• Home
  • News
  • વ્હાઇટ હાઉસમાં કોરોના:ડોનાલ્ડ-મેલાનિયા ટ્રમ્પ ક્વોરન્ટીન, અંગત સલાહકારને કોરોના પોઝિટિવ આવ્યા પછી નિર્ણય લીધો
post

ખાનગી સેક્ટરમાં કામ કર્યા પછી આ વર્ષે હોપ હિક્સ વ્હાઈટ હાઉસ પરત આવ્યાં હતાં.

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 10:42:53

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંગત સલાહકાર કોરોના પોઝિટિવ આવ્યાં છે. ત્યાર પછી ટ્રમ્પ અને તેમનાં પત્ની મેલાનિયા ટ્રમ્પે પોતાની જાતને ક્વોરન્ટીન કર્યાં છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં અંગત સલાહકાર હોપ હિક્સનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. કોરોનાનાં લક્ષણો દેખાયાં પછી હોપ હિક્સે પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો.

હોપ હિક્સ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એરફોર્સ વનમાં નિયમિત મુસાફરી કરતાં હતાં. તાજેતરમાં જ હોપ હિક્સ તેમના સિનિયર અધિકારીઓ સાથે પ્રેસિડેન્ટ ડિબેટ માટે ક્લીવલેન્ડ ગયાં હતાં. વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાના અને અમેરિકન લોકો માટે કામ કરતા દરેક જણનાં સ્વાસ્થ્ય અને સુરક્ષાને લઈને ખૂબ ગંભીર છે.

હોપ હિક્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું છે કે હોપ હિક્સ, જેણે એકપણ બ્રેક લીધા વગર આટલી મહેનતથી કામ કરે છે, તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધી ફર્સ્ટ લેડી અને હું અમારા કોરોના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. આ દરમિયાન અમે ક્વોરન્ટીન થયા છીએ.

ખાનગી સેક્ટરમાં કામ કર્યા પછી આ વર્ષે હોપ હિક્સ વ્હાઈટ હાઉસ પરત આવ્યાં હતાં. અમેરિકન રાષ્ટ્રપતિએ તેમને પોતાનાં અંગત સલાહકાર બનાવ્યાં હતાં. આ પહેલાં તેઓ વ્હાઈટ હાઉસમાં કમ્યુનિકેશન મેનેજમેન્ટનું કામ કરતાં હતાં. ટ્રમ્પના 2016માં રાષ્ટ્રપતિ કેમ્પેનમાં હોપ હિક્સ પ્રવક્તા હતાં.

ટ્રમ્પે કહ્યું હતું- હું તો માસ્ક નહીં પહેરું
અમેરિકામાં જ્યારે કોરોનાના 2.77 લાખ કેસ નોંધાયા છે અને 7400થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો ત્યારે માસ્ક પહેરવા અને ન પહેરવા અંગે ચર્ચા છેડાઈ હતી. અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ(સીડીસી)એ લોકોને કહ્યું કે ઘરની બહાર નીકળતી વેળાએ માસ્ક જરૂર પહેરો, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ માસ્ક નહીં પહેરે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કોરોના વાઈરસ અંગે પુછાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે માસ્કને લઈને સીડીસીએ માત્ર સૂચન કર્યું છે. આ દરેક માટે સ્વૈચ્છિક છે. તમે આવું કરી પણ શકો છો અને ન પણ કરી શકો. હું આવું નહીં કરું. હું રાષ્ટ્રપતિઓ, પ્રધાનમંત્રીઓ, તાનાશાહો, રાજાઓ અને રાણીઓને મળતો આવું છું. આવામાં માસ્ક પહેરવું મને યોગ્ય લાગતું નથી. માસ્ક પહેરવાના સૂચનને હું નહીં માનું.

 

adv

Related News

post
post
post
post
post
post
post