• Home
  • News
  • ગેહલોત-પાયલોટનો ઝઘડો ફરી સામે આવ્યો:ગેહલોતની નજીકના મંત્રી પર જાહેરમાં જૂતા ફેંકાયા, સમર્થકોએ પાયલોટ જિંદાબાદના નારા લાગ્યા
post

બન્ને જૂથ વચ્ચે 15-20 દિવસથી ચાલી રહેલી કડવાશ સોમવારે સાંજે અજમેરના પુષ્કર મેળામાં જોવા મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-13 18:46:07

રાજસ્થાનમાં CM અશોક ગેહલોત અને પૂર્વ ડેપ્યુટી CM સચિન પાયલોટના જૂથ વચ્ચે ઝઘડો સોમવારે સાંજે ફરી ખુલ્લો પડ્યો હતો. આ ઘટના અજમેરના પુષ્કરમાં ગુર્જર નેતા કર્નલ કિરોરી સિંહ બૈંસલાના અસ્થિ વિસર્જન દરમિયાન આયોજિત સભાની છે. ગેહલોતના સમર્થક સ્પોર્ટ્સ મિનિસ્ટર અશોક ચાંદના સ્પીચ આપવા માટે સ્ટેજ પર પહોંચ્યા કે તરત જ પાયલોટ સમર્થકોએ જૂતા અને બોટલ ફેંકીને વિરોધ કરવાનું શરૂ કરી દીધો હતો. તેમણે સચિન પાયલોટ ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.

આ ઘટના બાદ મંત્રી અશોક ચાંદના ગુસ્સે થઈ ગયા અને તેમણે ટ્વિટર પર ધમકીભર્યા અંદાજમાં લખ્યું- સચિન પાયલોટ મારા પર જૂતા ફેંકાવીને તમે મુખ્યમંત્રી બનો છે તો જલદી બની જાઓ, કારણ કે આજે મને લડવાનું મન થતું નથી. જે દિવસે હું લડવા આવીશ ત્યારે એક જ બાકી રહેશે અને હું તેવું ઈચ્છતો નથી.

અન્ય મંત્રીના ભાષણમાં હૂટિંગ, પાયલોટ જિંદાબાદના નારા
સચિન પાયલોટ જિંદાબાદના નારા શરૂઆતથી જ લાગ્યા હતા. જ્યારે ઉદ્યોગમંત્રી શકુંતલા રાવત ભાષણ આપવા આવ્યા ત્યારે વિરોધ શરૂ થયો હતો. તેમણે કરૌલી ખાતે કર્નલ બૈંસલાના નામે કોલેજ ખોલવાની જાહેરાત કરી હતી. સમર્થકોએ તેમને ભાષણ કરવા દીધા નહોતા. પાયલોટ જિંદાબાદના નારા લગાવ્યા હતા. તેમ છતાં રાવતે ભાષણ આપ્યું હતું.

ત્યાર બાદ રમત-ગમતમંત્રી અશોક ચાંદના ભાષણ આપવા આવ્યા, ત્યારે સમર્થકોએ જૂતા અને અન્ય સામાન ફેંકીને હોબાળો કર્યો હતો. તેઓ ફરીથી પાયલોટ જિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. પોલીસ અને અન્ય લોકોએ સમર્થકોને શાંત પાડ્યા હતા. અશોક ચાંદનાએ વચ્ચેથી જ ભાષણ છોડી દેવું પડ્યું હતુ. ત્યાર બાદ તેમણે સતત ટ્વીટ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

જે થયું એ એક ખૂણામાં બેઠેલા કેટલાક લોકોએ કર્યું - વિજય બૈંસલા
હંગામો અને જૂતાં ફેંકવાના મામલે ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના પ્રદેશ અધ્યક્ષ વિજય બૈંસલાએ કહ્યું હતું કે આ એક દુર્ઘટના છે. જે થયું એ એક ખૂણામાં બેઠેલા કેટલાક લોકોએ કર્યું હતું, જેમણે જૂતાં ફેંક્યા હતા, તેમનાં બે-ચાર જૂતાં અમારી પાસે છે, આવીને લઈ જાઓ. સચિન પાયલોટ મામલે નારાજગી હતી કે તેઓ ન આવી શક્યા, તેઓ વ્યસ્ત હોવા જોઈએ. લોકો સમજી શક્યા નહીં.

કાર્યક્રમમાં બંને પક્ષના લોકો હાજર હતા. કોઈ વિવાદ નથી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ સમારોહમાં પહોંચી શક્યા નથી. સતીશ પુનિયા પણ સ્ટેજ પર પહોંચ્યા ત્યારે સચિન પાયલોટ જિંદાબાદના નારા લાગ્યા હતા. આ દરમિયાન કર્નલ બૈંસલા જિંદાબાદના નારા પણ લાગતા રહ્યા. પાયલોટ સમર્થકો સૂત્રોચ્ચાર કરતા મંચ તરફ આગળ વધ્યા ત્યારે હોબાળો શરૂ થયો હતો.

કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના નેતાઓ પહોંચ્યા હતા
ગુર્જર આરક્ષણ આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર કર્નલ કિરોડી સિંહ બૈંસલાની અસ્થિઓનું પુષ્કરના 52 ઘાટ પર સોમવારે સાંજે ચાર વાગ્યે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગુર્જર ભવનમાં સ્થાપિત કર્નલ બૈંસલાની પ્રતિમાનું સોમવારે સૌપ્રથમ અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સવારે 10 વાગ્યાથી પુષ્કરના મેળા ગ્રાઉન્ડ ખાતે MBC સમાજ (ગુર્જર, રબારી, રાયકા, દેવાસી, ગડરિયા, બંજારા, ગાડરી, ગાયરી, ગાડોલિયા લુહાર) સભા યોજાઈ હતી.

ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના પ્રદેશ પ્રમુખ વિજય બૈંસલા અને અન્યોએ સભા સ્થળની વ્યવસ્થા સંભાળી હતી. સભા સ્થળે ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. કર્નલ બૈંસલાને શ્રદ્ધાંજલિ આપવા ભાજપની સાથે કોંગ્રેસના નેતાઓ અને મંત્રીઓ પણ પહોંચ્યા હતા.

હોબાળો કરી રહેલા પાયલોટના સમર્થકો
કોંગ્રેસ-અધ્યક્ષની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદથી જ પાયલોટ સમર્થક ધારાસભ્યો અને કાર્યકરો જાહેર મંચ પર વિરોધી જૂથ સામે સતત નિવેદનબાજી કરી રહ્યા છે. જયપુરમાં સચિનના જન્મ દિવસ પર યોજાયેલા શક્તિપ્રદર્શનમાં પણ 20થી વધુ મંત્રી- ધારાસભ્યો પહોંચ્યા હતા. તેમાં અનેક ધારાસભ્યો તેમને સીએમ બનાવવાની માગ કરી રહ્યા હતા.

બન્ને જૂથ વચ્ચે 15-20 દિવસથી ચાલી રહેલી કડવાશ સોમવારે સાંજે અજમેરના પુષ્કર મેળામાં જોવા મળી હતી. પાયલોટના સમર્થકોએ મહિલા બાળ વિકાસમંત્રી મમતા ભૂપેશની સામે પાયલોટ સમર્થકોએ નારા લગાવ્યા હતા. જોકે થોડા દિવસો પહેલાં પાયલોટે તમામ નેતાઓને માન આપવાની શિખામણ આપતાં આગળ પણ કોઈ હોબાળો ન કરવા કહ્યું હતું.

એક ખાસ વાત એ છે કે કોંગ્રેસ-અધ્યક્ષના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત બાદથી પાયલોટે મૌન સેવ્યું છે. જ્યારે ગેહલોતને છેલ્લા એક મહિનામાં અલગ-અલગ પ્રસંગોએ જ્યારે તેમને અધ્યક્ષ બનવા અંગે પૂછવામાં આવ્યું તો ના પાડતાં તેમના સંકેત જોવા મળ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post