• Home
  • News
  • હોમ મિનિસ્ટ્રીએ RGF અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ માટે કમિટિ બનાવી, ED ડાયરેક્ટર નેતૃત્વ કરશે
post

રાજીવ ગાંધી ટ્રસ્ટ પર થોડા દિવસ પહેલા ભાજપે ચીન પાસેથી દાન લેવાનો આરોપ લગાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-09 10:55:03

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસના આદેશ આપ્યા છે. હોમ મિનિસ્ટ્રીએ તેના માટે એક ઈન્ટર મિનિસ્ટ્રિયલ કમિટિ પણ બનાવી છે. જે કોઓર્ડિનેશન કરશે. તપાસનું નેતૃત્વ EDના એક સ્પેશ્યલ ડિરેક્ટર કરશે. આ વખતે ગાંધી પરિવાર સાથે જોડાયેલા આ બન્ને ટ્રસ્ટે નિયમોનું ઉલ્લંઘન તો નથી કર્યુંને તેની તપાસ કરાશે.   થોડા દિવસ પહેલા ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીની દૂતાવાસ  તરફથી દાન મળ્યું હતું.

ત્રણ ટ્રસ્ટોની તપાસ થશે
રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, કુલ ત્રણ ટ્રસ્ટોની તપાસ કરાવવામાં આવશે. જેમાં રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ સામેલ હશે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અને ઈનકમ ટેક્સના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

EDના  સ્પેશ્યલ ડાયરેક્ટર નેતૃત્વ કરશે
મળતી માહિતી પ્રમાણે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરના એક સ્પેશ્યલ ડાયરેક્ટર આ તપાસ ટીમનું નેતૃત્વ કરશે. થોડા દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસેથી ફાળો મળ્યો હતો. કોંગ્રેસે આ આરોપોને ફગાવતા કહ્યું હતું કે, ભાજપ ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે આ પ્રકારના આરોપ લગાવી રહ્યો છે.

મોદી દરેકને ન ડરાવી શકે : રાહુલ ગાંધી
શ્રી મોદી આખી દુનિયાને તેમના જેવા સમજે છે, તે સમજે છે કે દરેકને ખરીદી શકાય છે કાં ડરાવી શકાય છે. તે એ ક્યારેય નહીં સમજી શકે કે જે સત્ય માટે લડે છે તેમને ન તો ખરીદી શકાય છે અને ન તો ડરાવી શકાય છે. 

સપ્તાહ અગાઉ નડ્ડાએ કહ્યું હતું
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું- દેશ જાણવા ઈચ્છે છે કે ચીનથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૈસા કેમ મળ્યા? આ શરમજનક છે. વિદેશી તાકાતોથી પોતાના ખાનગી ટ્રસ્ટ માટે ડોનેશન લઈને દેશનાં હિતોનું બલિદાન કરાયું. 

RGFએ ચીન પાસે પૈસા લીધા છે
ભાજપ મહાસચિવ પી. મુરલીધર રાવે કહ્યુ- ભાજપ સરકાર સંપૂર્ણ પારદર્શકતા અપનાવી રહી છે, આરજીએફએ ચીન પાસેથી પૈસા લીધા છે. તાજેતરમાં તેનો ખુલાસો થયો છે. તેની તપાસ સ્વાભાવિક છે. વિપક્ષે તપાસમાં સહયોગ કરવો જોઇએ. જો આ રાજકીય બદલાની કાર્યવાહી હોત તો સરકારે છ વર્ષની રાહ ન જોવી પડત. 

કોંગ્રેસ અને તેનું નેતૃત્ત્વ ડરવાના નથી
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, મોદી સરકાર સોનિયા ગાંધી અને કોંગ્રેસને નિશાન બનાવી રહી છે પણ હું જણાવી દેવા માગું છું કે તેનાથી કોંગ્રેસ અને કોંગ્રેસનું નેતૃત્વ ડરવાના નથી. સરકારની લોકોવિરોધી નીતિઓ વિરુદ્ધ કોંગ્રેસ હંમેશા લડતી રહેશે. 

રાજીવ ગાંધી ફાઉન્ડેશન શું છે?
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના લક્ષ્યોને આગળ વધારવા માટે 21 જૂન 1991ના રોજ સોનિયા ગાંધીએ તેની શરૂઆત કરી હતી. ફાઉન્ડેશન એજ્યુકેશન, સાયન્સ એન્ડ ટેક્નોલોજીને પ્રોત્સાહિત કરવા શોષિત અને દિવ્યાંગોના એમ્પાવરમેન્ટ માટે કામ કરતું હતું. જેનું કામકાજ દાનથી મળતી રકમથી ચાલતું હતું. સોનિયા ગાંધી તેના ચેરપર્સન છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને પી.ચિદમ્બરમ ટ્રસ્ટી છે.

હાલ ચર્ચામાં શા માટે?
ચીન મુદ્દે કોંગ્રેસે વડાપ્રધાન મોદીના નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા. જવાબમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજીવ ગાંધી ફાઉન્ડેશન અને ચીનની લિંક જણાવી હતી. નડ્ડાએ ગુરુવારે કહ્યું હતું કે, 2005-06માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસેથી 3 લાખ ડોલર(ત્યારે 90 લાખ રૂપિયા) મળ્યા હતા. નડ્ડાએ આજે કહ્યું કે,UPA વખતે સરકારી ફંડના પૈસા પણ રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post