• Home
  • News
  • ઈરાનમાં મહિલાઓ દ્વારા હિજાબનો વિરોધ:રાજધાની તેહરાન સહિત અનેક શહેરોમાં દેખાવો; પોલીસ ગોળીબારમાં 5ના મોત, 250ની ધરપકડ
post

માત્ર કુર્દિસ્તાનમાં જ નહીં પરંતુ રાજધાની તેહરાન અને દેશના અનેક શહેરોમાં ખામનેઈ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-20 19:10:08

ઈરાનમાં હિજાબ મામલે વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલીસે કરેલા ગોળીબારમાં 5 લોકોના મોત થયા છે. તેમજ 80થી વધુ ઘાયલ થયા છે. આ પ્રદર્શનો દેશના પશ્ચિમ ભાગમાં શરૂ થયા હતા. આ વિસ્તારને કુર્દીસ્તાન કહેવામાં આવે છે. અહીંના લોકો ઘણા વર્ષોથી અલગ દેશની માંગ પણ કરી રહ્યા છે.

પોલીસે 22 વર્ષીય મહસા અમીનીને માથું ન ઢાંકવાના આરોપમાં કસ્ટડીમાં લીધી હતી. મહસા મુળ કુર્દિશ હતા. પોલીસ કસ્ટડીમાં તે કોમામાં સરી પડી હતી અને 16 સપ્ટેમ્બરે તેનું મોત થયું હતું. આ પછી મહિલાઓનો ગુસ્સો ભડકી ઉઠ્યો હતો. કુર્દીસ્તાનના શહેરો પછી રાજધાની તેહરાનમાં પણ દેખાવો થયા છે. મહિલાઓ માંગ કરી રહી છે કે હિજાબને ફરજિયાતને બદલે વૈકલ્પિક કરવામાં આવે.

સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લાહ ખામનેઈની વિરુદ્ધ સૂત્રોચ્ચાર

અયાતુલ્લાહ ખામનેઈ ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા છે. દેશમાં લોકશાહી પ્રણાલી હોવા છતાં તમામ મહત્વના નિર્ણયો તેઓ જ લે છે. પ્રદર્શનકારીઓ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે. આ પછી પોલીસે ગોળીબાર કર્યો હતો.

માત્ર કુર્દિસ્તાનમાં જ નહીં પરંતુ રાજધાની તેહરાન અને દેશના અનેક શહેરોમાં ખામનેઈ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા છે. સ્ત્રીઓ સાથે પુરૂષો પણ મોટી સંખ્યામાં વિરોધ કરતા જોવા મળે છે.

કુર્દિશ વસ્તીવાળા વિસ્તારોમાં સુરક્ષાદળો સાથે અથડામણ
ઈરાનમાં વિદેશી મીડિયા પર પ્રતિબંધ છે. અહીં લોકો સુધી પહોંચવું પણ સરળ નથી. આમ છતાં કુર્દીસ્તાનમાં પોલીસની સખ્તાઈના સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાની કુર્દીસ્તાનના મહાબાદ, દિવાન્દ્રે, સાકેજ, બુકાન સહિત અનેક શહેરોમાં સોમવારે મોડી સાંજે પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. કુર્દિશ બહુમતી ધરાવતા શહેરોમાં બજારો પણ બંધ રહ્યા છે.

માહસા શહેરમાં પ્રદર્શનકારીઓ પર પોલીસે ગોળીબાર કર્યો
માહસા અમીનીના સાકેજ શહેરમાં પણ પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું હતું. માહસાના અંતિમ સંસ્કાર બાદમાં પ્રદર્શનકારીઓ ગવર્નર હાઉસની બહાર એકઠા થયા હતા. અહીં પોલીસે ગોળીબાર કર્યો હતો. કુર્દોના અધિકારો માટે કામ કરતી સંસ્થા હેંગાવના જણાવ્યા અનુસાર ગોળીબારમાં બે લોકો માર્યા ગયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં 2 છોકરાઓ અને ત્રણ મહિલાઓ છે. કિયાન દેરકશા નામના યુવકને માથામાં ગોળી વાગી છે.

પ્રદર્શનને કચડી નાંખવા માટે 250 થી વધુની ધરપકડ
કુર્દિશ વસ્તીવાળા શહેરોમાં પોલીસે સોમવારે 250 થી વધુ લોકોની ધરપકડ કરી હતી. સુરક્ષા દળો પ્રદર્શનકારીઓ સામે ઓપરેશન ચલાવી રહ્યા છે. ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ પણ આ ઓપરેશનમાં સામેલ છે.

એક કુર્દિશ કાર્યકર્તા, જેણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સુરક્ષા દળો કુર્દો માટે કામ કરતા લોકોને નિશાન બનાવી રહ્યા છે. આમ છતાં જ્યાં સુધી માહસાને ન્યાય નહીં મળે ત્યાં સુધી દેખાવો ચાલુ રહેશે.

પોલીસે કહ્યું- કોઈનું મોત થયું નથી, મોરલ પોલીસના ચીફ સસ્પેન્ડ
ઈરાની પોલીસે ગોળીબારમાં દેખાવકારોના મોતના અહેવાલોને ફગાવી દીધા છે. સરકારી મીડિયા અહેવાલ મુજબ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, પરંતુ પ્રદર્શનકારીઓમાંથી કોઈએ જીવ ગુમાવ્યો નથી. આ દરમિયાન, ઈરાનની પોલીસના વડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસે માહસાને ત્રાસ આપવાના આરોપોને પણ એમ કહીને ફગાવી દીધા છે, કે તેનું મૃત્યુ બીમારીને કારણે થયું છે.

વિશ્વભરમાં પ્રદર્શન, એલોન મસ્કે ઇન્ટરનેટ બંધ થયા પછી તેમની સેવા ઓફર કરી

વિરોધ પ્રદર્શનને કારણે કુર્દિશ વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આના પર ઈલોન મસ્કે કહ્યું છે કે ઈરાનમાં તેમની કંપની સ્ટારલિંકના સેટેલાઈટ કામ કરી રહ્યા છે. તેનાથી ઇન્ટરનેટ એક્સેસ કરી શકાય છે.

માહસા અમીનીના મૃત્યુ બાદ અમેરિકાના વોશિંગ્ટન, કેનેડાના ટોરન્ટો, ફ્રાન્સના પેરિસમાં પણ મહિલાઓએ રેલીઓ યોજી હતી. સમગ્ર વિશ્વમાં વસતા ઈરાની મૂળના લોકો આ પ્રદર્શનોમાં ભાગ લઈ રહ્યા છે. મહિલાઓ તેમના વાળ કાપીને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી રહી છે. તે પોતાની જાતને પણ ધરપકડ કરવા માટે પડકાર ફેંકી રહી છે.

વિશ્વભરમાં ધાર્મિક કાયદાની ટીકા
શિયા બહુમતી ધરાવતું ઈરાન કડક ધાર્મિક કાયદાઓ ધરાવતું ઈસ્લામિક રાષ્ટ્ર છે. આ અંતર્ગત મહિલાઓ પર ઘણા નિયંત્રણો છે. 1979ની ઈસ્લામિક ક્રાંતિ પહેલા ઈરાની મહિલાઓ તદ્દન સ્વતંત્ર હતી. તેઓને મોટે ભાગે સમાન હક મળતા હતા.

સાઉદી અરેબિયાની જેમ ઈરાનમાં પણ મોરાલિટી પોલીસ છે. તે જાહેર સ્થળોએ લોકોના વર્તન પર નજર રાખે છે અને ઈસ્લામ વિરુદ્ધના વર્તન માટે લોકોને સજા કરે છે. માહસાના મૃત્યુ બાદ માત્ર ઈરાન જ નહીં પરંતુ વિશ્વભરના ઈરાનના ધાર્મિક કાયદાઓની ટીકા થઈ રહી છે.

કુર્દિસ્તાનમાં કુર્દિશ વસ્તી બહુમતી, ઈરાનમાં લઘુમતી
કુર્દ એક મુસ્લિમ સમુદાય છે. તેની પોતાની અલગ સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખ છે. કુર્દિશ મૂળના લોકો સામાન્ય મુસ્લિમો કરતાં વધુ ખુલ્લા વિચારો ધરાવતા હોય છે. કુર્દિશ મહિલાઓ પણ સરકારી દમન સામે હથિયારો ઉઠાવી રહી છે.

કુર્દીસ્તાન દેશના ત્રણ પ્રાંતનો ભાગ છે - કુર્દીસ્તાન, કેરમનશાહ અને પશ્ચિમ અઝરબૈજાન પ્રાંત. તેની સરહદો તુર્કી અને ઇરાકના કેટલાક ભાગો સાથે જોડાયેલી છે. ઈરાનમાં બીજા વિશ્વ યુદ્ધ પછી 1946માં કુર્દિશ રિપબ્લિક ઓફ મહાબાદની રચના પણ થઈ હતી. તે માત્ર એક વર્ષ માટે અસ્તિત્વમાં રહ્યું છે અને કુર્દિશ વસ્તી પોતાના માટે એક અલગ રાષ્ટ્ર બનાવી શકી નહોતી.

વિશ્વમાં કુર્દોની વસ્તી લગભગ અઢી કરોડ છે
ઈરાનમાં કુર્દ પોતાની અલગ ઓળખ માટે લડી રહ્યા છે. તેઓ 1979ની ક્રાંતિ દરમિયાન રાજાશાહી સામે સંઘર્ષ કર્યો, પરંતુ દેશ ઇસ્લામિક રાષ્ટ્ર બન્યા પછી, તેમના માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ.

કુર્દીસ્તાનમાં કુર્દ લોકોની બહુમતી છે, પરંતુ ઈરાનમાં લઘુમતી છે. ઈરાની અને અઝેરી વંશના લોકો તે પછી ત્રીજા નંબરની સૌથી મોટી વસ્તી છે. દેશમાં તેમની વસ્તી 80 લાખથી એક કરોડની વચ્ચે છે.

સીરિયા, ઈરાન, ઈરાક અને તુર્કીમાં કુર્દની વસ્તી લગભગ અઢી કરોડ છે. તે લાંબા સમયથી પોતાના માટે એક અલગ રાષ્ટ્ર છે. માંગ કરી રહ્યા છે. ઈરાન ઉપરાંત તુર્કી અને ઈરાકમાં પણ કુર્દોનો સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post