• Home
  • News
  • સૌરવ ગાંગુલીની ટીવી શોમાં પણ ‘દાદાગીરી’ તેમની પાસે 14 બ્રાન્ડની જાહેરાત છે
post

હાર્ટ એટેક બાદ એક ખાદ્ય તેલની જાહેરાત અંગે વિવાદ સર્જાયો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-09 12:10:40

જન્મ- 8 જુલાઇ, 1972 શિક્ષણ- કોલકાતા યુનિ.માંથી ગ્રેજ્યુએટ સંપત્તિ- 416 કરોડ રૂ. (મીડિયા રિપોર્ટ્સ મુજબ) પરિવાર- પત્ની ડોના, પુત્રી સના સન્માન- પદ્મશ્રી, બંગ વિભૂષણ (પ.બંગાળનું સર્વોચ્ચ નાગરિક સન્માન)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી ઘણાં દિવસથી રાજકીય કારણોથી ચર્ચામાં છે. આ વર્ષે બંગાળમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ ભાજપમાં જોડાય તેવી અટકળો થતી રહી છે. જોકે, હાલ ચર્ચાનું કારણ જુદું છે. તાજેતરમાં સૌરવને હાર્ટ અટેક આવ્યા બાદ લોકો તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતિત રહ્યા પણ એક કંપનીના ખાદ્ય તેલના બ્રાન્ડ એમ્બેસેડર હોવાના કારણે સૌરવ સોશિયલ મીડિયામાં છવાયા. સોશિયલ મીડિયા પરની કમેન્ટ્સ મુજબ, ગાંગુલી હૃદયના સ્વાસ્થ્ય માટે સારા ખાસ ખાદ્ય તેલને પ્રમોટ કરે છે પણ પોતે જ હાર્ટ અટેકનો શિકાર બન્યા. કંપનીએ જાહેરાતનું પ્રસારણ રોકવું પડ્યું. કંપનીના અધિકારીઓએ તેમની પ્રોડક્ટ અંગે સ્પષ્ટીકરણ પણ કરવું પડ્યું. જોકે, તેમના જણાવ્યાનુસાર ગાંગુલી તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે યથાવત્ રહેશે. 2008માં આં.રા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ સૌરવ ટીવી શો, જાહેરાતો તેમ જ વહીવટકર્તા તરીકે ક્રિકેટ સાથે જોડાયેલા છે. તેઓ 2015થી 2019 સુધી બંગાળ ક્રિકેટ એસો.ના અધ્યક્ષ રહ્યા. બીસીસીઆઇ અધ્યક્ષ બન્યા બાદ તેઓ જાહેરાત કરતા હોવા સામે સવાલ પણ ઊઠ્યા કે સૌરવ જે બ્રાન્ડ્સને પ્રમોટ કરે છે તે બીસીસીઆઇની પ્રતિસ્પર્ધી છે.

બ્રાન્ડ પ્રમોશન માટે 1-1.35 કરોડ રૂ. લે છે
સૌરવ ઓક્ટોબર, 2019માં બીસીસીઆઇ અધ્યક્ષ બન્યા. 2013માં બાંગ્લા ક્વિઝ શો દાદાગીરી અનલિમિટેડહોસ્ટ કર્યો. આ વર્ષે પણ તેમણે ઝી બાંગ્લા પર પ્રસારિત દાદાગીરી અનલિમિટેડની આઠમી સિઝન હોસ્ટ કરી. બજાર અને જાહેરાત વિશ્લેષકોના જણાવ્યા મુજબ, બીસીસીઆઇ અધ્યક્ષ બન્યા બાદ સૌરવની બ્રાન્ડ વેલ્યૂમાં અનેકગણો વધારો થયો. પ્રાદેશિક બજારની સાથોસાથ રાષ્ટ્રીય સ્તરે પણ સૌરવની સ્વીકાર્યતાના કારણે તેમની સારી બ્રાન્ડ વેલ્યૂ છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે તેમની પાસે 14 બ્રાન્ડ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેઓ બ્રાન્ડ પ્રમોશન માટે 1 વર્ષના 1 કરોડથી 1.35 કરોડ રૂ. ચાર્જ કરે છે.

ફૂટબોલર હતા, રણજીમાં ભાઇની જગ્યાએ પસંદ થયેલા
કોલકાતાના બેહાલામાં સૌરવનો સંયુક્ત પરિવાર રહે છે. પિતા ચંડીદાસનો પ્રિન્ટિંગનો બિઝનેસ હતો. મોટા ભાઇ સ્નેહાશીષ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર હતા. સૌરવને ફૂટબોલનો શોખ હતો પણ રોજ ઇજા થવાથી પરેશાન તેમની માતા નિરુપાએ સૌરવને ફૂટબોલ રમવાની ના પાડી દીધી. 11 વર્ષની ઉંમરે ભાઇને જોઇને સૌરવે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. સૌરવ રાઇટ હેન્ડર છે પણ બેટ્સમેન ડાબોડી રહ્યા. 1989માં બંગાળની રણજી ટીમમાં ભાઇ સ્નેહાશીષની જગ્યાએ તેમની પસંદગી થઇ.

સૌથી સફળ સુકાની, કુલ 38 સદી ફટકારી
સૌરવ 1992માં પ્રથમ વનડે રમ્યા. ત્યાર બાદ 4 વર્ષ ટીમમાંથી બહાર રહ્યા. 1996માં ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું. 2000માં કેપ્ટન બન્યા. 2003માં ભારતીય ટીમને 1983 બાદ પહેલીવાર વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચાડી. 2004માં સૌરવ ભારતના સૌથી સફળ સુકાની ગણાવવા લાગ્યા. તેમની કરિયરમાં 113 ટેસ્ટ, 311 વનડે અને 77 ટી-20 રમ્યા. ત્રણેય ફોરમેટમાં 38 સદી સાથે કુલ 20,301 રન કર્યા અને 161 વિકેટ લીધી.

7 કિસ્સા કે જ્યારે દાદાવિવાદોમાં રહ્યા
1. 
શર્ટ લહેરાવવું- 2002માં ઇંગ્લેન્ડના લોર્ડ્સમાં નટવેસ્ટ સીરિઝ દરમિયાન સૌરવે શર્ટ લહેરાવ્યો તે ગ્લોબલ મીડિયાના ન્યૂઝ બન્યા. સૌરવ પોતે સ્વીકારે છે કે તેમણે તેવું નહોતું કરવું જોઇતું.
2. 
ગુસ્સાભર્યું વલણ- એવા સમાચાર સામે આવ્યા હતા કે સૌરવ સાથી ખેલાડીઓ માટે મેદાન પર ડ્રિન્ક ન લઇ જતા હોવાથી 1996 સુધી ટીમની બહાર રહ્યા. સૌરવે આ વાતને રદિયો આપ્યો હતો. ટીમમાં સ્થાન ન મળવાનું કારણ તેમનું ગુસ્સાભર્યું વલણ હતું.
3. 
લેટલતીફી- સ્ટીવ વૉએ લખ્યું છે કે સૌરવ 2001માં સીરિઝમાં સતત 7 વખત ટોસ માટે મોડા પહોંચ્યા. ફ્લિન્ટોફના કહેવા મુજબ, સૌરવ પ્રેક્ટિસ માટે નહોતો આવતો.
4. 
ચેપલ વિવાદ- ગ્રેગ ચેપલ જુલાઇ, 2005માં ભારતીય ટીમના કોચ બન્યા. સપ્ટે.માં ઝિમ્બાબ્વેના પ્રવાસ વખતે ચેપલની ટીમથી સૌરવ ખુશ નહોતા. 2005માં ચેપલના કારણે સૌરવનું સુકાનીપદ પણ ગયું હતું.
5. 
ખેલાડીઓ સાથે ઝઘડ્યા- ચેપલ વિવાદ વખતે દ્રવિડ સાથે મનભેદના સમાચાર પણ આવ્યા. 2016માં કોચ પસંદગી સમિતિમાં હોવા છતાં રવિ શાસ્ત્રીના ઓનલાઇન ઇન્ટરવ્યૂ વખતે સૌરવ હાજર નહોતા.
6. 
બૅનનો સામનો- 1998માં આઉટ થયા બાદ ગુસ્સે થવા બદલ એક મેચનો બૅન લાગ્યો, 2000માં અમ્પાયરને ધમકાવવા, 2001માં બેટ બતાવવા બદલ એક મેચનો બૅન લાગ્યો.
7. 
નગ્મા સાથે સંબંધ- અભિનેત્રી નગ્મા સાથે તેના સંબંધના સમાચારોએ વિવાદ સર્જ્યો. જોકે, સૌરવે તેને રદિયો આપ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post