• Home
  • News
  • ઐતિહાસિક ચુકાદાના પ્રણેતા:સંત કેશવાનંદ ભારતીનું નિધન: 47 વર્ષ અગાઉ તેમની અરજીના પગલે 13 જજની બેન્ચે સંસદ અને ન્યાયતંત્ર વચ્ચે સંતુલન સાધ્યું
post

કેશવાનંદે 1,200 વર્ષ જૂના ઇડનીર મઠની સંપત્તિને સંપાદનથી બચાવવા 29મા બંધારણીય સુધારાને પડકાર્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 09:43:41

કેરળના શંકરાચાર્યમનાતા સંત કેશવાનંદ ભારતી (79)નું રવિવારે નિધન થયું. તેઓ કાસરગોડના ઇડનીર મઠના વડા હતા. તેમને બંધારણ બચાવનારા શખસ તરીકે યાદ કરાય છે, કેમ કે 47 વર્ષ પૂર્વે તેમણે મઠની સંપત્તિ મામલે કેરળ સરકાર વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં ઐતિહાસિક લડત આપી હતી. તેમણે જમીન સુધારા કાયદાને અને બંધારણમાં 29મા સુધારાને પડકાર્યો હતો. સુપ્રીમકોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ એસ. એમ. સિકરીના વડપણ હેઠળની 13 જજની બેન્ચે 68 દિવસ લાંબી સુનાવણી બાદ બંધારણના મૂળભૂત અધિકાર મામલે તેમની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જજોનો મત વિભાજિત હતો પણ 13 જજની બેન્ચમાંથી 7 જજે બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે બંધારણમાં સુધારા કરવાની સંસદની તાકાત છે પણ બંધારણની પ્રસ્તાવનાનું મૂળ માળખું ન બદલી શકાય અને કોઇ પણ સુધારો પ્રસ્તાવનાની ભાવનાની વિરુદ્ધ ન હોઇ શકે. કેશવાનંદ ભારતી વિ. કેરળ સ્ટેટ કેસની સુનાવણી 1972ની 31 ઓક્ટોબરે શરૂ થઇ અને 1973ની 23 માર્ચે પૂરી થઇ. ભારતીય બંધારણીય કાયદામાં આ કેસની સૌથી વધુ ચર્ચા થાય છે.

3 વર્ષે ચુકાદો આવ્યો ત્યાં સુધી પોતાના વકીલ નાની પાલખીવાલાને પણ નહોતા મળ્યા
સ્વામી કેશવાનંદ ભારતી આ કેસના કારણે દેશભરમાં લોકપ્રિય થયા. તેમના વકીલ નાની પાલખીવાલાને તેઓ ચુકાદો ન આવ્યો ત્યાં સુધી એટલે કે 3 વર્ષ સુધી ન મળ્યા. અખબારોમાં ચમકવાનો અર્થ તેઓ સમજી શકતા નહોતા. તેઓ એમ માનતા કે આ તો માત્ર સંપત્તિના વિવાદનો કેસ છે. તેમને ખબર જ નહોતી કે આ એક બંધારણીય મામલો છે, જેની સામે ભારતીય લોકશાહી 2 દાયકાથી ઝઝૂમી રહી હતી.

આ કેસે સંસદની બંધારણમાં સુધારો કરવાની શક્તિને મર્યાદિત કરી
કેરળનો સુપ્રસિદ્ધ ઇડનીર શૈવ મઠ 1,200 વર્ષ પ્રાચીન છે. તેને આદિ શંકરાચાર્યની પીઠ પણ કહે છે. ગુરુના નિધન બાદ કેશવાનંદ માત્ર 20 વર્ષની ઉંમરે તેના વડા બન્યા હતા. અધ્યાત્મ ઉપરાંત નૃત્ય, કળા, સંગીત અને સમાજસેવામાં પણ આ મઠનું ઘણું યોગદાન છે. ભારતની નૃત્ય પરંપરાને પ્રોત્સાહન આપવા કાસરગોડ અને તેની આસપાસના વિસ્તારોમાં દાયકાઓથી ઇડનીર મઠની ઘણી સ્કૂલ-કોલેજ ચાલે છે.

સરકારે મઠની જમીન કબ્જે કરી તો સ્વામીએ નિર્ણય કોર્ટમાં પડકાર્યો
મઠ વર્ષોથી ઘણા પ્રકારના વ્યવસાયોનું પણ સંચાલન કરે છે. 1970ના દાયકામાં કાસરગોડમાં આ મઠની હજારો એકર જમીન પણ હતી. આ એ જમાનો હતો કે જ્યારે ઇએમએસ નંબૂદરીપાદના નેતૃત્ત્વ હેઠળ કેરળની તત્કાલીન ડાબેરી સરકાર જમીન સુધારા માટે પ્રયાસરત હતી. સમાજમાં આર્થિક અસમાનતા ઘટાડવાના પ્રયાસોના ભાગરૂપે રાજ્ય સરકારે ઘણા કાયદા ઘડીને જમીનદારો તથા મઠોની હજારો એકર જમીન સંપાદિત કરી લીધી. ઇડનીર મઠની સંપત્તિ પણ ઝપટમાં આવી. મઠની સેંકડો એકર જમીન સરકારની થઇ ચૂકી હતી. એવામાં મઠના યુવા વડા સ્વામી કેશવાનંદે સરકારના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો. કેરળના અને કેન્દ્ર સરકારના જમીન સુધારા કાયદાઓને પણ પડકાર્યા.

માત્ર 1 મતના તફાવતથી કેસ જીત્યા
કેરળ હાઇકોર્ટમાં સફળતા ન મળી તો બંધારણીય બાબતોના નિષ્ણાત વકીલ નાની પાલખીવાલા સાથે સલાહ-મસલત કરીને સુપ્રીમકોર્ટના દ્વાર ખટખટાવ્યા. ત્યાં સવાલ ઊઠ્યો કે શું દેશની સંસદને બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકારો સહિત અન્ય કોઇ પણ ભાગમાં અમર્યાદિત સુધારાનો અધિકાર છે? અગાઉના ગોલકનાથ કેસમાં બનેલી 11 જજની બંધારણ બેન્ચથી પણ મોટી બેન્ચ બનાવવાનું નક્કી થયું. 68 દિવસ લાંબી સુનાવણી બાદ 703 પેજના ચુકાદામાં માત્ર 1 વોટના તફાવતથી સુપ્રીમકોર્ટે સ્વામી કેશવાનંદની તરફેણમાં ચુકાદો આપ્યો. આ કેસના કારણે એક મહત્ત્વપૂર્ણ બંધારણીય સિદ્ધાંત આવ્યો, જેણે સંસદની સુધારા કરવાની શક્તિ મર્યાદિત કરી દીધી.

PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંત કેશવાનંદ ભારતીના અવસાન અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું છે કે તેઓ આવનારી પેઢીને પ્રેરણા આપતા રહેશે. ભારતીની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેમનો ઐતિહાસિક ચુકાદો આપતા બંધારણના મૂળ માળખાનો સિદ્ધાંત આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ટ્વિટ કરી કહ્યું કે પૂજ્ય કેશવાનંદ ભારતી જીને આપણે તેમની સામુદાયિક સેવા તથા શોષિતોને સશક્ત કરવાના તેમના પ્રયાસો માટે હંમેશા યાદ રાખવામાં આવશે. આપણા મહાન બંધારણ અને ભારતની સમૃદ્ધ સંસ્કૃત્તિ સાથે તેમનો ઉંડો લગાવ હતો. તેઓ આવનારી પેઢીને પ્રેરણા આપતા રહેશે. ગૃહ પ્રધાન અમિત શાહે પણ કેશવાનંદ ભારતીના અવસાન બદલ દુખ વ્યક્ત કર્યું હતું.

ચુકાદો કે જેને બદલી નાખ્યુ રાજનીતિનું સ્વરૂપ
23 માર્ચ 1973ના રોજ સુપ્રીમ કોર્ટે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સંસદ પાસે બંધારણમાં સંપૂર્ણપણે ફેરફાર કરવાની અમર્યાદિત સત્તા અંગે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. તે સમયના મુખ્ય ન્યાયમૂર્તિ એસએમ સીકરી તથા ન્યાયમૂર્તિ એચઆર ખન્નાના વડપણ હેઠળ 13 ન્યાયમૂર્તિની ખંડપીઠે 7:6 થી આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદ પાસે બંધારણની કલમ 368 હેઠળ સુધારા કરવાની સત્તા તો છે પણ બંધારણની મૂળ ભાવના સાથે છેડછાડ કરી શકે નહીં. કોર્ટે કહ્યું હતું કે બંધારણના દરેક ભાગમાં સુધાર-ફેરફાર કરી શકાય છે, પણ તેની ન્યાયિક તપાસ થશે જેથી એ નક્કી થઈ શકે કે બંધારણનો આધાર અને માખળુ યથાવત છે.

adv

Related News

post
post
post
post
post
post
post