• Home
  • News
  • જગન્નાથ કરતાં જગત જમાદારને સવાઈ સુરક્ષા!, ટ્રમ્પની સુરક્ષા માટે વિશેષ ભાર મુકાયો
post

ટ્રમ્પ માટે રથયાત્રાથી પણ મોટો બંદોબસ્ત, 25000 ચોકીદાર ખડકાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 09:25:12

અમદાવાદઃ અમદાવાદના ઈતિહાસમાં રથયાત્રાનો બંદોબસ્ત સૌથી મોટો ગણાય છે. જેમાં 20 હજાર પોલીસ તહેનાત કરાય છે. જો કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમ અને રોડ-શો માં 25 હજાર જેટલા પોલીસ-સુરક્ષા કર્મચારીઓ તહેનાત રહેશે. અર્થાત્ ભગવાન જગન્નાથ કરતાં જગત જમાદાર તરીકે ઓળખાતા અમેરિકાના પ્રમુખને સવાઈ સુરક્ષા પૂરી પડાશે.

4 જગ્યાએ વિશેષ બંદોબસ્ત
ટ્રમ્પની સુરક્ષા માટે એસપીજી - એનએસજી કમાન્ડો, અમેરિકી સિક્રેટ સર્વિસના ગાર્ડ તેમજ સ્થાનિક પોલીસનો સમાવેશ થાય છે. કંટ્રોલ રૂમ ડીસીપી વિજય પટેલના જણાવ્યા અનુસાર, 24 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રમુખનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરશે. એરપોર્ટથી તેઓ તાજ સર્કલ, શાહીબાગ ડફનાળા, શીલાલેખ, આરટીઓ થઇને ગાંધી આશ્રમ જશે. ટ્રમ્પ-મોદીના સમગ્ર કાર્યક્રમ અને રૂટ પર 4 જગ્યાએ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બંદોબસ્તમાં 25 IPS, 65 એસીપી
હાલ અમેરિકી સિક્રેટ સર્વિસની બે ટીમ અમદાવાદમાં સુરક્ષાની સમીક્ષા કરી રહી છે. અગાઉ એેનએસજી-એસપીજીએ સમીક્ષા કરી હતી.
આ છે સુરક્ષાચક્ર
25 -
આઈપીએસ અધિકારી
65 -
એસીપી
200 -
પીઆઈ
800 -
પીએસઆઈ
10,000 -
પોલીસ કર્મચારી
5,000 -
હોમગાર્ડના જવાન
3,000 -
ટ્રાફિક પોલીસના જવાન
3,000 -
ટ્રાફિક બ્રિગેડના જવાન

પોલીસ માટે વાયરલેસ સેટની નવી ચેનલ
ટ્રમ્પ-મોદીના બંદોબસ્તમાં તહેનાત તમામ પોલીસ કર્મચારી માટે વાયરલેસ સેટની એક નવી ચેનલ ઊભી કરાઈ છે. જેના ઉપર ફક્ત તે દિવસ પૂરતા બંદોબસ્તને લગતા મેસેજ જ પાસ કરાશે. સ્ટેડિયમ, પોલીસ કંટ્રોલ રૂમ, એરપોર્ટ પણ નવા કંટ્રોલ રૂમ ઊભા કરાશે.

5 દિવસ અગાઉથી જ બંદોબસ્ત ગોઠવાઈ જશે
મોદી-ટ્રમ્પના કાર્યક્રમમાં જે પોલીસને બંદોબસ્તમાં તહેનાત રહેવાના છે, તેમને 19 તારીખથી જ બંદોબસ્તની તૈયારી માટે બોલાવી લેવાયા છે. જેમાં એરપોર્ટ, ગાંધી આશ્રમ, રોડ શો અને મોટેરા સ્ટેડિયમનો સમાવેશ થાય છે.

120 ડોર ફ્રેમ, 240 હેન્ડ મેટલ ડિટેક્ટરથી ચેકિંગ
સ્ટેડિયમમાં લોકોને સવારે 11 વાગ્યા સુધીમાં એન્ટ્રી આપી દેવાશે. સ્ટેડિયમમાં પ્રવેશવા 120 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, 240 હેન્ડ મેટલ ડિટેક્ટર સાથે પણ પોલીસ તહેનાત રહેશે અને દરેક માણસને સ્કેન કર્યા પછી જવા દેવાશે.

ટ્રમ્પનું એરફોર્સ વન ગુજસેલ પાસે પાર્ક કરાશે, નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવશે
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની સાથે આવનારા વિશેષ એરક્રાફ્ટને તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એરક્રાફ્ટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ગુજસેલ પાસે લાવી પાર્ક કરવામાં આવશે. જેથી અન્ય કોઈ ડોમેસ્ટિક ફ્લાઈટને કે પેસેન્જરોને સમસ્યા ન થાય. ટ્રમ્પ અને મોદીના આગમન પહેલા એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની સાથે એરક્રાફ્ટના લેન્ડિંગ પાર્કિંગ સહિતની વ્યવસ્થા માટે કેન્દ્ર સરકારમાંથી આવેલા ઉચ્ચ અધિકારીઓ તેમજ સુરક્ષા એજન્સીઓ તેમજ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓની ગુજસેલમાં ખાસ બેઠક યોજાઈ હતી. ત્યાર બાદ આ અધિકારીઓએ એરક્રાફ્ટના પાર્કિંગ એરિયાની સાથે રનવેની પણ મુલાકાત લીધી હતી.


રોડ પરના તમામ CCTVના ફિડ ધરાવતું ખાસ વ્હીકલ કાફલામાં સાથે રહેશે
પ્રેસિડન્ટ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે તે પછી ગાંધીઆશ્રમ સુધી રોડ-શો યોજાશે. પોલીસે ખાસ પ્રકારનું વ્હીકલ તૈયાર કર્યું છે. જેમાં આ રૂટ પર લાગેલા ખાનગી અને સરકારી સીસીટીવીની ફીડ તે વ્હીકલમાં એક્સેસ રહેશે. વ્હીકલમાંથી જ સીસીટીવીના આધારે સમગ્ર રૂટનું મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત આ રૂટ પર દર 500 મીટરના અંતરે પોલીસ જવાન તૈનાત રાખવામાં આવશે. સમગ્ર રૂટ પર મૂવિંગ કેમેરા અને વધારાના સીસીટીવી પણ મૂકવામાં આવશે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડથી આખેઆખો રૂટ રોડ શો પહેલા સ્કેન કરવામાં આવશે. ઉપરાંત આ રૂટ પર સ્નાઈપરને પણ તહેનાત કરવામાં આવ્યા છે.


નદીમાં મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ
એરપોર્ટથી રોડ શો કરીને ટ્રમ્પ અને મોદી ગાંધીઆશ્રમની મુલાકાત લેશે. ગાંધીઆશ્રમમાં માત્ર બે મહાનુભવો જ હાજર રહેશે. પબ્લિક માટે કોઈ એન્ટ્રી નથી. પરંતુ આશ્રમની પાછળના ભાગે નદી હોવાથી સિકયુરિટિના કારણોથી નદીમાં મરીન કમાન્ડો ફોર્સ સતત પેટ્રોલિંગ કરશે. જયારે આશ્રમ ખાતે સ્નાઇપરના પણ બે પોઈન્ટ ફાળવવામાં આવ્યા હોવાનું પોલીસસૂત્રોનું કહેવુ છે. આશ્રમની અંદર થ્રીડી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે જે અવરજવર કરતા તમામ લોકોનું સ્કેનિંગ પણ કરશે અને 360 ડિગ્રી સુધી કોઈ પણ દ્રશ્ય કેપ્ચર કરી શકે છે. શુક્રવારે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી અને મહાનુભાવોની એન્ટ્રી કેવી રીતે થશે અને ક્યાં જશે તેની માહિતી લીધી હતી.


ઈમરજન્સી સંજોગોમાં ટ્રમ્પને એરલિફ્ટ કરવા માટે સ્ટેડિયમ પાસે બે હેલિકોપ્ટર મુકાશે
મોટેરા સ્ટેડિયમ ખાતે બે હેલિપેડ બનાવવામાં આવ્યા છે અને અહીં બે હેલિકોપ્ટર પણ તહેનાત કરાશે. ટ્રમ્પ બાય રોડ જ મોટેરા સ્ટેડિયમ ખાતે જશે પરંતુ ઈમરજન્સીના સંજોગોમાં એર લિફટ કરી શકાય તે માટે બે હેલિકોપ્ટર પણ તૈયાર રાખવામાં આવશે. ટ્રમ્પના અને મોદીના કાફલા સાથે આવનારી 55 કારના પાર્કિંગ માટે પણ સ્ટેડિયમમાં હેલિપેડ નજીક જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્થળે કુલ 72 કાર પાર્ક થઈ શકે તે માટે હાલમાં આરસીસી પાર્કિંગ એરીયા સ્ટેડિયમની પાછળના ભાગે ઉભો કરવામાં આવી રહ્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. કાર્યક્રમ પૂરો થયા પછી ટ્રમ્પ કદાચ હેલિકોપ્ટરથી પણ એરપોર્ટ ખાતે જઈ શકે તેવી શકયતા છે.


રોડ શૉ દરમિયાન સુભાષબ્રિજ પાસેના રેલવે બ્રિજ પરથી ટ્રેનો પસાર નહીં થવા દેવાય
ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો અમદાવાદ પહોંચ્યા બાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ જશે. આ કાફલો રિવરફ્રન્ટ થઈ શિલાલેખ ટાવરની બાજુમાંથી સુભાષ બ્રિજ થઈ ગાંધી આશ્રમ તરફ આગળ વધશે ત્યારે રિવરફ્રન્ટ પર આવતા રેલવે બ્રિજ પરથી પસાર થતી ટ્રેનોને થોડા સમય માટે અટકાવી દેવામાં આવશે. જેના માટે આરપીએફ અને જીઆરપીના જવાનો બ્રિજની બન્ને બાજુ તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત રેલવે અધિકારીઓ પણ ત્યાં હાજર રહેશે જેઓ ટ્રમ્પના કાફલાનું નિરીક્ષણ કર્યા બાદ ટ્રેન ચલાવવા અંગે મંજૂરી આપશે ત્યારબાદ જ ત્યાં ઊભી રખાયેલી ટ્રેનને આગળ વધારવામાં આવશે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post