• Home
  • News
  • ભારતની 5 ઐતિહાસિક જીત:ટીમ ઇન્ડિયાએ 19 વર્ષ પહેલાં કોલકાતામાં ફોલોઓન બાદ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, હવે તેના ઘરઆંગણે સતત બીજી શ્રેણી જીતી
post

ઓસ્ટ્રેલિયાએ 32 વર્ષમાં પહેલીવાર ગાબામાં હારનો સામનો કર્યો

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-20 12:41:33

ભારતે ગાબા (બ્રિસ્બેન)માં એ કરી બતાવ્યું, જે છેલ્લા 32 વર્ષમાં નથી થયું. મંગળવારે સવારે મેચ શરૂ થઈ અને જ્યારે રોહિત શર્મા આઉટ થયો તો કોઈને લાગ્યું નહોતું કે ભારત મેચ જીતી શકે છે. પરંતુ આવું થયું. ઓસ્ટ્રેલિયાએ 32 વર્ષમાં પહેલીવાર ગાબામાં હારનો સામનો કર્યો.

ભારતની ઓસ્ટ્રેલિયા સામે 20 વર્ષમાં આ પાંચમી મોટી જીત છે. 2001-02માં ભારતે કોલકાતા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને ફોલોઓન થયા બાદ હરાવ્યું હતું. આ વખતે 10 ખેલાડીઓ ઇજાગ્રસ્ત અથવા મેચમાં ગેરહાજર હોવા છતાં આપણે ઓસ્ટ્રેલિયાને તેના ઘરે જ હરાવ્યું.

2001-02માં ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ

કોલકાતા ટેસ્ટ: લક્ષ્મણે 281 રન બનાવ્યા અને હરભજને પ્રથમ હેટ્રિક લીધી

મેચ પહેલા: ઓસ્ટ્રેલિયાની ટીમ સતત 14 ટેસ્ટ મેચ જીતીને ભારત પહોંચી હતી. ત્રણ મેચની શ્રેણીની પહેલી મેચ મુંબઇમાં થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.

મેચમાં શું બન્યું: ઓસ્ટ્રેલિયાએ કોલકાતા ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા. આ મેચમાં હરભજને ભારત માટે ટેસ્ટ ક્રિકેટની પહેલી હેટ્રિક લીધી હતી. ભારતીય ટીમ પ્રથમ દાવમાં માત્ર 171 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ફોલોઓન થયો હતો

બીજી ઇનિંગમાં વીવીએસ લક્ષ્મણે 281 અને દ્રવિડે 180 રન બનાવ્યા. ભારતે કુલ 4 વિકેટે 589 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને 384 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા 212 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હરભજને 73 રન આપીને 6 વિકેટ લીધી હતી.પરિણામ - ભારત 171 રને મેચ જીતીને શ્રેણી બરાબર કરવામાં સફળ રહ્યું.

કેમ મોટી જીત હતી: ત્યારે ભારત ફોલોઓન થયા બાદ મેચ જીતનાર દુનિયાની ત્રીજી ટીમ બની હતી. સતત 15 મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાનો પરાજય થયો હતો.

કોણ સ્ટાર બન્યા: હરભજનસિંહે મેચમાં 13 વિકેટ લીધી હતી. વીવીએસ લક્ષ્મણે ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો.

2003-04માં ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ

એડેલેડ ટેસ્ટ: ભારતે 22 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને તેના ઘરે હરાવ્યું હતું

મેચ પહેલા: ભારતીય ટીમ 4 મેચની શ્રેણી રમવા માટે ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. ત્યાં સુધી ટીમ ઈન્ડિયા વિદેશમાં તેની 176 મેચમાંથી 18 મેચ જ જીતી શકી હતી. આ શ્રેણીની પ્રથમ મેચ બ્રિસ્બેનમાં થઈ હતી. આ મેચ ડ્રો હતી.

મેચમાં શું બન્યું: ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 556 રન બનાવ્યા. રિકી પોન્ટિંગે 242 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની 4 વિકેટ 85 રનમાં પડી ગઈ હતી. બાદમાં રાહુલ દ્રવિડ અને લક્ષ્મણ વચ્ચે 388 રનની ભાગીદારી થઈ હતી. ભારતે પ્રથમ દાવમાં 523 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાને 33 રનની લીડ મળી, પરંતુ બીજી ઇનિંગ્સમાં તે 196 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારતને જીતવા માટે 230 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

પરિણામ: ભારત 4 વિકેટથી મેચ જીતવામાં સફળ રહ્યું અને 4 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી.

કેમ મોટી જીત હતી: આ પહેલા ઓસ્ટ્રેલિયામાં 1999-2000ની શ્રેણીમાં ભારત 3-0થી હારી ગયું હતું. 1981થી ભારત ઓસ્ટ્રેલિયામાં એક પણ મેચ જીતી શક્યું ન હતું.

કોણ સ્ટાર બન્યા: રાહુલ દ્રવિડે 233 રન બનાવ્યા. વિદેશમાં ભારતીય ખેલાડીનો આ સર્વોચ્ચ સ્કોર હતો. અજીત અગરકરે બીજી ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી.

2007-08માં ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ

મેચ પહેલા: 4 મેચની શ્રેણી રમવા માટે ભારત ઓસ્ટ્રેલિયા પહોંચ્યું હતું. મેલબોર્ન અને સિડનીમાં અગાઉની બંને મેચમાં ભારતનો પરાજય થયો હતો.

મેચમાં શું બન્યું: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 330 રન બનાવ્યા. દ્રવિડે સૌથી વધુ 93 રન બનાવ્યા હતા. સેહવાગ અને વસીમ જાફરે આ પ્રવાસ પર પ્રથમ વિકેટ માટે પ્રથમ અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી. 212 રનમાં ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે બીજી ઇનિંગમાં 294 રન બનાવ્યા હતા અને ઓસ્ટ્રેલિયાને 413 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

પરિણામ: ઓસ્ટ્રેલિયન ટીમ 340 રન જ બનાવી શકી. ભારતે આ મેચ 73 રને જીતી લીધી હતી.

કેમ મોટી જીત હતી: આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયા પોતાના ઘરે સતત 16 મેચ જીતી ગયું હતું. ભારતે તેને 17મી મેચ જીતતા રોકયું.

કોણ સ્ટાર બન્યા: ઇરફાને પહેલી ઇનિંગ્સમાં 5 વિકેટ લીધી અને બીજી ઇનિંગ્સમાં નાઈટ વોચમેન તરીકે રમતા 46 રન બનાવ્યા. સહેવાગે બીજી ઇનિંગ્સમાં 43 અને લક્ષ્મણે 79 રન બનાવ્યા.

2018-19માં ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ

મેલબોર્ન ટેસ્ટ: ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતી હતી

મેચ પહેલા: અગાઉની શ્રેણી વિરાટ કોહલીની કપ્તાની હેઠળ2-0થી હારી ગયા ભારત ફરી અહીં પહોંચ્યું હતું. મેલબોર્નની આ ત્રીજી મેચ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા 1-1ની બરાબરી પર હતા.

મેચમાં શું બન્યું: ભારતે પ્રથમ દાવમાં 7 વિકેટે 443 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયન ટીમ 151 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે 8 વિકેટે 106 રન બનાવીને તેની બીજી ઇનિંગ ડિક્લેર કરી હતી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ ફક્ત 261 રન જ બનાવી શકી હતી.

પરિણામ: ભારત 137 રન બનાવીને મેચ જીતવામાં સફળ રહ્યું.

કેમ મોટી જીત હતી: ભારતે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતી.

કોણ સ્ટાર બન્યા: ચેતેશ્વર પૂજારાએ સદી ફટકારી. મેચમાં જસપ્રીત બુમરાહે 9 વિકેટ લીધી હતી. વિરાટ કોહલીએ વિદેશમાં જીતને મામલે સૌરવ ગાંગુલીની બરાબરી કરી.

બ્રિસ્બેન ટેસ્ટ: ઓસ્ટ્રેલિયા 32 વર્ષમાં પહેલીવાર અહીં ટેસ્ટ હાર્યું

મેચ પહેલા: ભારતે શ્રેણીની પહેલી મેચ ખૂબ જ ખરાબ રીતે હારી હતી. નિયમિત કેપ્ટન વિરાટ કોહલી પેટરનિટી રજા પર ભારત પરત ફર્યો હતો. ટીમના 10 મોટા ખેલાડીઓ ઘાયલ થયા હતા.

મેચમાં શું બન્યું: બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 369 રન બનાવ્યા. લબુશેને સદી ફટકારી હતી. નટરાજન અને વોશિંગ્ટન સુંદરએ તેમની પ્રથમ મેચમાં 3-3 વિકેટ લીધી હતી. ભારતે 336 રન બનાવ્યા હતા. હેઝલવુડે 5 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 294 રન બનાવ્યા અને ભારતને જીતવા 328 રનનો લક્ષ્યાંક આપ્યો.

પરિણામ: ભારતે ત્રણ વિકેટથી મેચ જીતી લીધી.તે કેમ મોટી જીત હતી - ઓસ્ટ્રેલિયા 32 વર્ષમાં પ્રથમ વખત બ્રિસ્બેનમાં ટેસ્ટ હાર્યું હતું. આ સાથે ભારતે ઓસ્ટ્રેલિયામાં સતત બીજી વખત ટેસ્ટ શ્રેણી જીતી લીધી છે.

કોણ બન્યા સ્ટાર: શાર્દુલ ઠાકુર અને સુંદરએ પહેલી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. સિરાજે 5 વિકેટ લીધી હતી. શુભમન ગિલે બીજી ઇનિંગમાં ઓપનર તરીકે 91 રન બનાવ્યા હતા. ઋષભ પંતે 89 રન બનાવીને મેચ જિતાડી.

 

adv

Related News

post
post
post
post
post
post
post