• Home
  • News
  • પાકિસ્તાને ભારતીય રાજદ્વારીઓ સાથે કુલભૂષણ જાધવની વાતચીત ના કરાવી
post

કુલભૂષણની 2016માં કથિત રીતે બલૂચિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી, એપ્રિલ 2017માં પાકિસ્તાનની આર્મી કોર્ટે તેમને ફાંસીની સજા કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-17 12:15:26

નવી દિલ્હી: પાકિસ્તાને ફરી આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્દેશોને ફગાવી દઈને ભારતીય રાજદ્વારીઓ સાથે કુલભૂષણ જાધવની વાતચીત કરવા દીધી નહોતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાને કુલભૂષણને ભારતીય અધિકારીઓ સાથે કોઈપણ શરત વિના મુલાકાત કરવા દીધી નહોતી. ગુરુવારે મુલાકાત દરમિયાન પાકિસ્તાની અધિકારીઓના ડરાવનારા, ધમકાવનારા વલણથી કુલભૂષણ તણાવમાં જોવા મળ્યા હતા. અધિકારીઓને કાનૂની પ્રતિનિધિત્વની વ્યવસ્થા માટે કુલભૂષણ જાધવની લેખિત સંમતિ પણ મેળવવા દીધી નહોતી. આથી ભારતીય અધિકારીઓ વિરોધ દર્શાવીને ત્યાંથી નીકળી ગયા હતા.

આ પહેલા ભારતીય રાજદૂત વકીલોની સાથે કુલભૂષણ જાધવને મળવા પહોંચ્યા હતા. કુલભૂષણ જાધવ મામલામાં ભારતે પાકિસ્તાન પાસે કોઈ પણ પ્રકારની શરત વગર એક્સેસ માંગ્યું હતું.આ પહેલા પાકિસ્તાને કહ્યું હતું કે જાધવે પોતાની ફાંસીની સજાની વિરુદ્ધ રિવ્યૂ અરજી દાખલ કરવાથી ઈન્કાર કર્યો છે. જવાબમાં ભારતે કહ્યું હતું કે જાધવ પર દબાણ કરીને તેને આમ કરવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. 

કોન્સ્યુલર એક્સેસ એટલે શું?

·         બીજા વિશ્વયુદ્ધમાં અન્ય દેશમાં પકડાયેલા કેદીઓ સાથે અત્યંત બર્બર વર્તાવ થયા પછી ફરીથી એવું ન થાય એ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આ સમજુતી કરવામાં આવી છે. 

·         1963માં વિયેના ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. 

·         સમગ્ર વિશ્વના કુલ 170 દેશોએ કોન્સ્યુલર એક્સેસને માન્યતા આપેલી છે. 

·         ધારો કે કોઈ વ્યક્તિ કોઈ અન્ય દેશની જેલમાં કેદ છે તો એ કેદીને પોતાના દેશના ડિપ્લોમેટિક અધિકારી સાથે મળવાની છૂટ આપવામાં આવે તેને કોન્સ્યુલર એક્સેસ કહે છે.

·         કુલભુષણને આ એક્સેસ આપવામાં આવી તેનો અર્થ એવો થયો કે પાકિસ્તાન ભારતીય દુતાવાસના અધિકારી તેની સાથે મુલાકાત લઈ શકે છે અને તેને કાનૂની માર્ગદર્શન આપી શકે છે.

·         દૂતાવાસના ભારતીય અધિકારી તેને જેલમાં મળતી સુવિધાઓ તેમજ કેદી સાથે થતાં વર્તાવ અંગે સવાલો કરી શકે છે, એટલું જ નહિ, વર્તન અયોગ્ય હોય એવા કિસ્સામાં જે-તે દેશને (એટલે કે કુલભુષણના કેસમાં પાકિસ્તાનને) સત્તાવાર ફરિયાદ પણ કરી શકે છે.

·         દૂતાવાસના અધિકારી કુલભુષણ સાથેની મુલાકાત પછી ભારત સરકારને સત્તાવાર અહેવાલ મોકલે છે અને એ અહેવાલના આધારે કેન્દ્ર સરકાર પાકિસ્તાન સાથે કેસ સંબંધિત વાતચીત કે મંત્રણા આગળ ધપાવે છે.

ગત વર્ષે 2 સપ્ટેમ્બરે પ્રથમ વખત કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવી હતી
ગત વર્ષ એટલે કે 2 સપ્ટેમ્બર 2019ના રોજ પાકિસ્તાને કુલભૂષણ જાધવને પ્રથમ વખત કોન્સ્યુલર એક્સેસ આપ્યું હતું. તે સમયે ઈસ્લામાબાદમાં ભારતના ડેપ્યુટી હાઈ કમીશનર ગૌરવ અહલૂવાલિયાએ તેમની મુલાકાત કરી હતી.

અમે તમામ વિકલ્પો પર વિચાર કરીશુંઃ ભારત
ભારતે ગત સપ્તાહે કહ્યું હતું કે અમે કુલભૂષણ જાધવને સુરક્ષિત રીતે પરત લાવવાની તમામ કોશિશો કરીશું. અમે અમારા બધા વિકલ્પો પર વિચાર કરીશું. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમે ડિપ્લોમેટિક ચેનલ દ્વારા કોશિશ કરી રહ્યાં છે કે પાકિસ્તાન ઈન્ટરનેશનલ કોર્ટના આદેશને લાગુ કરે. જોકે મીડિયા જે ન્યુઝ આપી રહ્યું છે તેનાથી એ વાત જાહેર છે કે પાકિસ્તાન સરકાર ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ(ICJ)ના નિર્ણયને લાગુ કરવામાં આનાકાની કરી રહ્યું છે.

2017માં આપવામાં આવી હતી ફાંસીની સજા
કુલભુષણની માર્ચ 2016માં પાકિસ્તાને ધરપકડ કરી હતી. પાકિસ્તાને દાવો કર્યો હતો કે જાધવની બલૂચિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. ભારતે આ દાવાને ફગાવતા કહ્યું હતું કે જાધવને ઈરાનમાંથી કિડનેપ કરવામાં આવ્યો છે. 2017માં પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે જાધવને જાસૂસીના આરોપમાં ફાંસીની સજા કરી હતી. તેની વિરુદ્ધ ભારતે 2017માં જ ICJમાં અપીલ કરી હતી.  

ઈન્ટરનેશન કોર્ટે જુલાઈ 2019માં પાકિસ્તાનને જાધવને ફાંસી ન આપવા અને તેની કરાયેલી સજા પર પુર્ન:વિચાર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં પાકિસ્તાને કોઈ નિર્ણય લીધો નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post