• Home
  • News
  • અમેરિકામાં ભણતા 7 લાખ ભારતીય વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, સરકારે તેમની સુરક્ષા માટે બનાવી ખાસ ટાસ્ક ફોર્સ
post

અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ પર સતત હુમલાની ઘટનામાં વધારો થઈ રહ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-10 10:03:52

વોશિંગ્ટન: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પહેલી વાર દૂતાવાસે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. શંકાસ્પદ મૃત્યુના વધી રહેલા બનાવો વચ્ચે વૉશિંગ્ટન સ્થિત દૂતાવાસે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી છે. સાથે જ અમેરિકામાં રહેતા લગભગ 7 લાખ ભારતીય વિદ્યાર્થી માટે સેફ્ટી ગાઇડલાઇન પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. દૂતાવાસની માર્ગદર્શિકા પ્રમાણે ભારતીય વિદ્યાર્થીઓ મોડી રાત્રે શંકાસ્પદ સ્થળે જવાનું ટાળે અને શક્ય હોય ત્યાં સુધી ગ્રૂપમાં આવ-જા કરે. કોઈ પણ મુશ્કેલીમાં વિદ્યાર્થી દૂતાવાસ અને કોન્સ્યુલેટના હૅલ્પલાઇન નંબર પર કૉલ કરી શકે છે. કોઈ પણ ઇમરજન્સી ટાણે વિદ્યાર્થીઓને ટ્રેક કરી શકાય તે માટે વિદ્યાર્થીઓને દૂતાવાસની વેબસાઇટ પર રજિસ્ટર કરવાનો નિર્દેશ પણ આપી દેવાયો છે.


વિદ્યાર્થી પરના હુમલા સહન નહીં થાય : અમેરિકા
વ્હાઇટ હાઉસના પ્રવક્તા જૉન કિરબીએ કહ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓનાં શંકાસ્પદ મૃત્યુ અને વધતા જતા હુમલા સહન કરવામાં નહીં આવે. ભારતીય દૂતાવાસ વતીથી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે લેવાયેલાં પગલાં અમેરિકા સરકાર વતી સહકાર આપવામાં આવશે. તપાસમાં પણ ઝડપ રાખવાનો નિર્દેશ અપાયો છે.


વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ, વર્ષની 11મી ઘટના
અમેરિકાના ક્લિવલૅન્ડમાં ભારતીય વિદ્યાર્થી મોહમ્મદ અબ્દુલ (25)નો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો. હૈદરાબાદનો અબ્દુલ ક્લિવલૅન્ડ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો. 5 માર્ચથી ગુમ થયેલા અબ્દુલના ભારત રહેતા પરિવારને કૉલ કરીને 1200 ડૉલરની ખંડણી પણ માગવામાં આવી હતી. અઠવાડિયામાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીના મૃત્યુનો આ બીજો અને આ વર્ષનો 11મો કિસ્સો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post