• Home
  • News
  • લોકડાઉનમાં વતન અને ભુખના નામે હોબાળો મચાવતાં પરપ્રાંતિયો ત્રીજીવાર હિંસા પર ઉતરી આવ્યાં
post

શહેર અને આસપાસમાં આવેલી જીઆઈડીસીમાં લગભગ 18 લાખ પરપ્રાંતિયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 09:07:00

કોરોના વાઈરસના કારણે 22મી માર્ચથી ઉદ્યોગ ધંધા બંધ કરી દઈને સુરત સહિત સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનની પરિસ્થિતિમાં શરૂઆતમાં ગુજરાતના શ્રમિકો તેમના વતન જતાં રહ્યાં પરંતુ પરપ્રાંતિય શ્રમિકોને વાહનવ્યવહાર બંધ થઈ જતાં અહિં જ રહેવાની ફરજ પડી હતી. પ્રથમ લોકડાઉન બાદ વાઈરસ વકરતાં લોકડાઉનનો તબક્કો વધતાં પરપ્રાંતિય શ્રમિકોએ ભુખ અને વતનમાં જવાની જીદ સાથે હોબાળા મચાવવાના શરૂ કર્યાં હતાં. જેમાં પોલીસ સમજાવટથી કામ લઈ રહી હતી. તેમ છતાં શહેરમાં ત્રણેક હિંસાના બનાવ સામે આવ્યાં હતાં.

30 માર્ચે પોલીસ પર પથ્થર મારો

પરપ્રાંતિયોએ સૌ પ્રથમ પાંડેસરા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. લોકડાઉનના આઠ દિવસ બાદ કંટાળેલા પરપ્રાંતિય શ્રમિકોને વતનમાં જવાની વ્યવસ્થા ન થતી હોવાથી ઉશ્કેરાયા હતાં. વડોદ ગામે પાંડેસરા પોલીસના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.

10મી એપ્રિલે ડાયમંડનગરમાં આગજની

લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડનગરમાં 10મી એપ્રીલની રાત્રિએ પરપ્રાંતિય શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં.વતન જવાની માંગ અને ભુખના નામે રસ્તા પર ઉતરેલા શ્રમિકોએ ટાયરો અને હાથ લારીઓ સળગાવી દીધી હતી. આગજનીના બનાવમાં પોલીસે ગુનો નોંધીને 100થી વધુ લોકોને ઝડપી લીધા હતાં. બાદમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સાથે ભોજનની વ્યવસ્થા ગોઠવી દઈને મામલો શાંત કર્યો હતો.બાદમાં પોલીસ,એસઆરપી અને આરએએફની ટીમને બંદોબસ્ત માટે ગોઠવી દેવામાં આવી હતી.

ચોથી મેના રોજ વરેલીમાં તોડફોડ

પલસાણાના વરેલી ગામમાં પરપ્રાંતીયો વતન જવાની માંગ સાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી આવ્યા હતાં. હજારેકથી વધુ લોકોનું ટોળુ રસ્તા પર આવ્યા બાદ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. સાથે જ રસ્તા પરના વાહનો અને ટાયરને નીશાને ટોળાએ લીધા હતાં. આ અંગેની જાણ થતાં જ પોલીસનો કાફલો વધારે ઉતારી દેવામાં આવ્યો હતો. સાથે જ તોફાને ચડેલા ટોળા પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યાં હતાં. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

ખજોદમાં શ્રમિકો ઉશ્કેરાયા

ખજોદમાં નવ નિર્માણાધિન ડાયમંડ બુર્સનું નિર્માણ કરતાં કારગરો પાસેથી રાશન અને શાકભાજીના વધુ ભાવ લેવાતા હોવાના નામે હોબાળો કરવામાં આવ્યો હતો. આ હોબાળા બાદ કામ બંધ હતું ત્યારે મહારાષ્ટ્રના 200 જેટલા શ્રમિકોને લાવવામાં આવતાં ફરીથી ડાયમંડ બુર્સના શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો. 

લોકડાઉન દરમિયાન શહેરમાં દરેક જગ્યાએ હોબાળા મચ્યા

શહેરમાં પરપ્રાંતિય શ્રમિકો ડાઈંગ,એમ્બ્રોઈડરી, લૂ્મ્સ,જરી,ડાયમંડ સહિતના દરેક ઉદ્યોગ ધંધામાં કામ કરે છે. લોકડાઉનના પ્રથમ તબક્કાથી જ શ્રમિકો દ્વારા વતન જવાના નામે હોબાળા કરવામાં આવ્યાં હતાં. પીપોદરાથી લઈને વેડરોડ,એકે રોડ, બરોડા પ્રિસ્ટેજ, પાંડેસરા,ઉધના, સચિન તમામ વિસ્તારોમાં શ્રમિકોએ હોબાળા કર્યાં હતાં. જો કે, મોટાભાગે ભોજનની વ્યવસ્થા માટે હોબાળા કરાયા હોવાથી પોલીસે સમજાવટથી કામ લીધું હતું.

સુરતમાં 18 લાખ પરપ્રાંતિય શ્રમિકો

હીરા અને ટેક્સટાઈલ હબ મનાતા સુરતમાં પરપ્રાંતિય શ્રમિકો પણ મોટી સંખ્યામાં કામ કરી રહ્યાં છે. અંદાજે 18 લાખ શ્રમિકોમાંથી ઓડિશાની સાત લાખ, મધ્યપ્રદેશ 1 લાખ,ઉત્તરપ્રદેશ 2.5 લાખ, બિહાર 2.5 લાખ, મહારાષ્ટ્ર 1.5 લાખ, રાજસ્થાન 2 લાખ સહિતના શ્રમિકો શહેરની વિવિધ ઈન્ડ્સ્ટ્રીઝ, જીઆઈડીસી અને યુનિટોમાં કામ કરે છે. લગભગ બધી જ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ઓડિશાના શ્રમિકો કામ કરી રહ્યાં છે.

ત્રણ લાખથી વધુ લોકોને મોકલાયા 

સરકાર દ્વારા છેલ્લા થોડા દિવસોથી પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલવા માટેના દ્વાર ખોલવામાં આવ્યાં છે. ઓડિશા માટે વિશેષ શ્રમિક ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. જેથી ઓડિશા અને મધ્યપ્રદેશ મોટી સંખ્યામાં શ્રમિકોને મોકલવામાં આવ્યાં છે. જેથી એક અંદાજ પ્રમાણે યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઓડિશામાં લગભગ 3 લાખથી વધુ શ્રમિકો વતન જતાં રહ્યાં છે. જ્યારે હજુ બિહાર સહિત બંગાળ અને અન્ય રાજ્યોના શ્રમિકોને મંજૂરી ન મળી હોવાથી તેઓ હજુ અહિં જ છે.

સૌરાષ્ટ્રીયન સહિતના હીરાઘસુ મીટ માંડીને બેઠા છે

શહેરમાં હીરા ઉદ્યોગમાં મોટાભાગે સૌરાષ્ટ્રીયન અને ઉત્તરગુજરાતના મહેસાણા બાજુના રત્નકલાકારો વધુ છે. એક અંદાજ પ્રમાણે આશરે છ લાખથી વધુ રત્નકલાકારો છે. જેમાંથી થોડા ઘણા લોકો લોકડાઉનના પ્રથમ તબક્કાના ગણતરીના દિવસોમાં વતન જતાં રહ્યાં હતાં. તેમ છતાં હજુ મોટાભાગના રત્નકલાકારો શહેરમાં જ છે. જેમને વતન જવા દેવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી રહી નથી. જેથી રત્નકલાકારો તેમને પણ વતન જવા દેવામાં આવે તેવી મીટ માંડીને બેઠા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post