• Home
  • News
  • આર્ચરી વર્લ્ડકપમાં ભારતીય ટીમનો જલવો, 14 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીત્યો
post

ઓલિમ્પિક ચેમ્પિયન કોરિયાને હરાવી 14 વર્ષ બાદ મેન્સ રિકર્વ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-29 10:46:07

નવી દિલ્લી: તીરંદાજીમાં ભારતીય રિકર્વ મેન્સ ટીમે 14 વર્ષ પછી તીરંદાજી વર્લ્ડ કપમાં ટોચની ક્રમાંકિત દક્ષિણ કોરિયાની ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ચીનના શાંઘાઈમાં તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ-1 રમાઈ રહ્યો છે. તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા અને પ્રવીણ જાધવની પુરુષ ટીમે ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. આ ત્રિપુટીએ ફાઈનલમાં કોરિયાની ઓલિમ્પિક ચેમ્પિયન ટીમને 5-1 (57-57, 57-55, 55-53)થી હાર આપી હતી. તીરંદાજીમાં, સેટ જીતવા માટે બે પોઈન્ટ મળે છે. પહેલો સેટ 57-57 થી બરાબર રહ્યો હતો. તેથી, બંને ટીમને 1-1 પોઈન્ટ મળ્યો. ભારતીય ટીમે આગામી બે સેટ જીતીને વધુ 4 પોઈન્ટ મેળવ્યા હતા અને અંતે મેચ 5-1થી જીતી લીધી હતી.

માતા બન્યા બાદ દીપિકા કુમારીએ સિલ્વર મેડલ જીત્યો
ડિસેમ્બર 2022માં માતા બન્યા બાદ દીપિકા કુમારી પ્રથમ વખત વર્લ્ડ ટુર્નામેન્ટમાં પરત ફરી અને વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર જીત્યો. દીપિકાએ ક્વાર્ટર ફાઈનલમાં કોરિયન જિયોન હુન્યોંગને 6-4થી હરાવ્યું, ત્યારપછી સેમિફાઈનલમાં અન્ય કોરિયન સુહ્યોનને 6-0 (29-28, 29-27, 28-26)થી હરાવી. ટાઈટલ મેચમાં દીપિકા એ જ દેશની ચેમ્પિયન લિમ સિહ્યોન સામે 6-0 (27-26, 29-27, 28-27)થી હારી ગઈ હતી.

અંકિતા-ધીરજે બ્રોન્ઝ જીત્યો
અંકિતા ભક્ત અને ધીરજની મિક્સ ડબલ્સની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટીમે બ્રોન્ઝ મેડલના મુકાબલામાં મેક્સિકન જોડીને 6-0થી હરાવી હતી. આ જીત સાથે ભારતે વર્લ્ડ કપ સ્ટેજ 1માં 5 ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ જીત્યો છે.