણ નથી.

·         ચીનનો હિસ્સો હોવા છતાં હોંગકોંગ જે વિશેષાધિકારોને લીધે બિઝનેસ હબ તરીકેની વૈશ્વિક ઓળખ ધરાવે છે એ વિશેષાધિકાર જ જો ન રહે તો બિઝનેસ હબ તરીકેની ઓળખ પણ જોખમમાં મૂકાય તેમ છે. ચીનનો ચંચુપાત વધે તો હોંગકોંગમાં હેડ ઓફિસ કે બહોળો કારોબાર ધરાવતી સંખ્યાબંધ કંપનીઓ બીજા વિકલ્પ તરીકે ભારત તરફ પસંદગી દોડાવે એવી શક્યતા છે. IT સેક્ટરની નેક્સ્ટ ડિજિટલ, ટી એન્ડ સી, તેમજ ઓસીબીસી બેન્ક જેવી દિગ્ગજ કંપનીઓએ આ અંગે સંકેતો પણ આપ્યા છે.  

 

adv

Related News

post
post
post
post
post
post
post