• Home
  • News
  • ખેડૂત આંદોલનને કોંગ્રેસનું સમર્થન, કહ્યું- ‘અમારી સરકાર બન્યા બાદ અમે MSP ગેરેન્ટી આપીશું’
post

કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ સ્વામીનાથમ કમિશન મુજબ MSP અપાશે : રાહુલ ગાંધી

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-13 18:33:13

હરિયાણા-પંજાબ વચ્ચેની શંભુ બોર્ડર ખેડૂત આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. લઘુત્તમ ટેકાના ભાવ માટે કાયદો બનાવવા સહિત અન્ય માંગ મુદ્દે ખેડૂતો દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો સુરક્ષા જવાનો પણ ટીયર ગેસ અને લાઠીચાર્જથી તેમને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ આંદોલન અંગે પ્રતિક્રિયા આપી છે. રાહુલે મોટી જાહેરાત કરી છે. તેમણે ખેડૂતો આંદોલન વચ્ચે કોંગ્રેસની પ્રથમ ગેરેન્ટી જારી કરતા કહ્યું કે, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ સ્વામીનાથમ કમિશન મુજબ એમએસપી આપવામાં આવશે. યાત્રા દરમિયાન રાહુલની ઉપસ્થિતિમાં ખડગેએ કહ્યું કે, ‘કોંગ્રેસ સરકાર ચૂંટાઈને આવશે તો એમએસપી ગેરેન્ટી આપશે.’

ખેડૂતોને જે મળવું જોઈએ, તે મળી રહ્યું નથી : રાહુલ ગાંધી

કોંગ્રેસ (Congress)ની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) માટે છત્તીસગઢ પહોંચેલા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું છે કે, ‘દેશમાં ખેડૂતોને જે મળવું જોઈએ, તે મળી રહ્યું નથી. તેથી તેઓ દિલ્હી તરફ જઈ રહ્યા છે, અને તેમને અટકાવવામાં આવી રહ્યા છે. તેમના પર ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે. ખેડૂતો માત્ર એટલું જ કહી રહ્યા છે કે, અમારી મહેનતનું ફળ અમને મળવું જોઈએ. ’



સ્વામીનાથન કમીશન મુજબ MSP આપવાની કોંગ્રેસની જાહેરાત

રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરી કહ્યું કે, ‘ખેડૂત ભાઈઓ, આજે ઐતિહાસિક દિવસ છે! કોંગ્રેસે ખેડૂતોના પાક પર સ્વામીનાથન કમીશન મુજબ એમએસપીની કાયદાકીય ગેરંટી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય 15 કરોડ ખેડૂત પરિવારોની સમૃદ્ધિ સુનિશ્ચિ કરી તેમની જીવન બદલી નાખશે. ન્યાયના પથ પર કોંગ્રેસ આ પ્રથમ ગેરન્ટી છે. ’

કોંગ્રેસ સરકાર ચૂંટાઈને આવશે તો MSP ગેરેન્ટી આપશે : ખડગે

ખેડૂતોના આંદોલન મુદ્દે મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધી કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ખેડૂતો સાથે વાત કરી તેમને ન્યાય આપવો જોઈએ. સરકારે અન્નદાતાઓને કરેલા વચનો તોડ્યા અને હવે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.’ ખડગેએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘કાટાંળી તાર, ડ્રોનથી ટિયર ગેસ, કિલ્લેબંધી અને બંદૂકો, તમામની તૈયારી, તાનાશાહ મોદી સરકારે ખેડૂતોના અવાજ પર જે લગાવી છે લગામ! યાદ છે ને “આંદોલનજીવી” અને “પરજીવી” કહીને કર્યા હતા બદનામ અને 750 ખેડૂતોના લીધા હતા જીવ.’ આ ઉપરાંત ખડગેએ આક્ષેપ કર્યો કે, ‘મોદી સરકારે 10 વર્ષમાં દેશના અન્નદાતાઓ માટે કરેલા ત્રણ વચનો તોડ્યા છે, જે આ પ્રકારે છે: 2020 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી, સ્વામીનાથમ રિપોર્ટ મુજબ ખચ્ અને 50 ટકા એમએસપી લાગુ કરવો અને એમએસપીને કાયદાકીય દરજ્જો આપવો. ખેડૂત આંદોલનનો અમારું સંપૂર્ણ સમર્થન છે. ડરીશું નહીં, ઝુંકીશું નહીં!’

શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ કાફલો સામસામે

લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવાની તેમજ ખેડૂતોની સંપૂર્ણ લોન માફી યોજના લાગુ કરવા સહિતની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. સંયુક્ત કિસાન સંગઠન અને કિસાન મજદુર સંગઠનની જાહેરાત બાદ ખેડૂતો દિલ્હી (Delhi) કૂચ કરી રહ્યા છે. સોમવારે ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચેની બેઠક નિષ્ફળ ગઈ હતી, ત્યારબાદ ખેડૂતોએ મંગળવારે વિરોધ પ્રદર્શન સાથે માર્ચ શરૂ કરી દીધી હતી. આંદોલન અગાઉ ખેડૂતોના માર્ગ પર સિમેન્ટ ક્રોંક્રિટના બ્લોક તેમજ ખીલ્લા ધરબી દેવાયા છે. પોલીસનો કાફલો પણ મોટાપાયે ખડકી દેવાયો છે. હાલ હરિયાણા-પંજાબ વચ્ચેની શંભુ બોર્ડર ((Haryana-Punjab Shambhu Border)) પર સ્થિતિ વણસી છે. પોલીસ ખેડૂતોને દિલ્હી કુચ કરતા અટકાવી રહી છે. ખેડૂતો પણ દિલ્હી કૂચ કરવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post