• Home
  • News
  • દેશમાં બે મહિના બાદ 25 મેથી ડોમેસ્ટિક વિમાની સેવાઓ શરૂ થશેઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની મહત્વની જાહેરાત
post

એરલાઈન્સ કંપનીઓએ 15 જૂનથી ઘરેલું ફ્લાઇટ્સ સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કર્યું છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-21 10:56:08

નવી દિલ્હી: બુધવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ એક ટ્વીટ કરી અને દેશમાં 25 મેથી ડોમેસ્ટિક વિમાની સેવાને ફરીથી શરુ કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, તમામ એરપોર્ટ અને એરલાઇન કંપનીઓને તેમજ એરપોર્ટ્સને 25 મેથી કામગીરી શરૂ કરવાનું અને તેને લગતી તૈયારીઓ શરુ કરવા માટે કહેવાઈ રહ્યું છે. મંત્રાલય મુસાફરોની અવરજવર માટે અલગથી સ્ટેન્ડિંગ ઓપરેટિંગ પ્રક્રિયાઓ જારી કરશે.

દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 23 માર્ચથી અને 25 માર્ચથી ઘરેલું ફ્લાઇટ્સ બંધ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અગાઉ કંપનીઓને ટિકિટ બુક ન કરવા કહ્યું હતું અને લોકડાઉન-4માં ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે તેવી માર્ગદર્શિકા બહાર પાડી હતી

એરલાઈન્સ કંપનીઓએ પહેલાથીજ બુકિંગ શરુ કરી દીધું છે
એક સૂત્રએ જણાવ્યું હતું કે ઘરેલું વિમાન કંપનીઓએ જૂનથી ફ્લાઇટનું બુકિંગ શરૂ કરી દીધું છે. સ્પાઇસ જેટના એક સૂત્રએ જણાવ્યું હતું કે કંપનીએ 15 જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું બુકિંગ શરૂ કરી દીધું છે. તે જ સમયે, ઈન્ડિગો અને વિસ્તારાના સૂત્રોએ જણાવ્યું હતું કે બંને કંપનીઓ સ્થાનિક ફ્લાઇટ્સ માટે બુકિંગ કરી રહી છે. બુકિંગ શરૂ કરવા માટે સ્પાઇસ જેટ, ઈન્ડિગો, વિસ્તારા અને ગોએર તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી નથી.

સામાન્ય દિવસોમાં 4500 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન થાય છે
દેશમાં ઉડ્ડયન ક્ષેત્રને કોરોના વાયરસને કારણે દરરોજ રૂ. 150 કરોડથી વધુનું નુકસાન થઇ રહ્યું છે. દેશમાં દરરોજ આશરે 4000 સ્થાનિક અને 500 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે. એકલા દિલ્હીમાં જ રોજ 900થી વધુ ફ્લાઇટ્સ ઉડે છે. ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ 75-80 હજાર કરોડથી વધુના નુકસાનની અપેક્ષા રાખે છે. આને કારણે આવકમાં પણ 40% ઘટાડો થઈ શકે છે. DGCAના એક અધિકારીનું કહેવું છે કે કોરોના સંકટ પહેલા દેશમાં એક દિવસની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કુલ રેવન્યુ આશરે રૂ. 350-4૦૦ કરોડ હતી.

એક અઠવાડિયા પહેલા જ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર જાહેર થઈ

·         નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઇન્સ અને એરપોર્ટ ઓપરેટરો માટે 13 મેના રોજ એક માનક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) જારી કરી હતી. જે અનુસાર, કેન્દ્રએ એરલાઇન્સને 8૦ વર્ષથી વધુની વ્યક્તિને ફ્લાઇટ્સના પહેલા તબક્કામાં મુસાફરી કરવાની મંજૂરી ન આપવા જણાવ્યું છે.

·         SOP મુજબ પ્રારંભિક તબક્કામાં કેબિનમાં બેગ લઈ જવાની મંજૂરી આપવી નહીં. જો કોઈ મુસાફરો અથવા સ્ટાફ સંક્રમણનાં ચિહ્નો જણાય છે અને આરોગ્ય સેતુ એપ પર ગ્રીન સિગ્નલ નથી આવી રહ્યું, તો આવા વ્યક્તિને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

·         મુસાફર તેની સાથે માત્ર એક 20 કિલોની બેગ લઇ શકે છે.

·         જો કોઈ મુસાફરમાં ચેપના કોઈ ચિન્હો આવે છે, તો તેને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

·         મુસાફરોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત રહેશે. જ્યારે એપ્લિકેશનમાં ગ્રીન સિગ્નલ મળશે ત્યારે જ મુસાફરીની મંજૂરી આપવામાં આવશે.

·         ફ્લાઇટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. જોકે, આ માટે બે બેઠકો વચ્ચે એક સીટ ખાલી રાખવાની વાત હજુ ડ્રાફ્ટમાં સ્પષ્ટ થઈ નથી.

·         લાઇનમાં ઉભા રહેતી વખતે અંતર પણ રાખવું પડશે.

·         ફરજ પરના કર્મચારીઓએ PPE કીટ પહેરવી પડશે.

·         ફક્ત વેબ ચેક-ઇન થશે. જ્યારે જરૂર પડે ત્યારે જ પ્રિન્ટેડ બોર્ડિંગ પાસ અને ચેક-ઇન બેગેજ આપવામાં આવશે.

·         મુસાફરોએ માસ્ક, ગ્લોવ્સ, પગરખાં, PPE કીટ વગેરે પહેરવા પડશે.

·         મુસાફરીના બે કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવું પડે છે.

·         ફ્લાઇટમાં આગળની ત્રણ બેઠકો તબીબી કટોકટીવાળા મુસાફરો માટે અનામત રાખવી.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ ચાલુ છે
દેશના 20 જેટલા વિમાનમથકો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. આ વિમાનમથકો પરથી 55 દેશોના 80 શહેરોમાં પહોંચી શકાય છે. વિશ્વના ઘણા દેશો કોરોનાથી પ્રભાવિત છે. તેથી, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ પરનો પ્રતિબંધ ચાલુ રખાયો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post