• Home
  • News
  • મુશ્કેલ કાળમાં પણ અમે સપનાં જોવાનું ચાલુ નથી રાખતાં, પાર પાડવા અમે કામ કરીએ છીએ : કમલા હેરિસ
post

પોર્ટલેન્ડ ખાતે ડેમોક્રેટ પાર્ટીના મુખ્યાલયે તોડફોડ, ડેનેવેર ખાતે અમેરિકી ધ્વજને આગ ચંપી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-22 11:46:56

૫૬ વર્ષનાં કમલા હેરિસે બુધવારે ઇતિહાસ સર્જ્યો હતો. તેમણે અમેરિકાના પ્રથમ મહિલા નાયબ પ્રમુખ તેમજ પ્રથમ એશિયાઇ-અમેરિકન નાયબ પ્રમુખના રૂપમાં શપથ લીધા હતા. દેશને પહેલી જ વાર સંબોધન કરતાં અમેરિકી નાયબ પ્રમુખ કમલા હેરિસે અમેરિકી આશાઓને વાચા આપતા યાદ અપાવી હતી કે પ્રમુખ જો બાઇડેને સામે રહેલા મુશ્કેલ સમય કરતાં પણ ઉંચેરો વિચાર કરીને એકસંપ થવા હાકલ કરી છે.  તેમણે જણાવ્યું હતું કે એક પળો આપણા દેશના ચરિત્રને છતી કરે છે. આ પળો આપણે કોણ છીએ તેનું નિદર્શન કરે છે. મુશ્કેલ સમયમાં પણ આપણે માત્ર સપનાં જોવાનું ચાલુ નથી પરંતુ મુશ્કેલ સમયમાંથી પાર પાડવા પ્રયાસ કરીએ છીએ.  લિંકન સ્મારક બહાર સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, ‘આપણે ચંદ્ર પર પગ મૂકી ચૂક્યા છીએ. ચંદ્ર પર ધ્વજ લહેરાવી ચૂક્યા છીએ. આપણે નીડર અને મહત્ત્વાકાંક્ષી છીએ. આપણે દૃઢપણે માનીએ છીએ મુશ્કેલીઓને પાર થઇ જઇશું. આપણે ફરી ઊભા થઇશું, આ અમેરિકન મિજાજ છે.

કમલા હેરિસે સફળતાનું શ્રેય માતાને આપ્યું

કમલા હેરિસે અમેરિકાના પ્રથમ મહિલા નાયબ પ્રમુખ બનીને ઇતિહાસ સર્જ્યો છે. પોતાની સફળતાનું શ્રેય પોતાની ભારતીય માતાને આપતાં જણાવ્યું હતું કે, ‘તમે મારામાં મૂકેલા ભરોસાને કારણે હું આ પળ સુધી પહોંચી ચૂકી છું.શપથ લેતાં જ કમલા હેરિસે પોતાની દિવંગત માતાને અંજલિ આપતાં ટ્વિટર પર વીડિયો શેર કર્યો હતો. શ્યામલા ગોપાલન કેન્સર સંબંધે સંશોધન કરતા રહ્યાં હતાં. પોતે માતામાંથી પ્રેરણા લેતા રહ્યાં હોવાનો તેમણે એકરાર કર્યો હતો. માતામાંથી જ પ્રેરણા લઇને હેરિસ સાન ફ્રાન્સિસ્કોના પ્રથમ જિલ્લા એટર્ની, કેલિફોર્નિયાના પ્રથમ મહિલા એટર્ની જનરલ અને અમેરિકી સેનેટમાં કેલિફોર્નિયાનું પ્રતિનિધિ કરનારા પ્રથમ અશ્વેત મહિલા બની રહ્યાં હતાં. વીડિયો ટ્વિટર પર શેર કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું આજે અહીં છું , કારણ કે આ મહિલા મારી પહેલાં અમેરિકા આવ્યાં હતાં

ફરી સામાન્ય સ્થિતિ આવશેદેશ વધુ મજબૂત બનશે : ત્રણે પૂર્વ પ્રમુખોને આશા

જો બાઈડેનના શપથ બાદ અમેરિકાના ત્રણ પૂર્વ પ્રમુખ બરાક ઓબામા, બિલ ક્લિન્ટન અને જ્યોર્જ બુશ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તે ઉપરાંત ઉજ્જવળ અમેરિકાની કલ્પના કરવામાં આવી હતી. ત્રણેય પૂર્વ પ્રમુખો દ્વારા એક વીડિયો મેસેજ દ્વારા બાઈડેનને તમામ સ્તરે સાથ અને સહકાર આપવાની પણ તૈયારીઓ દર્શાવવામાં આવી હતી. ત્રણેય પૂર્વ નેતાઓએ આશાવાદ રજૂ કરતા જણાવ્યું હતું કે, અમેરિકામાં ફરીથી સ્થિતિ સામાન્ય થશે અને દેશ વધારે મજબૂત બનશે. ઓબામાએ જણાવ્યું હતું કે, સત્તા હસ્તાંતરણની અમેરિકાની જે ભવ્ય પરંપરા ચાલી આવી છે તેનું યોગ્ય રીતે પાલન થવું જોઈતું હતું. બીજી તરફ ક્લિન્ટને કહ્યું કે, અમે બંને તમારી સાથે છીએ અને દેશને ફરી સામાન્ય કરવા અને સ્થિતિ કાબૂમાં કરવા તમને તમામ મદદ કરવા તૈયાર છીએ. જ્યોર્જ બુશે પણ જણાવ્યું કે, અમે ત્રણેય સત્તાના શાંત અને સૌમ્ય હસ્તાંતરણને ભોગવીને આવ્યા છીએ અને તેનું સમર્થન કરીએ છીએ. તમારી સફળતાએ આખરે તો અમેરિકાની જ સફળતા સાબિત થશે.

બાઈડેને ઓવલ ઓફિસનો ચાર્જ સંભાળ્યો : કેટલાક ફેરફાર કર્યા

અમેરિકી પ્રમુખ બનતાની સાથે જ બાઈડેને ઓવલ ઓફિસનો ચાર્જ સંભાળી લીધો હતો. આ સાથે જ તેમણે ઓફિસના ઈન્ટિરિયરમાં થોડા સુધારા કર્યા હતા. તેમણે પોતાના ડેસ્કની પાછળ પોતાના મૃત પુત્ર બ્યૂ અને તેની માતાનો તથા પોપનો ફોટો મૂક્યો હતો. તે ઉપરાંત બીજી કેટલીક પારિવારિક તસવીરો ગોઠવી હતી અને ટ્રમ્પની તસવીરો હટાવી લીધી હતી.

અમેરિકા અને અમેરિકનોની એકતા અને બાઈડેનનાં શાસનની આતશબાજી દ્વારા ઉજવણી

અમેરિકી પ્રમુખ તરીકે શપથ લીધા બાદ જો બાઈડને પરિવાર સાથે લિંકન મેમોરિયલ અને વ્હાઈટ હાઉસની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બાઈડને લિંકનના પૂતળાની પાસે ઊભા રહીને પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે અમેરિકા અને અમેરિકનોની એકતા અને અખંડિતતાની કામના કરી હતી. બીજી તરફ તેમણે પરિવાર સાથે ટ્રૂમેન બાલ્કનીમાંથી તેમના આવકાર માટે રાખવામાં આવેલી આતશબાજી પણ માણી હતી. વ્હાઈટ હાઉસ, લિંકન મેમોરિયલ અને નેશનલ મોલ ખાતે ભવ્ય આતશબાજી યોજવામાં આવી હતી. તે ઉપરાંત ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક જાણીતા કલાકારો અને સેલબ્સ દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

વૈશ્વિક નેતાઓની શુભેચ્છાઓ

અમે લોકો જે ક્ષણની વર્ષોથી રાહ જોતા હતા તે આવી પહોંચી.

·         ઉર્સુલા, ઈયુના વડા

પેરિસ કરારમાં તમારું સ્વાગત છે.

·         મેક્રોં, પ્રમુખ,ફ્રાન્સ

અમેરિકાને એકત્ર કરીને નવા સમાજનું સર્જન કરજો અને ન્યાય તથા સ્વતંત્રતાની સ્થાપના કરજો.

·         પોપ ફ્રાન્સિસ

એકત્વ અને વિવિધતાનો સંગમ થયો.

·         જસ્ટિન ટ્રુડો, પીએમ, કેનેડા

અમેરિકા, જર્મનીના સંબંધોના, મિત્રતાના નવા અધ્યાયની શરૂઆતની રાહ જોઈ રહી છું.

·         એન્જેલા ર્કેલ, ચાન્સેલર, જર્મની

અમેરિકા અને બ્રિટનના સંબંધો માટેની મોટી ક્ષણ શરૂ થઈ.

·         બોરિસ જોનસન, પીએમ, બ્રિટન

તમારી સાથે કામ કરવાની અને ભવિષ્યમાં અમેરિકા, ઈઝરાયેલના સંબંધો વધારે પ્રગાઢ બનાવવાની આશા છે.

·         બેન્જામિન નેતન્યાહૂ, પીએમ, ઈઝરાયેલ

બાઈડેનના વિજયને લોકશાહીની જીતને વૈશ્વિક મીડિયાએ વધાવી લીધી

અમેરિકીના ૪૬મા પ્રમુખ તરીકે બાઈડેને શપથ લેતાં જ સમગ્ર વિશ્વના અખબારો અને મીડિયાએ આ ઘટનાને બાઈડેનના વિજય અને લોકશાહીના વિજય તરીકે વધાવી લીધી હતી. વિશ્વના જાણીતા અખબારોે દ્વારા બાઈડેનની શપથને અમેરિકા અને વિશ્વની સૌથી જૂની લોકશાહી માટે અત્યંત મહત્ત્વની ગણાવવામાં આવી હતી. અહીંયા નજર કરીએ કે કયા મીડિયા દ્વારા બાઈડેનના શપથ વિશે શું કહેવામાં આવ્યું….

·         વોશિંગ્ટન પોસ્ટ : બાઈડન : ‘યુનિટી ઈઝ ધ પાથ’, ઈતિહાસ રચાયો, હવે કામ શરૂ થશે. બાઈડેનના શાસન દ્વારા અમેરિકાને મોટો લાભ થશે.

·         વોલ્સ્ટ્રીટ જર્નલ : બાઈડેન અને કમલા હેરિસના શપથ બાદ આ લોકશાહીનો દિવસ બની રહ્યો. એકતાનો સમય છે.

·         ન્યૂયોર્ક ટાઈમ્સ : લોકશાહી યથાવત્ રહી, બાઈડેને રાષ્ટ્રના સંરક્ષણના શપથ લીધા.

·         ધ ગાર્ડિયન : લોકશાહી યથાવત્ રહી.

·         ધ ટાઈમ્સ : ટાઈમ ફોર યૂનિટી.

·         મિરર : ઐતિહાસિક દિવસ, આશાનો દિવસ.

·         ડેઈલી મેલ : ન્યૂ ડોન ફોર અમેરિકા

·         સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ : વર્લ્ડ વોકઅપ વિથ ન્યૂ અમેરિકી લીડર.

·         અલઝઝીરા : બાઈડેને મુસ્લિમ પ્રતિબંધ હટાવ્યા.

·         બીબીસી : ટ્રમ્પની નીતિઓને પલટશે બાઈડેન.

પોર્ટલેન્ડ ખાતે ડેમોક્રેટ પાર્ટીના મુખ્યાલયે તોડફોડડેનેવેર ખાતે અમેરિકી ધ્વજને આગ ચંપી

અમેરિકી પ્રમુખ જો બાઇડેને શપથ લીધાના કલાકોમાં જ અમેરિકાના વિવિધ વિસ્તારોમાં ડાબેરી અનિફા સંગઠન દ્વારા તેમના વિરોધમાં હિંસક દેખાવો થવા લાગ્યા છે. ડાબેરી અનિફા સંગઠનના ૨૦૦ જેટલા કાર્યકરોએ ઓરેગોનના મુખ્યાલય પોર્ટલેન્ડ ખાતે ડેમોક્રેટિક પક્ષના મુખ્યાલયમાં મોટાપાયે તોડફોડ કરી હતી. ઇમિગ્રેશન કાર્યાલય ખાતે પથ્થર અને ઇંડાંનો વરસાદ વસાવ્યો હતો. ડેનવેર શહેરમાં વિરોધ દેખાવકારોએ અમેરિકી ધ્વજને આગ ચાંપી હતી તો સિતલે ખાતે એક સ્ટોરમાં તોડફોડ કરી હતી. બાઇડેન સામે વિરોધ જાહેર કરતાં તેઓ પોલીસ દ્વારા થયેલી હત્યાઓ બદલ વેરની વસૂલાત ઇચ્છતા હતા. પોર્ટલેન્ડ ખાતે પોલીસને ટોળાને વિખેરી દેવા અશ્રુવાયુનો આશરો લેવો પડયો હતો. પોર્ટલેન્ડ ખાતે ડાબેરી અને પોલીસ વચ્ચે આમ તો ઘણીવાર અથડામણ સર્જાતી રહે છે. અમેરિકામાં કોલંબસ અને ઓહિયો ખાતે પણ દેખાવકારોએ વિરોધકૂચ યોજી હતી. બાઇડેન અને પોલીસના વિરોધમાં સૂત્રોચ્ચાર કરતા તેઓ કૂચ કરી રહ્યા હતા.

ટ્રમ્પનું તાળાબંધ બોઈંગ ૭૫૭નું હવે શું થશે?

અમેરિકી પ્રમુખ બન્યા પછી એરફોર્સ વનમાં દુનિયાભરમાં ફરનારા ડોનાલ્ડ ટ્રમ્પ હવે પૂર્વ અમેરિકી પ્રમુખ તરીકે પોતાના ફ્લોરિડાની ક્લબમાં પહોંચી ગયા છે. તેમની પાસેથી સરકારી સેવાઓ પાછી ખેંચાઈ ગઈ છે. બીજી તરફ તેમને આશા હતી કે, ૨૦૨૫ સુધી વ્હાઈટહાઉસમાં જ રહેવાનું છે તેથી તેમણે પોતાના ખાનગી પ્લેન બોઈંગ ૭૫૭ને તાળાબંધી કરીને ન્યૂયોર્કમાં મૂકી રાખ્યું હતું. ૨૦૧૯થી આ પ્લેન ઊડયું નથી અને તેનું મેન્ટેનન્સ પણ થયું નથી. આ પ્લેનને ફરી ચાલુ કરવા ઘણું કામ કરાવવું પડે તેમ છે. જોકે, ટ્રમ્પ પાસે હજી સેસના પ્રાઈવેટ જેટ અને હેલિકોપ્ટર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post