• Home
  • News
  • વિશ્વની સરખામણીએ ભારતની સ્થિતિ રાહતજનક, સંક્રમણ અને મૃત્યુઆંક 3 મહિના પછી પણ યુરોપ, અમેરિકા કરતાં ઘણાં જ ઓછા
post

દર 10 લાખની વસ્તીએ અમેરિકામાં 1946, સ્પેનમાં 3864, ઈટાલીમાં 2732 અને ફ્રાન્સમાં 2265 સંક્રમિતો નોંધાયા છે, ભારતમાં ફક્ત 9

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 12:22:13

નવી દિલ્લી : કોરોના મહાસંકટ સામે દુનિયાભરના દેશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને યુરોપ, અમેરિકા જેવા વિકસિત દેશોમાં પણ ભારે મોટા પ્રમાણમાં ખુવારી નોંધાઈ છે ત્યારે ભારતમાં હજુ સુધી સ્થિતિ રાહતજનક જણાય છે. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય અને પ્રસિદ્ધ મેગેઝિન નેશનલ જ્યોગ્રાફિક દ્વારા તૈયાર થયેલ ડેટાબેઝ મુજબ, પ્રત્યેક 10 લાખની વસ્તીએ ભારતમાં સંક્રમિતોની સંખ્યા ફક્ત 9 છે, જે અમેરિકા, યુરોપિય દેશો, કેનેડા, ઓસ્ટ્રેલિયાની સરખામણીએ નહિવત્ત છે. 

જાન્યુઆરીઃ કોરોનાના પ્રથમ કેસ નોંધાયા
30
ડિસેમ્બરે ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના ઉપદ્રવ ચીન પછી ઈરાન, ઈટાલી, સ્પેન, ફ્રાન્સ અને હવે બ્રિટન તેમજ અમેરિકામાં બદતર સ્થિતિએ પહોંચ્યો છે. ભારતમાં 30 જાન્યુઆરીએ પ્રથમ કેસ નોંધાયો હતો, જ્યારે અમેરિકામાં 11 દિવસ પહેલાં એટલે 19 જાન્યુઆરીએ પ્રથમ કેસ સામે આવ્યો હતો. ભારત અને અમેરિકાના બંને કેસ વુહાનની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. જ્યારે ઈટાલીમાં પણ ભારતની માફક 31 જાન્યુઆરીએ પ્રથમ કેસ નોંધાયો હતો, જે સંભવતઃ સમગ્ર યુરોપમાં પ્રથમ કેસ હતો. 

ફેબ્રુઆરીઃ ભારતમાં નગણ્ય, અમેરિકામાં મધ્યમ, ઈટાલીમાં તીવ્ર
પ્રથમ કેસ નોંધાયા પછી ભારતમાં કોરોના પ્રસારની ઝડપ ઘણી જ ધીમી રહી હતી. ફેબ્રુઆરી મહિનામાં સંક્રમણના કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો ન હતો. જ્યારે ઈટાલીમાં ફેબ્રુઆરી મહિનામાં સંક્રમિતોની સંખ્યા વધીને 500 થઈ હતી પરંતુ અમેરિકામાં 98 કેસ નોંધાયા હતા. માર્ચમાં ઈટાલીમાં કોરોના સંક્રમણે હાહાકાર મચાવી દીધો હતો અને નવા કેસની સંખ્યા 50,000ને પાર કરી ગઈ હતી. સંક્રમણની તીવ્ર ઝડપને લીધે ઈટાલીની આરોગ્ય સેવા પડી ભાંગી હતી. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કોરોનાને સાધારણ વાયરસ ગણાવીને ગંભીરતા દાખવી ન હતી. જ્યારે ભારતમાં ટેસ્ટ કરવાની જરૂરિયાત હોવા છતાં એરપોર્ટ પર ચેકિંગ કરીને સંતોષ માનવામાં આવ્યો હતો. 

માર્ચઃ ઈટાલી બેકાબુ, અમેરિકા બેબાકળુ, ભારત સજ્જડ લોકડાઉન
માર્ચ મહિનામાં ઈટાલીમાં મૃત્યુઆંક તીવ્ર ઝડપે વધ્યો. ઈટાલીના ચેપે સમગ્ર યુરોપને ભરડામાં લીધું, જેમાં સ્પેન અને ફ્રાન્સમાં સૌથી વધુ ગંભીર અસર થઈ. અમેરિકામાં પણ ન્યૂયોર્ક અને ન્યૂજર્સી જેવા રાજ્યોમાં સંક્રમણ બેકાબુ બનવા લાગ્યું. મૃત્યુઆંક પણ ઝડપભેર વધ્યો. તેની સરખામણીએ ભારતમાં સંક્રમિતોની સંખ્યા 2000થી પણ ઓછી હતી. 

10 લાખે સંક્રમણ, મૃત્યુદરના મામલે ભારતની સ્થિતિ સારી
કોરોના વાયરસનો પ્રસાર ભારત, યુરોપ અને અમેરિકામાં દસેક દિવસના અંતરાલમાં શરૂ થયો હોવા છતાં  અઢી મહિના પછી ભારતમાં સંક્રમણનો પ્રસાર ઘણો જ ધીમો અને અંકુશિત રહ્યો છે. ભારતમાં વસ્તીની ગીચતા આ દરેક દેશો કરતાં અનેકગણી વધારે હોવા છતાં પ્રત્યેક 10 લાખની વસ્તી દીઠ સંક્રમિતોની સંખ્યા ભારતમાં ખાસ્સી ઓછી છે. દર 10 લાખે કોરોના સંક્રમિતની સંખ્યાની વૈશ્વિક સરેરાશ 267 છે, જ્યારે ભારતમાં એ સંખ્યા ફક્ત 9 છે. અમેરિકામાં પ્રત્યેક 10 લાખે 1946, સ્પેનમાં 3864, ઈટાલીમાં 2732 અને ફ્રાન્સમાં 2265 સંક્રમિતો નોંધાયા છે.

મૃત્યુઆંકમાં પણ ભારતની સ્થિતિ બહેતર
સમગ્ર વિશ્વમાં પ્રત્યેક 10 લાખની વસ્તીએ કોરોના સંક્રમિતોનો મૃત્યુદર 17.3 છે, જે ભારતમાં 0.3 છે. અમેરિકામાં આ દર 86 છે, જ્યારે સ્પેનમાં દર દસ લાખે 402, ઈટાલીમાં 358 અને ફ્રાન્સમાં 261 છે. આમ, ભારતમાં સંક્રમણની ઝડપ મર્યાદિત છે એ જ રીતે સંક્રમિતોની સાજા થવાની સંખ્યા પણ ખાસ્સી એવી વધારે છે. એ માટે ભારતીયોની નૈસર્ગિક રોગપ્રતિકારશક્તિ મુખ્ય કારણ હોઈ શકે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post