• Home
  • News
  • બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ પર સંકટ:બાઇડેને કહ્યું- જો ટ્રમ્પને હજી પણ કોરોના છે તો હું ડિબેટમાં ભાગ નહિ લઉં, રાષ્ટ્રપતિએ સંક્રમણ ન હોવાનો પુરાવો આપવો પડી શકે છે
post

ટ્રમ્પ અને બાઇડેનની વચ્ચે 15 ઓક્ટોબરે બીજી અને 22 ઓક્ટોબરે ત્રીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ થવાની છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-08 11:45:22

ડોનાલ્ડ ટ્રમ્પ ભલે કોવિડ-19થી સંક્રમિત થયા પછી ત્રણ દિવસ હોસ્પિટલમાં દાખલ થયા હોય અને વ્હાઈટ હાઉસ પરત ફર્યા હોય, પરંતુ તેમની મુશ્કેલી ઓછી થઈ નથી. 15 ઓક્ટોબરે થનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ પહેલાં ડેમોક્રેટ ઉમેદવાર બાઇડેને એના માટે નવી શરત મૂકી છે. બાઇડેને કહ્યું હતું કે તેઓ ડિબેટમાં તો જ ભાગ લેશે, જ્યારે એ નક્કી થઈ જશે કે ટ્રમ્પ સંક્રમણમાંથી બહાર આવી ગયા છે. બીજી તરફ, ટ્રમ્પના વધુ એક એડવાઇઝર સ્ટીફન મિલર પણ કોવિડ-19થી સંક્રમિત થયા છે.

બાઇડેને શું કહ્યું
15
ઓક્ટોબરે મિયામીમાં થનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ પહેલાં બાઇડેને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. મંગળવારે રાતે આ ડેમોક્રેટ ઉમેદવારે કહ્યું હતું- મને લાગે છે કે જો તેમને હજી પણ સંક્રમણ હોય તો પછી આપણે ડિબેટ ન કરવી જોઈએ. ખાસ વાત એ છે કે સોમવારે રાતે મેરીલેન્ડની વોલ્ટર રીડે મિલિટ્રી હોસ્પિટલમાંથી પરત ફર્યા પછી ટ્રમ્પના કેમ્પેન મેનેજરે સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રપતિ બીજી ડિબેટમાં ભાગ લેવા માટે તૈયાર છે. જોકે બાઈડેનની શરત પછી આ મામલો ફસાતો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પને પ્રૂફ આપવું પડી શકે છે કે તેઓ સંક્રમણથી મુક્ત છે.

ડોક્ટરોની સલાહ લેશે બાઇડેન
તેમણે થોડા દિવસો પહેલાં જ ટેસ્ટ કરાવ્યો હતો. એનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મંગળવારે રાતે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે મને આશા છે કે રાષ્ટ્રપતિ ખૂબ જ ઝડપથી સાજા થઈ જશે. જોકે મને લાગે છે કે જો હજી પણ તેમને સંક્રમણ છે તો પછી આપણે ડિબેટ ન કરવી જોઈએ. હું આ અંગે ક્લીવલેન્ડ ક્લિનિક અને ડોક્ટરો સાથે વાત કરવાનો છું. આ અંગે જે ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવી છે એને સખતાઈથી લાગુ કરવી જોઈએ. ઘણા લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને આ એક મોટી મુશ્કેલી છે. આ કારણે હું આ અંગે સલાહ લઈશ અને જે યોગ્ય લાગશે એ જ કરીશ.

એટલે કઈ જ નક્કી નથી
બાઇડેને ડિબેટ પર કરેલી ટિપ્પણીનો મતલબ એ પણ છે કે અહીં 15 અને 22 ઓક્ટોબર થનારી બીજી અને ત્રીજી ડિબેટમાં અડચણ આવી શકે છે. બાઈડેન આ અંગે કમિશન ઓફ પ્રેસિડેન્શિયલ ડિબેટ એટલે કે સીપીડી સાથે વાતચીત કરી શકે છે. કાયદાકીય રીતે પણ તેઓ આમ કરી શકે છે. ટ્રમ્પ ત્રણ દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને સોમવારે જ ડિસ્ચાર્જ થયા હતા. અમેરિકામાં સેન્ટર ફોર ડિઝીઝ કન્ટ્રોલની ગાઈડલાઈન્સ મુજબ, હલકા લક્ષણવાળા દર્દીઓને પણ 10 દિવસ સુધી દેખરેખ હેઠળ રહેવાનું હોય છે. જે સંક્રમિત ગંભીર સ્થિતિમાં અગાઉ હોય તેને 20 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.

આજે વાઇસ પ્રેસિડેન્શિયલ ડિબેટ
પ્રથમ અને એકમાત્ર વાઇસ પ્રેસિડેન્શિયલ ડિબેટ આજે સાલ્ટલેક સિટીમાં થશે. ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ એમાં હાજર રહેશે. બંનેની સામે પ્રોટેક્શન ગ્લાસીસ લગાવવામાં આવી શકે છે. બંને ઉમેદવારોની વચ્ચે 12 ફૂટનું અંતર હશે. આ અંતર અગાઉ 7 ફૂટ રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પેન્સે પહેલાં ગ્લાસીસ લગાવવાનો વિરોધ કર્યો હતો. પછીથી તેઓ એના માટે તૈયાર થઈ ગયા.

 

adv

Related News

post
post
post
post
post
post
post