• Home
  • News
  • કોરોના નેગેટિવ હશે તો જ ડોમેસ્ટિક ટૂરિસ્ટ ઉત્તરાખંડ, હિમાચલ અને ગોવા આવી શકશે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ હોવાને કારણે ટૂરિઝમને ₹81 હજાર કરોડનું નુકસાન
post

કર્ણાટકના અન્ય રાજ્યો અને અન્ય જિલ્લાઓથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ છે, જો તેઓ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 11:05:32

દિલ્હી: કોરોના વાઇરસને કારણે 4 મહિનાથી બંધ પડેલી ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી હવે ધીમે-ધીમે ખુલી રહી છે. 6 જુલાઇથી સરકારે દેશભરના તમામ સ્મારકો જેવા કે તાજમહલ, કુતુબ મીનાર, લાલ કિલ્લો, સાંચી સ્તૂપને ટૂરિસ્ટ માટે ખોલવાની મંજૂરી આપી છે. જો કે, અંતિમ નિર્ણય રાજ્ય સરકારો પર બાકી છે. 17 માર્ચથી કોરોના વાઇરસને કારણે દેશભરમાં તમામ 3 હજાર 691 સ્મારકો પ્રટૂરિસ્ટ્સ માટે બંધ હતા.

આ સિવાય હવે ઘણા રાજ્યોની સરહદો પણ ડોમેસ્ટિક ટૂરિસ્ટ્સ માટે ખૂલી ગઈ છે. જો કે, અહીં આવનારા ટૂરિસ્ટ્સ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે.

6 રાજ્યોમાં ડોમેસ્ટિક ટૂરિસ્ટ્સને એન્ટ્રી

1. હિમાચલ પ્રદેશઃ આવતા પહેલા કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી
હિમાચલ પ્રદેશ સરકારે તાજેતરમાં રાજ્યમાં ટૂરિસ્ટ્સના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવ્યો છે. જો કે, પ્રવાસીઓ અહીં ક્યારે આવી શકશે તે અંગે હજી તારીખ નક્કી કરવામાં આવી નથી. તેમ છતાં, સરકાર દ્વારા ટૂરિસ્ટ્સ માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ SOP જાહેર કરવામાં આવી છે.

SOP અનુસાર, રાજ્યમાં એ જ ટૂરિસ્ટ્સ આવી શકશે જેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે. એમાં પણ કોરોનાનો ટેસ્ટ ઓછામાં ઓછા 72 કલાક પહેલા થવો જોઇએ. આ ઉપરાંત, 5 દિવસ અગાઉ હોટલનું બુકિંગ કરાવવું જરૂરી રહેશે અને ટૂરિસ્ટ્સે પણ ઓછામાં ઓછા 5 દિવસ હોટલ પર રોકાવું પડશે.

આ તમામ શરતો જે ટૂરિસ્ટ્સ અન્ય રાજ્યોથી હિમાચલ આવશે તેમના માટે જ છે. હિમાચલ પ્રદેશમાં ગયા વર્ષે 1.68 કરોડથી વધુ ડોમેસ્ટિક અને 3.82 લાખ ફોરેન ટૂરિસ્ટ્સ આવ્યા હતા.

કોરોનાની શું સ્થિતિ છે અહીંઃ હિમાચલમાં અત્યાર સુધીમાં કોરોનાના 1 હજાર 101 દર્દીઓ મળી આવ્યા છે. હાલમાં અહીં 257 એક્ટિવ કેસ છે. 833 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 11 લોકોનાં મોત નીપજ્યા છે.

2. ગોવા: આવતા પહેલા કોરોના ટેસ્ટ આવશ્યક છે
ટૂરિઝમ મિનિસ્ટ્રીના ડેટા અનુસાર, ગોવા ડોમેસ્ટિક અને ફોરેન ટૂરિસ્ટ્સની પસંદગીમાં ટોપ-10માં પણ નથી. છતાં ગોવા ફરવા જવું દરેકનું સપનું હોય છે. એપ્રિલમાં જ ગોવાએ પોતાને કોવિડ ફ્રી સ્ટેટ જાહેર કર્યું હતું, પરંતુ પછીથી ત્યાં કોરોના દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો હતો.

ગોવા સરકારે અહીં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ માટે પણ SOP જાહેર કરી છે. આ મુજબ, ફક્ત તે જ ડોમેસ્ટિક ટૂરિસ્ટ્સ અહીંની હોટલોમાં રહી શકશે, જેમણે પહેલાથી રૂમ બુક કરાવી દીધા છે.

આ સિવાય અન્ય રાજ્યોમાંથી આવતા ટૂરિસ્ટ્સે તેમની સાથે કોરોના રિપોર્ટ લાવવાનો રહેશે. જો કોરોનાનો ટેસ્ટ કરવામાં ન આવ્યો હોય તો બોર્ડર પર જ ટેસ્ટ કરવામાં આવશે. ટેસ્ટ નેગેટિવ હશે ત્યારે જ એન્ટ્રી આપવામાં આવશે. જો ટેસ્ટ પોઝિટિવ આવે તો તેની સારવાર ક્યાં તો ગોવામાં કરવામાં આવશે અથવા તેને તેમના રાજ્યમાં પાછો મોકલવામાં આવશે.

કોરોનાની શું સ્થિતિ છે અહીંઃ ગોવામાં અત્યાર સુધીમાં 2 હજાર 39 કોરોના ચેપ લાગ્યો છે. તેમાંથી 1 હજાર 207 દર્દીઓ પણ સાજા થયા છે. રાજ્યમાં 824 એક્ટડિવ કેસ છે, જ્યારે 8 લોકોએ જીવ ગુમાવ્યો છે.

3. ઉત્તરાખંડ: રિપોર્ટ નેગેટિવ તો જ પરી શકાશે, નહીં તો ક્વોરન્ટિન રહેવું પડશે
ઉત્તરાખંડ સરકારે ડોમેસ્ટિક ટૂરિસ્ટ્સ માટે તેની સીમાઓ ખોલી નાખી છે. જો કે, અહીં પણ અન્ય રાજ્યોમાંથી આવતા લોકોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ લાવવો પડશે. જ્યારે રિપોર્ટ નેગેટિવ આવશે ત્યારે જ તેને રાજ્યમાં ફરવાની મંજૂરી આપવામાં આવશે.

જો કોઈ ટૂરિસ્ટ રાજ્યમાં આવવા માગે પરંતુ તેણે કોરોના ટેસ્ટ ન કરાવ્યો હોય તો તેણે આવીને 7 દિવસ હોટેલમાં ક્વોરન્ટિન રહેવું પડશે. આ હોટલનું બુકિંગ પણ જાતે જ કરાવવું પડશે.

રાજ્યમાં ચાર ધામ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ પણ ખૂલી ગયા છે. પરંતુ અહીં મંદિર મૂર્તિને સ્પર્શ નહીં કરી શકાય. અહીં તેઓ ઘંટડી પણ નહીં વગાડી શકે. અહીં આવતા યાત્રાળુઓને પણ પ્રસાદ નહીં મળે.

કોરોનાની શું સ્થિતિ છે અહીંઃ ઉત્તરાખંડમાં કોરોના દર્દીઓની સંખ્યા 3 હજાર 258 પર પહોંચી ગઈ છે. જો કે, તેમાંથી 2 હજાર 650 સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. 46 લોકોનાં મોત નીપજ્યાં છે. અહીં એક્ટિવ કેસની સંખ્યા 562 છે.

4. રાજસ્થાન: માસ્ક પહેરવું જરૂરી, એક ગ્રૂપમાં 5 કરતા વધારે નહીં
રાજસ્થાનમાં અનલોક -1 દરમિયાન ટૂરિસ્ટ્સમાં માટે અનેક ટૂરિસ્ટ પ્લેસ ખોલી દેવામાં આવ્યા હતા. અહીં 342 સ્મારકો છે, જે 18 માર્ચથી બંધ હતા. અહીં ટૂરિસ્ટ્સની સંખ્યા વધારવા માટે પ્રથમ બે અઠવાડિયા સુધી કોઈ પણ ટૂરિસ્ટ પ્લેસ પર કોઈ ફી લેવામાં આવતી નહોતી.

અહીં આવતા ટૂરિસ્ટ્સ માટે SOP પણ જાહેર કરાઈ હતી. અહીંના દરેક ટૂરિસ્ટ પ્લેસની સ્વચ્છતા જરૂરી છે. આ સાથે સ્મારકો અથવા ટૂરિસ્ટ પ્લેસ પર આવતા દરેક ટૂરિસ્ટનું થર્મલ સ્ક્રિનીંગ પણ જરૂરી છે. વળી, જો ત્યાં ગ્રૂપમાં લોકો આવતા હોય તો એક ગ્રૂપમાં 5 કરતા વધારે લોકો ન હોવા જોઈએ.

5. મધ્યપ્રદેશઃ હમણાં જ નેશનલ પાર્ક ખૂલ્યું, એક ગાડીમાં 4થી વધુ નહીં
મધ્ય પ્રદેશમાં 15 જૂનથી જ કોરોનાને કારણે પ્રવાસીઓ માટે બંધ નેશનલ પાર્ક ખૂલી ગયું છે. 5 રાજ્યોથી ઘેરાયેલ મધ્ય પ્રદેશનો 77 હજાર 700 ચોરસ કિલોમીટર વિસ્તાર જંગલ છે. અહીં 11 નેશનલ પાર્ક અને 24 વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે. અન્ય રાજ્યોમાંથી આવતા ટૂરિસ્ટ્સ પણ અહીં ત્રણથી ચાર દિવસ અથવા વીકેન્ડ પર આવી શકે છે.

જો કે, અહીં આવવા માટે પણ SOP છે. ફક્ત હોટેલમાં જ પ્રવેશ મળશે. માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી લેવી જરૂરી રહેશે. આ સિવાય, ટૂરિસ્ટ પ્લેસના ગેટ પર સ્ક્રીનીંગ કરવામાં આવશે અને માત્ર તંદુરસ્ત લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.

જે ગાડીઓ ફક્ત ટૂરિઝમ માટે જ રજિસ્ટર્ડ છે, તેમાં જો એક જ પરિવારના હોય તો 6 લોકો. પરંતુ અલગ-અલગ પરિવારના હોય તો ફક્ત 4 લોકો જ બેસી શકશે. આ ઉપરાંત, ગાડીઓને પણ વારંવાર સેનિટાઇઝ કરવામાં આવશે અને એવી જગ્યાએ જ્યાં ટૂરિસ્ટ્સ ભેગાં થતાં હોય એવી જગ્યાઓને પણ વારંવાર સેનિટાઇઝ કરવામાં આવશે.

કોરોનાની શું સ્થિતિ છે અહીંઃ મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં 16 હજાર 36 કોરોના દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી 11 હજાર 987 સાજા થયા છે. અહીં કોરોનાથી 629 લોકોના મોત થયા છે. હાલમાં 3 હજાર 420 એક્ટિવ કેસ છે.

6. કર્ણાટક: બીજા રાજન્યના લોકોને એન્ટ્રી નહીં મળે
અન્ય રાજ્યોની જેમ કર્ણાટકે પણ ઘણાં ટૂરિસ્ટ પ્લેસ ખોલ્યા છે. પરંતુ તેનાથી પણ નવી સમસ્યા ઊભી થઈ છે. ગયા અઠવાડિયે કર્ણાટકના પર્યટન પ્રધાન સીટી રવિએ પણ લોકોને પર્યટક સ્થળની મુલાકાત ન લેવા અપીલ કરી છે. કારણ કે, ટૂરિસ્ટ પ્લેસ નજીક રહેતા લોકો ટૂરિસ્ટ્સ આવવાને કારણે હેરાન થઈ રહ્યા છે. આટલું જ નહીં, ઘણી જગ્યાઓ ફરીથી બંધ કરવામાં આવી છે.

પ્રવાસીઓનો ધસારો જોઇને સરકારે એડવાઈઝરી પણ જારી કરી છે કે અન્ય રાજ્યોના લોકો અને અન્ય જિલ્લાના લોકો આવી શકશે નહીં. જો બીજા રાજ્યનો વ્યક્તિ અથવા અન્ય જિલ્લાની કોઈ વ્યક્તિ ફરતી દેખાય તો તેની સામે IPCની કલમ 188 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 51 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.


કોરોનાની શું સ્થિતિ છે અહીંઃ કર્ણાટકમાં અત્યાર સુધીમાં કોરોનાના 28 હજાર 877 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 470 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને 11 હજાર 876 લોકો સાજા થયા છે. હાલમાં અહીં 16 હજાર 531 એક્ટિવ કેસ છે.

2 રાજ્યોમાં પણ ટૂરિસ્ટ પ્લેસ ખોલવાની તૈયારી
1.
મહારાષ્ટ્ર: કોરોનાની સૌથી ખરાબ અસર આ રાજ્ય પર પડી છએ. અહીં કોરોના ચેપનો આંકડો અઢી લાખની નજીક પહોંચી ગયો છે, જ્યારે સાડા 9 હજાર લોકોનાં જીવ પણ ગુમાવ્યા છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં કહ્યું છે કે, સરકારે ટૂરિસ્ટ પ્લેસ અંગે SOP તૈયાર કરી છે અને ટૂંક સમયમાં તેને કેટલીક શરતો સાથે ખોલવામાં આવશે.

2. જમ્મુ-કાશ્મીર: અહીં કોરોનાના 9 હજાર 261 કેસ છે અને 149 લોકોએ જીવ ગુમાવ્યો છે. જમ્મુ-કાશ્મીર ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે પણ ખોલવા જઇ રહ્યું છે. લેફ્ટનન્ટ ગવર્નર જી સી મુર્મુએ રાજ્ય અધિકારીઓને ટૂરિસ્ટ્સ માટે ગાઇડલાઇન્સ બનાવવા આદેશ આપ્યો છે.

જો 31 જુલાઈથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થાય તો શક્ય છે કે ફોરેન ટૂરિસ્ટ્સ પણ આવવા લાગશે

·         વર્ષ 2019માં 1.08 કરોડથી વધુ ફોરેન ટૂરિસ્ટ્સ ભારતની મુલાકાતે આવ્યા હતા. સરકારે આમાંથી 2.10 લાખ કરોડ રૂપિયાથી વધુની આવક પણ કરી હતી. તે જ વર્ષે કોરોના વાઇરસ ફાટી નીકળતાં પહેલાં પણ જાન્યુઆરીમાં ભારતમાં ફોરેન ટૂરિસ્ટ્ની સંખ્યામાં વધારો થયો હતો. પરંતુ ફેબ્રુઆરી અને માર્ચમાં તે ઘટ્યો હતો.

·         23 માર્ચથી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરી દેવામાં આવી છે અને 31 જુલાઈ સુધી તે હોલ્ડ પર છે. 31 જુલાઈ પછી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ થઈ શકે છે. જો આવું થાય તો ફોરેન ટૂરિસ્ટ્સ પણ આવી શકે છે.

·         જો કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ થવાને કારણે માત્ર ટૂરિઝમ સેક્ટરને જ અત્યાર સુધી 80,000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ગયા વર્ષે માર્ચથી જુલાઈના 5 મહિનામાં સરકારે વિદેશી પ્રવાસીઓ પાસેથી 80 હજાર 997 કરોડ રૂપિયાની આવક કરી હતી.

·         આટલું જ નહીં, ગયા વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે સરકારે ફોરેન ટૂરિસ્ટ્સ પાસેથી 52 હજાર 232 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે આ વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે સરકાર ફક્ત 44 હજાર 396 કરોડ રૂપિયાની આવક થઈ શકી, જે ગત વખત કરતાં 7 હજાર 836 કરોડ રૂપિયા ઓછા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post