• Home
  • News
  • 8 જુલાઇએ મહાકાલ પોલીસ સ્ટેશન-ચોકીના પ્રભારી બદલાયા અને 9 જુલાઇએ સવારે મંદિર પરિસરમાં મળ્યો ગેંગસ્ટર વિકાસ દુબે
post

8 પોલીસકર્મીની હત્યાના 6 દિવસ બાદ કાનપુરથી 1,387 કિ.મી. દૂર ઉજ્જૈનમાં ગાર્ડની મદદથી પકડાયો, કહ્યું- હું જ છું વિકાસ...

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 09:36:29

લખનઉ: કાનપુરમાં 8 પોલીસકર્મીની હત્યાનો આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે ગુરુવારે સવારે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પકડાયો. મંદિરના ગાર્ડ્સે તેને પકડીને પોલીસને જાણ કરી હતી. પોલીસમથકે લઇ જતી વખતે તેણે બૂમ પાડીને કહ્યું, ‘મૈં વિકાસ દુબે હૂં. કાનપુર વાલા.’ 6 દિવસથી ફરાર વિકાસને જબ્બે કરવા યુપી પોલીસની 40 ટીમ હરિયાણા અને દિલ્હીમાં છાપો મારવા ઉપરાંત નેપાળ બોર્ડર પર પણ ચાંપતી નજર રાખીને બેઠી હતી પણ આ તમામ ચોકસાઇને નર્યો ડોળ સાબિત કરતો હોય તેમ વિકાસ 2 દિવસ કાનપુરમાં જ છુપાયેલો રહ્યો હતો. પછી હરિયાણાના ફરીદાબાદમાં જોવા મળ્યો અને ત્યાર બાદ કાનપુરથી 1,387 કિ.મી. દૂર ઉજ્જૈન પહોંચીને નાટકીય ઢબે પકડાયો. 

સંયોગ એ પણ રહ્યો કે બુધવારે બપોરે ઉજ્જૈન મહાકાલ પોલીસ સ્ટેશનના પ્રભારી અને ચોકી પ્રભારીની બદલી કરાઈ હતી. રાત્રે કલેક્ટર આશિષ સિંહ અને એસપી મનોજસિંહ મહાકાલ મંદિર ગયા હતા. બંનેએ દાવો કર્યો કે એક મિટિંગ માટે તેઓ ગયા હતા. 3 જુલાઇએ કાનપુરના બિકરુ ગામે વિકાસ સાથે મળીને 8 પોલીસકર્મીની હત્યા કરનારાઓ પૈકી 5 આરોપી જુદા-જુદા એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. 5 લાખ રૂ.નો ઇનામી વિકાસ ગયા શુક્રવારથી ફરાર હતો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઉજ્જૈન પોલીસની પ્રશંસા કરતા ટિ્વટ કર્યું કે જેમને લાગે છે કે મહાકાલના શરણમાં જવાથી તેમનાં પાપ ધોવાઇ જશે તેમણે મહાકાલને ઓળખ્યા જ નથી. અમારી સરકાર એકેય ગુનેગારને બક્ષવાની નથી. તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાત કરી.

ફરીદાબાદથી પકડાયેલા કાર્તિકેય સહિત વિકાસના વધુ 2 સાથી ઠાર
યુપી પોલીસે બે અથડામણમાં વિકાસના વધુ 2 સાથીને ઠાર કર્યા છે. ફરીદાબાદથી પકડાયેલા કાર્તિકેયને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કાનપુર લઇ જવાતો હતો. પોલીસના કહેવા મુજબ, રસ્તામાં તેણે પોલીસની પિસ્તોલ આંચકીને ભાગવાનો પ્રયાસ કરતા અથડામણમાં માર્યો ગયો. વિકાસનો બીજો સાથી પ્રવીણ ઉર્ફે બઉઆ દુબે ઇટાવામાં અથડામણમાં માર્યો ગયો. 3 જુલાઇની ઘટના બાદ યુપી પોલીસ વિવિધ અથડામણોમાં વિકાસના 5 સાથીને મારી ચૂકી છે. અમર દુબે બુધવારે હમીરપુરમાં જ્યારે પ્રેમપ્રકાશ પાંડેય અને અતુલ દુબે 3 જુલાઇએ કાનપુરમાં જ માર્યા ગયા હતા.

કોંગ્રેસે કહ્યું- આ પ્રાયોજિત સરન્ડર, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા સામે સવાલ ઉઠાવ્યા
યુપીના મોસ્ટ વોન્ટેડ ડોનની ઉજ્જૈનમાં ધરપકડને કોંગ્રેસે પ્રાયોજિત સરન્ડર ગણાવી કહ્યું કે મ.પ્ર.ના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા યુપીની ચૂંટણીમાં કાનપુરના પ્રભારી હતા અને હાલ ઉજ્જૈનના પ્રભારી છે. કમલનાથે સમગ્ર પ્રકરણમાં રાજકીય ષડ્યંત્રની ગંધ આવી રહ્યાનો દાવો કરી ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી જ્યારે દિગ્વિજય સિંહે આને પ્રાયોજિત સરન્ડર ગણાવતાં કહ્યું કે આનો શ્રેય શિવરાજ સરકારના ગૃહમંત્રીને મળવો જોઇએ. કોંગ્રેસે એવો પણ સવાલ કર્યો કે વિકાસની ધરપકડના એક દિવસ અગાઉ મહાકાલ પોલીસ સ્ટેશનના ઇનચાર્જની બદલી સંયોગ છે કે ષડ્યંત્ર?

વિકાસની માતાએ કહ્યું- સરકારને અપીલ નહીં કરીએ, તે મહાકાલની કૃપાથી જીવતો છે
વિકાસની માતા સરલા દેવીએ કહ્યું કે તેઓ તેમના દીકરાને બચાવવા સરકારને અપીલ નહીં કરે. તેને રાજકીય સંરક્ષણ આપનારા જ તેનું સારું-નરસું જોશે. મહાકાલની કૃપાથી જ આજે તે જીવતો છે. વિકાસનું સાસરું મ.પ્ર.માં છે અને તે દર વર્ષે મહાકાલ મંદિરે દર્શન કરવા જાય છે.

મહાકાલ મંદિરમાં પોતાના નામે જ ટિકિટ લીધી
પ્રત્યક્ષદર્શીઓના કહેવા મુજબ, વિકાસ સવારે લગભગ સવા સાત વાગ્યે મહાકાલ મંદિરે પહોંચ્યો. દર્શન માટે તેણે તેના નામથી જ ટિકિટ લીધી અને પછી બૂટ-ચપ્પલના સ્ટેન્ડ પર બેગ મૂકવા પૂછપરછ કરી. કહેવાય છે કે મંદિરની બહાર એક ફૂલવાળાએ વિકાસને ઓળખી લીધો હતો અને ગાર્ડ્સને જાણ કરી હતી. તેને પકડીને પૂછપરછ કરાતાં તે ઝપાઝપી કરવા લાગ્યો. પછી તેને પકડીને બેસાડી દેવાયો. કડક સુરક્ષા વચ્ચે આખો દિવસ તેની પૂછપરછ કરાઇ. સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરાયો. તેની સાથે ઉજ્જૈન આવેલા 2 આરોપી- બિટ્ટુ અને સુરેશની પણ પોલીસે ધરપકડ કરી છે. તેઓ જેમાં આવ્યા હતા તે કાર પણ જપ્ત કરાઇ છે. 

પોલીસ જવાન પાછળથી બોલતો હતો- શર્માજી મરાવશો
વિકાસને કારમાં બેસાડતી વખતે એક પોલીસ જવાન પાછળથી બોલતો હતો- શર્માજી મરાવશો... આટલું કહીને તે કોઈ બીજા પોલીસ જવાનને દૂર લઈ ગયો. આ દરમિયાન વિકાસ તેનો કોઈ સાથીદાર ત્યાં હાજર હોય એમ વારંવાર પાછળ જોતો રહ્યો. સંભવત: તે શખસે તસવીરો પણ ક્લિક કરી છે.

આ સવાલોના પણ હજુ સુધી કોઇ જવાબ મળ્યા નથી
એલર્ટ છતાં વિકાસ ઉજ્જૈન કેવી રીતે પહોંચ્યો?
પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો કે વિકાસ ઉજ્જૈન કેવી રીતે પહોંચ્યો? તેનું ત્યાં પહોંચવું સુરક્ષાના દાવાની પોલ ખોલવા ઉપરાંત મિલીભગત તરફ પણ ઇશારો કરે છે. આ અંગે સીબીઆઇ તપાસ કરાવે.

ધરપકડ થઇ કે આત્મસમર્પણનો ડ્રામા રચ્યો?
અખિલેશ યાદવે માગ કરી છે કે વિકાસે સરન્ડર કર્યું છે કે તેની ધરપકડ થઇ તે સરકાર સ્પષ્ટ કરે. તેના મોબાઇલની CDR જાહેર થવી જોઇએ, જેથી મિલીભગતનો ભાંડો ફૂટે.

ધરપકડ માટે મીડિયાને કેમ બોલાવાયું?
શહીદ સીઓ દેવેન્દ્ર મિશ્રાના સંબંધીએ કહ્યું કે 12 કલાક અગાઉ વિકાસ ફરીદાબાદ હતો ને તરત ઉજ્જૈન પહોંચ્યો? સુયોજિત ઢબે તેની પાસે સરન્ડર કરાવાયું છે. પોલીસ તેની ધરપકડ માટે મીડિયાને સાથે લઇને કેમ ગઇ

જોઈને લાગતું નહોતું કે અહીં ફસાઈ ગયો છે
વિકાસની ધરપકડના કેટલાક ફોટો-વીડિયો સામે સવાલ ઊઠી રહ્યા છે. તેણે મંદિર પરિસરમાં ફોટો પડાવ્યો અને ત્યાંથી બહાર આવતી વખતે પણ તેને કોઇએ પકડેલો નહોતો. તેની બૉડી લેંગ્વેજથી એવું જરાય નહોતું લાગતું કે તે અહીં આવીને ફસાઇ ગયો હોય. તે આરામથી ચાલતો હતો અને તેના ચહેરા પર ચિંતાના ભાવ નહોતા.

મધ્ય પ્રદેશના ગૃહમંત્રીની ભૂમિકા પર સવાલ
કોંગ્રેસે કહ્યું કે મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા યુપી ચૂંટણીમાં કાનપુરના પ્રભારી હતા અત્યારે ઉજ્જૈનના પ્રભારી છે. વિકાસની ધરપકડના એક દિવસ પહેલા મહાકાલના પોલીસ અધિકારીની બદલી સંયોગ કે ષડયંત્ર?

 

adv

Related News

post
post
post
post
post
post
post