• Home
  • News
  • સોનું રૂ. 49000ની રેકોર્ડ સપાટી ક્રોસ, ચાંદી રૂ. 50000 નજીક
post

નબળા ગ્રોથ, ચીન-US વચ્ચે કોલ્ડવોરથી મજબૂતી, સોનામાં ચાલુ વર્ષ 2020માં 23 ટકા સુધી રિટર્ન

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-19 12:11:58

અમદાવાદ: અમદાવાદ ખાતે સોનું આજે વધુ 500-750 ઉછળી રેકોર્ડ 49000ની સપાટી કુદાવી 49200 ક્વોટ થઇ રહ્યું છે. જ્યારે ચાંદી 50000ની નજીક પહોંચી છે. લોકડાઉનના કારણે માર્કેટ સત્તાવાર બંધ હોવા છતાં સોના-ચાંદીમાં ખાનગીમાં તોફાની તેજી રહી છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1775 ડોલરની આઠ વર્ષની ટોચે પહોંચતા અને ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો પડી 76ની નજીક સરકતા તેના કારણે પણ સ્થાનિક બજારમાં તેજી જોવા મળી હતી.


આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અત્યારસુધી સોનામાં 19.30 ટકા તેજી
કોરોના સંકટ હેઠળ જોખમ અને અનિશ્ચિતતાઓ  વધતાં તેમજ રોકાણના અન્ય માધ્યમોમાં રિટર્ન ઘટવાથી હેજફંડ્સ, ગોલ્ડ ઇટીએફ, એસપીડીઆર ગોલ્ડ ફંડમાં રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે જેના કારણે ઝડપી તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અત્યારસુધી સોનામાં 19.30 ટકા તેજી જોવા મળી છે. 31 ડિસેમ્બરે સોનુ 1460 ડોલર હતું. જે વધીને અત્યારે 1775 ડોલર આસપાસ ક્વોટ થઇ રહ્યું છે જેના કારણે સરેરાશ 22 ટકાથી વધુની તેજી આવી છે. સ્થાનિક માર્કેટમાં સોનાએ આ વર્ષે અત્યાર સુધી 23 ટકા રિટર્ન આપ્યુ છે. લોકડાઉન પૂર્વે 18 માર્ચે અમદાવાદ ખાતે સોનું 42500 અને ચાંદી રૂ.36000 આસપાસ ક્વોટ થતી હતી આમ સોનામાં સરેરાશ રૂ.6000 અને ચાંદીમાં 12000થી વધુનો ઉછાળો આવ્યો છે. 


કેન્દ્રીય બેન્કોએ 2024 સુધી વાસ્તિવક વ્યાજ શૂન્ય આસપાસ જાળવી રાખવુ પડશે
કોરોનાના કારણે પ્રથમ છમાસમાં ગ્લોબલ ઈકોનોમીમાં રિકવરીનો દોર નબળો રહેશે. પરંતુ બીજા છ માસમાં ઝડપી સુધારો જોવા મળશે. કેન્દ્રીય બેન્કોએ 2024 સુધી વાસ્તિવક વ્યાજ શૂન્ય આસપાસ જાળવી રાખવુ પડશે. એવામાં સોનામાં રોકાણ પર આ વર્ષે 40 ટકા સુધી રિટર્ન મળી શકે છે. 2020થી 2022 દરમિયાન રિટર્ન ઘટશે. બાદમાં પોઝિટીવ થશે. ત્યારબાદ આગામી બે વર્ષમાં રિટર્ન નેગેટીવ થઈ શકે છે. જોકે અત્યારે બજાર તેજી તરફી છે જેને બ્રેક લાગી શકે છે. એમસીએક્સ ખાતે સોનું ઝડપી ઉંચકાઇ ઓગસ્ટ વાયદો રૂ.48190 તથા ચાંદી સપ્ટેમ્બર વાયદો રૂ.49048 બોલાઇ રહ્યો છે.


ચાંદી 19, સોનું 1800 ડોલર કુદાવી શકે
સોનાની તુલનાએ ચાંદીમાં છેલ્લા બે સપ્તાહથી ઝડપી રિકવરી જોવા મળી છે. ચાંદી 17.80 ડોલર ઉપર બંધ આવતા આગળ જતા 18-18.70 અને ત્યાર બાદ 19 ડોલરની સપાટી સુધી પહોંચી શકે છે. જ્યારે સોનું 1820 ડોલરનું ધ્યાન છે. હેજફંડ્સ, ઇટીએફ તથા એસપીડીઆરમાં હોલ્ડિંગ પેટર્ન કેવી રહે છે તેના પર તેજીનો મુખ્ય આધાર રહેલો છે.- સૌમીલ ગાંધી, કુંવરજી કોમોડિટીઝ.


સોનું ઝડપી 50000, ચાંદી 52000 થઇ શકે.
આંતરરાષ્ટ્રીય સોનું 1800 ડોલરની સપાટી કુદાવતા અને ડોલર સામે રૂપિયો વધુ નબળો પડી 76.50-77.00 સુધી પહોંચે તો સોનું ઝડપી 50000 અને ચાંદી રૂ,52000ની સપાટી કુદાવે તેવા સંકેતો છે. લોકડાઉનના કારણે હાજરમાં વેપારો સાવ ઠપ છે. લોકડાઉન દૂર થયા બાદ પણ સ્થાનિકમાં ઉંચા ભાવના કારણે ખરીદી ઝડપી ખુલે તેવા સંકેતો નથી.- અશોક ચોક્સી, બીડી જ્વેલર્સ

adv

Related News

post
post
post
post
post
post
post