• Home
  • News
  • ઈતિહાસની અટારીએથી : સોરઠ પ્રદેશ સાથે ગાંધીજીનો નાતો, જૂનાગઢ માટે કહ્યા હતા કંઈક આવા શબ્દો
post

પૂર્વજો કુતિયાણા રહેતા તે નાતે ગાંધીજીને જૂનાગઢ રાજ્યના ગણાયા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-02 18:09:33

ગાંધીજી અને તેના પૂર્વજોને સોરઠ સાથે બેજોડ નાતો રહ્યો હતો. ગાંધીજીના પૂર્વજો કુતિયાણા રહેતા હતા તે નાતે ગાંધીજીને જૂનાગઢ રાજ્યના ગણાયા હતા. ગાંધીજીના દાદા ઓતમચંદ જયારે પોરબંદરના દીવાન બનેલ ત્યારે તેના જામીન મકરાણી ગુલંદ થયેલ અને જયારે પોરબંદરનું ઓતમચંદનું મકાન સીલ રૂપાળીબાએ કરાવ્યું ત્યારે મકરાણીએ જીવ દીધેલ જેની પાળિયો નાથજીની હવેલીના પગથિયાં પાસે એક ગોખલામાં હતો. ગાંધીજીના દાદા ઓતમચંદને પોરબંદર રાજ્યે વાંધો પડતા કાઢી મૂકેલ ત્યારે નવાબે તેને કચેરીમાં તેડાવેલ તો ઓતમચંદે નવાબને ડાબા હાથે સલામ કરતા નવાબે પૂછ્યું આમ કેમ તો કહેલ કે જમણા હાથે રાણાને સલામ કરી હોય તે હાથે હવે બીજાને સલામ કરાય નહિ, નવાબ કહે આનું ભાગ્ય હજુ ખુલ્યું નથી આને દીવાન નહિ કુતિયાણાના વહીવટદાર બનાવી દયો.

ગાંધીજીના ચશ્માંનો ખાસ કિસ્સો 

ગાંધીજી ચારેક વખત જૂનાગઢ આવી ગયા હતા‌. ગાંધીજી અને નવાબ મહાબતખાનજી ત્રીજા વચ્ચે સારો સબંધ રહ્યો હતો. જ્યારે ગાંધીજી અનુસૂચિત જાતિના ઉદ્ધારની પ્રવૃત્તિ કરી રહ્યા હતા. ત્યારે તેમણે રાજા રજવાડાનો ફાળો આપવા વિનંતી કરતાં, નવાબે તરત જ રૂપિયા 1500ની રકમ મોકલી આપી હતી. ત્યારે મહાત્મા ગાંધીજીએ તા.27/10/1938ના રોજ પેશાવરથી જૂનાગઢના દીવાન ઉપર આભાર પત્ર મોકલ્યો હતો. આ ઉપરાંત જ્યારે નવાબ ગાંધીજીને સાબરમતી આશ્રમમાં મળેલા ત્યારે નવાબે ગાંધીજીને પૂછ્યું કે આપ ભારતને કેવી રીતે જૂઓ છો ? ત્યારે ગાંધીજીએ હસી-મજાક વાળા ઉત્તરમાં નવાબને ચશ્મા ઊતારીને કહ્યું કે આનાથી એ ચશ્મા ગાંધીજીએ નવાબને જ ભેટ આપી દીધા હતા. કે જાવ હવે તમે આ રાખો આ ચશ્માં નવાબે કાયમ જીવની જેમ સાંચવ્યા અને પાકિસ્તાન જતી વખતે શોધીને ભેગા થઈ ગયા અને સાંચવી રાખેલા. એ પછી ઈ.સ.2009માં નવાબના પૌત્ર તલદશાહીદ દ્વારા ન્યૂયોર્કમાં 20 લાખની અપસેટ કિંમત મૂકી વેચવા મૂકયા હતા. 

જૂનાગઢ માટે ગાંધીજીએ બોલેલા શબ્દો 

જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાયું ત્યારે સમાધાન માટે જૂનાગઢ રાજયે બે પ્રતિનિધિ રેલવેના ઓફિસર શ્રી જે.એમ.પંડ્યા અને કાઠિયાવાડ ઇન્ડસ્ટ્રીઝના માલિક શ્રી મુસાભાઇ બંનેને ગાંધીજી પાસે દિલ્હી મોકલેલા પણ એ સમાધાન શક્ય ન બન્યું આજે હકૂમતની સ્થાપના પૂર્વે ગાંધીજીએ પ્રાર્થના સભામાં જણાવેલ કે, કાઠિયાવાડ મેં તો વેરાવળ ભી હૈ, લેકિન વહ તો જૂનાગઢ મેં હૈ ઔર જૂનાગઢ તો પાકિસ્તાન મેં ચલા ગયા, જૂનાગઢ મે  પાકિસ્તાન કિસ તરહ બના શકતા હૈ, આસપાસ કી સભી રિયાસત હિન્દુ રિયાસત હૈ, ઔર જૂનાગઢ રિયાસત કી આબાદી કા હિસ્સા ભી હિન્દુઓ કા હૈ, તો ભી જૂનાગઢ પાકિસ્તાનમેં દાખિલ હુઆ યહ બડી ગજબનાક બાત હૈ, જૂનાગઢ સે પાકિસ્તાન જાના હી ચાહિયે એવું સ્પષ્ટ કહ્યું હતું. જૂનાગઢ રાજ્યના ગેઝેટ દસ્તુરલ અમલ સરકારમાં ગાંધીજીના અવસાનના સમાચાર પ્રગટ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જૂનાગઢમાં ત્રણ દિવસની હડતાલ પડેલી, રૂપાની પાલખીમાં ગાંધીજીની મૂર્તિ મૂકી પુરા જૂનાગઢમાં ફેરવી દામોદરકુંડ લઇ જઈ શામળદાસ ગાંધીના હસ્તે પૂજન કરી મૂર્તિ દામોદરરાયજીના મંદિરે પધરાવી અને ગીતા, કુરાન અને ગ્રંથસાહિબની પ્રાર્થના કરવામાં આવી, ઉપરાંત નરસિંહ મહેતાના ચોરે પ્રાર્થના રાખવામાં આવી હતી. ગાંધીજીના અસ્થિનું દામોદર કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

માંગરોળ સાથે ગાંધીજીનો નાતો

ગાંધીજી જ્યારે કાઠિયાવાડના પ્રવાસે નીકળ્યા ત્યારે માંગરોળ પણ આવ્યા હતા. ગાંધીજી કેશોદ રેલવે સ્ટેશને ઉતર્યા ત્યાં તેમને માંગરોળથી શ્રીમંતો તેડવા આવેલ તે મોટરમાં માંગરોળ લઈ ગયેલા. માંગરોળમાં ગાંધીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ માંગરોળમાં ગાંધીજી મણિલાલ અંદરજીના મકાને ઉતર્યા હતા, જે નવું મકાન બંધાયું હતું ગાંધીજીના હસ્તે જ એ મકાનનું વાસ્તુ કરવામાં આવ્યું હતું. આજે એ મકાન રહ્યું હશે કે નહિ ખબર નહિ.

ખાદીના મહત્વ અંગે જણાવ્યું 

દરબાર ગોપાળદાસએ રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદના છઠ્ઠા અધિવેશનમાં ખાદીના મહત્વ અંગે જણાવ્યું હતું કે, જે ગામમાં સ્ત્રી-પુરુષો ખાદીથી શોભતા હોય તો ગામનું વાતાવરણ કેટલું રમ્ય લાગે ? કોઈ ગામમાં હું જાવ અને ખાદીધારી મળી જાય તો જાણે ઉજડડ ધીંકતા સહારાના રણમાં મીઠા પાણીની વીરડી મળી. આ બધું જ ગાંધીજીને ઈ.સ.1915માં માંગરોળમાં જોવા મળેલ જે દરબાર ગોપાલદાસે ઈ.સ.1937માં કહ્યું હતું.

ગાંધીજીએ રામરાજ્યનું રહસ્ય જણાવ્યું 

ઈ.સ.1925માં માંગરોળમાં સભા થઈ જેમાં ગાંધીજીએ રામરાજ્યનું રહસ્ય સમજાવ્યું આ પછી ગાંધીજી માંગરોળના શેખ મહોમદ જહાંગીરમિયાને મળ્યા મળવા ગયેલા, ત્યાં ગાંધીજી શેખ ઉપર ખૂબ જ પ્રભાવિત થયેલા કારણકે શેખે 500 વાર ખાદી ઘરના જ સુતરની વણાવી હતી. જે ખૂબ જ સાદાઈથી જીવન જીવતા અને ગાંધીજીના સિદ્ધાંતો પાળતા હતા. આ શેખના બેગમ અને અન્યોએ ચરખો કાંત્યો હતો. શેખ મહોમદ જહાંગીરમિયાએ જણાવેલ કે, હું બુજુર્ગ થયો છું. તો કાંતતા શીખી શક્યો નથી પણ બેગમ જરૂર કાંતે છે. આ શેખ ખૂબ સાદગીભર્યું જીવન જીવતા એક નાના ઓરડામાં એક ટેબલ ઉપર ઉર્દુ અરબી પુસ્તકો રાખ્યા હતા ફર્નિચરમાં માત્ર એકાદ ગાલીચો થોડી સાદડીઓ. આ સાદાઈ જોઈ ગાંધીજી ખૂબ પ્રભાવિત થયેલા અને કહેલ કે સાદાઈ મને આજે યાદ આવે છે. પણ અહીં ત્રાવણકોર કરતાં પણ અધિક સાદાઈ જોઉં છું શેખ મહોમદ જહાંગીરમિયા હસીને કહે હો બાપુ આપની સાદાઈને કોઈ પહોંચે એમ છે? આપના જેટલી જરૂરિયાતોથી ચાલતું હોત તો કેવું સારું. ગાંધીજી કહે અરે હું કોઈ રાજા છું ? એમ કઈ વાતને વળાંક આપ્યો. આ બંને વચ્ચે જે સંવાદ થયો તે બતાવે છે કે તેમની વચ્ચે કેટલો પ્રેમ અને એકબીજા પ્રત્યે આદર હતો. રાતે માંગરોળમાં ગાંધીજીની સભા થઈ હતી જેમાં દોઢેક હજાર લોકો હાજર હતા. માંગરોળમાં સ્ત્રીઓની સભામાં 700 તથા બે ત્રણ વીંટીઓ તથા નાગરિકો તરફથી રૂ. 2000 મળ્યા હતા. ગાંધીજીએ માંગરોળના અંત્યજવાસની પણ મુલાકાત લીધી હતી.  

- ઈતિહાસની અટારીએથી
ડૉ. પ્રદ્યુમ્ન ખાચર 

adv

Related News

post
post
post
post
post
post
post