• Home
  • News
  • ચીન ભીંસમાં, ભારતનો હાથ ઉપર, અઢી કલાકમાં આપણા જવાન 4 હજાર ફૂટ ઊંચે ચઢી ગયા, ચીના હાંફતા રહી ગયા
post

ચીન પાસે બળપ્રયોગનો કે બીજા વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાનો વિકલ્પ

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 11:59:36

પૂર્વ લદાખના પેંગોંગ લૅક ક્ષેત્રમાં ચીનની ઉશ્કેરણીજનક હરકતથી ક્ષેત્રમાં ભારે તંગદિલીપૂર્ણ સ્થિતિ સર્જાઇ છે. તંગદિલી ઘટાડવા બેઠકોનો સિલસિલો જારી છે. બુધવારે બંને દેશ વચ્ચે સતત ત્રીજા દિવસે કમાન્ડર લેવલની મીટિંગ પણ થઇ. દરમિયાન, ભારતીય સૈન્યએ અગમચેતીરૂપે ઉત્તર છેડે તહેનાતીમાં ફેરફાર કર્યો છે. સૂત્રોએ કહ્યું કે ફિંગર-4ના પહાડો પર આપણા સૈનિક નથી. એવું પણ જાણવા મળ્યું છે કે રેજાંગ લા અને રિછિન લા સુધીની પૂરી રિજ લાઇન પર ભારતીય સૈન્યના વર્ચસ્વથી ચીની સૈન્યની ઊંઘ હરામ થઇ ગઇ છે. હવે રિઝિન લાથી માંડીને ગુરંગ હિલ અને મગર હિલ પર ભારતીય સૈનિકો તહેનાત છે. એક અધિકારીએ જણાવ્યું કે ચીનાઓને સૌથી વધુ તકલીફ રિછિન લા પર આપણી ઉપસ્થિતિથી છે, કેમ કે ત્યાંથી તેમનું આખું સ્પાંગુર ગેરિસન આપણી નજર હેઠળ આવી ગયું છે. ભારતને હવે આ મામલે ઘણી સરસાઇ મળી ચૂકી છે. દરમિયાનમાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ બુધવારે શાંઘાઇ સહકાર સંગઠનની બેઠકમાં ભાગ લેવા રવાના થયા. સંગઠનમાં 8 દેશ છે. રાજનાથનો રશિયાનો જૂન બાદ આ બીજો પ્રવાસ છે. વિદેશમંત્રી એસ. જયશંકર પણ 10 સપ્ટેમ્બરે એસસીઓ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે.

નોર્ધન કમાન્ડ અને નવી દિલ્હી ખાતેના સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે રવિવારે રાત્રે ચીનના વિસ્તારવાળી બ્લેક ટોપની સામેનાં 3 શિખર પર ભારતીય સૈનિકો 12 હજાર ફૂટથી 16 હજાર ફૂટની ઊંચાઇએ પહોંચી ગયા. આ તહેનાતીમાં માત્ર અઢી કલાક લાગ્યા. ચીની સૈનિકોએ પણ લગભગ ત્યારે જ રાત્રે 2 વાગ્યે ચઢાણ શરૂ કર્યું હતું. તેઓ શિખરોની નજીક પહોંચ્યા તો તેમને ભારતીય સૈનિક મળ્યા. અધિકારીઓએ કહ્યું કે પેંગોંગના ઘટનાક્રમથી 3 કામ થયા. એક, આ સંકટ શરૂ થયા બાદ ભારતીય ગુપ્તચર તંત્ર વધુ મજબૂત થયું. બે, નિર્ણયો લેવામાં તત્પરતા આવી અને ત્રણ, શારીરિક ચુસ્તીમાં આપણા જવાનો ચીનથી આગળ નીકળી ચૂક્યા છે.

ચીન પાસે બળપ્રયોગનો કે બીજા વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાનો વિકલ્પ
ભારતીયોની રિછિન લા સહિત અન્ય વિસ્તારોમાં તહેનાતીથી સ્પાંગુરમાં લમણાની ખાઇ ચૂકેલા ચીન પાસે હવે 2 વિકલ્પ છે. એક- તે ઊંચા પહાડો પર તહેનાત ભારતીય સૈનિકોને હટાવવા બળપ્રયોગ કરે. તે ઉગ્ર ઘર્ષણમાં પરિણમી શકે છે, કેમ કે ઊંચાઇ પર બેઠેલા જવાનોનું બળ 10 ગણું વધુ હોય છે. બીજું- ચીન હવે બીજા કોઇ વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા પ્રયાસ કરી શકે છે. આ બંને શક્યતાને ધ્યાનમાં રાખીને સૈન્યએ લદાખથી માંડીને અરુણાચલ સુધી પૂરી સતર્કતાના આદેશ આપ્યા છે. દુશ્મન માટે જ્યાં અતિક્રમણ કરવું સહેલું હોય ત્યાં સતર્કતા રખાઇ રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post