• Home
  • News
  • ચૂંટણીલક્ષી છૂટછાટ મળી શકે:રાજ્યના ચાર મહાનગરોમાં લાગુ રાત્રિ કર્ફ્યૂમાં 31 જાન્યુઆરી બાદ તબક્કાવાર છૂટછાટ મળી શકે, ગૃહ રાજ્યમંત્રીનો સંકેત
post

CMની અધ્યક્ષતામાં મળનારી કમિટી નિર્ણય કરશેઃ ગૃહ રાજ્યમંત્રી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-28 09:53:12

રાજ્યમાં હાલ કોરોના કાબૂમાં આવી ગયો છે. જો કે કોરોના કાબૂમાં આવી ગયો હોવાછતાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ રાજ્યનાં 4 મુખ્ય શહેરમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત છે. આ રાત્રિ કર્ફ્યૂ 31 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. ત્યાર બાદ આ અંગે નિર્ણય કરવામાં આવશે. આ મામલે આજે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ અંગે વિચારણા કરાશે. તબક્કાવાર વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. હાલ રાજ્ય અને આ ચારેય શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. તેથી હવે તબક્કાવાર રાત્રિ કર્ફ્યૂમાં 31 જાન્યુઆરી બાદ છૂટછાટ મળી શકે છે.

રાત્રિ કર્ફ્યૂ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અંગે વિચારણા કરાશે. CMની અધ્યક્ષતામાં મળનારી કમિટી નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ છે.

રાત્રે રાજકીય બેઠકો અને નાના કાર્યક્રમો કરવા ચૂંટણીલક્ષી છૂટછાટ મળી શકે
રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે. બીજી બાજુ સ્કૂલો પણ ધીરે ધીરે શરૂ થઈ રહી છે. તે ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ જાહેર થઈ ગઈ હોવાથી મહાનગરોમાં લાદવામાં આવેલ કર્ફ્યૂ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઉઠાવી લેવાય તેવો નિર્ણય સરકાર લઈ શકે છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે જો કર્ફ્યૂ સંપૂર્ણ પણે નહીં ઉઠાવાય તો ચૂંટણીને કારણે તેમા વધારે છૂટછાટ મળે તેવી પણ શક્યતાઓ છે. જેથી રાત્રિના સમયે રાજકીય બેઠકો અને નાના કાર્યક્રમો કરી શકાય. તેમજ રાત્રિના સમયે પોલીસની હેરાનગતિ બંધ થતા તેની સારી અસર ચૂંટણી પર થાય. ઉપરાંત અન્ય પણ કેટલીક બાબતોમાં ચૂંટણીલક્ષી છૂટછાટો આપી શકાય છે.

નાઇટ કર્ફ્યૂની ધંધા-રોજગાર પર મોટી અસર થઈ
કર્ફ્યૂને કારણે મનોરંજન, હોટલ અને કેટલાક વ્યાપારોને ખૂબ મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું હતું. અગાઉ આ સ્થળોને છુટ્ટી આપવામાં આવી હતી, પરંતુ ફરી બંધ થતાં તેમને ખોટ જઇ રહી હતી. નવા વર્ષની ઉજવણી દરમિયાન આ તમામ વ્યવસાયો માટે પીક સીઝન રહેતી, પરંતુ એ બંધ રહ્યા હતા. હવે તેમને નુક્સાન વધુ સહન ન કરવું પડે એ માટે કર્ફ્યૂનો સમય 9ને બદલે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો હતો.

કોરોના બેકાબૂ બનતાં 23 નવેમ્બરે 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો હતો
ગુજરાતમાં કોરોનાના કેસો વધતા 23 નવેમ્બરે અમદાવાદમાં સતત કર્ફ્યૂની સાથે અન્ય ત્રણ શહેરો એવા સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યૂ મુકવામાં આવ્યો હતો. ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા છે, ત્યારે ફરીથી કર્ફ્યૂ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post