• Home
  • News
  • 2+2 બેઠક:ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ‘બેકા’ કરાર, ભારતની મિસાઈલને લક્ષ્ય અમેરિકા સુધી પહોંચાડશે
post

2+2 બેઠકમાં સૈન્ય ટેક્નોલોજી, નકશા અને સેટેલાઈટ ડેટા શૅર કરવા મુદ્દે સંધિ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-28 12:11:37

ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક બેઝિક એક્સચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રિમેન્ટ (બેકા) પર હસ્તાક્ષર થઈ ગયા છે. મંગળવારે બંને દેશ વચ્ચે 2+2 બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશના સંરક્ષણ અને વિદેશમંત્રીએ દ્વિપક્ષીય ચર્ચા કરીને બેકાને આખરી રૂપ આપ્યું હતું. આ સમજૂતીથી બંને દેશ વચ્ચે ઉચ્ચ સ્તરીય સૈન્ય ટેક્નોલોજી, વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા નકશા અને ગુપ્ત સેટેલાઈટ ડેટાનું સરળતાથી આદાનપ્રદાન થઈ શકશે. ભારતને તેનાથી મિસાઈલ હુમલા વખતે લક્ષ્ય સુધી પહોંચવામાં પણ મદદ મળશે. આ સમજૂતીથી ભારતને અમેરિકન ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલો સાથે સંકળાયેલી ટેક્નોલોજી મળવાનો માર્ગ પણ મોકળો થઈ ગયો છે.

અમેરિકન વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું કે મેં વૉર મેમોરિયલમાં સૌથી મોટા લોકતંત્ર ભારત માટે શહીદી વહોરનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમાં ગલવાન ઘાટીમાં ચીન વિરુદ્ધની કાર્યવાહીમાં શહીદ થયેલા 20 સૈનિક પણ સામેલ છે. સાર્વભૌમત્વની સુરક્ષા માટે અમેરિકા હંમેશાં ભારત સાથે રહેશે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી લોકતંત્રની હિમાયતી નથી.

2+2 બેઠક પછી પોમ્પિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પણ બંને અમેરિકન મંત્રી સાથે વ્યક્તિગત બેઠક કરી હતી. બીજી તરફ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત-અમેરિકાની મિત્રતા વધુ મજબૂત થઈ છે. 2+2 બેઠકમાં પણ બંને દેશે અનેક મુદ્દે ચર્ચા કરી, જેમાં કોરોના પછીની સ્થિતિ, દુનિયામાં હાલની સ્થિતિ, સુરક્ષા મુદ્દે અનેક મહત્ત્વના મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ. બંને દેશે પરમાણુ સહકારમાં પણ આગળ વધવા પગલાં લીધાં છે. આ સાથે ભારતીય ઉપખંડમાં સુરક્ષાની સ્થિતિને લઈને પણ વાતચીત કરાઈ છે.

વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે અમેરિકા-ભારતની મુલાકાત ફક્ત બે દેશની સામાન્ય મુલાકાત નથી, પરંતુ તેનાથી દુનિયા પર અસર થશે બંને દેશમાં આર્થિક, સુરક્ષા અને અન્ય માહિતીના આદાનપ્રદાનને મુદ્દે પણ કરાર કરાયા છે. હાલના સમયમાં નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવી રાખવી મહત્ત્વપૂર્ણ છે. ભારત-અમેરિકાની સુરક્ષા અને વિદેશ નીતિમાં નિકટતાથી કામ કરવાની ક્ષમતા છે. આપણો સહયોગ એક સ્વતંત્ર અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના સિદ્ધાંતોને અનુરૂપ છે.

પાંચ કરાર પર હસ્તાક્ષર

·         બેઝિક એક્સચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રિમેન્ટ (બેકા)

·         અર્થ સાયન્સમાં ટેક્નિકલ સહકાર મુદ્દે એમઓયુ

·         પરમાણુ સહકારમાં પણ વધારાના એગ્રિમેન્ટ

·         પોસ્ટલ સર્વિસ સાથે જોડાયેલા કરાર

·         આયુર્વેદ અને કેન્સર રિસર્ચમાં પણ ભાગીદારી

તમામ પડકારો સામે સાથે લડીશું: પોમ્પિયો
અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ જણાવ્યું હતું કે, ચીન દ્વારા ફેલાવાયેલા વાઈરસની અસર દુનિયા પર દેખાઈ રહી છે, પરંતુ ભારત-અમેરિકા ફક્ત ચીન જ નહીં, પરંતુ અન્ય તમામ પડકારો સામે એકસાથે લડશે. અમે યુએન સુરક્ષા પરિષદમાં પણ ભારતના સ્થાયી સભ્યપદનું સમર્થન કરીએ છીએ.

ચીન વિરુદ્ધ સાથે આવવું પડશે: એસ્પર
અમેરિકાના સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરે જણાવ્યું કે, ભારત-અમેરિકાની દોસ્તી ફક્ત એશિયા જ નહીં, પરંતુ દુનિયા માટે પણ મહત્ત્વની છે. ચીનથી દુનિયાનો ખતરો વધી રહ્યો છે. આ સ્થિતિમાં મોટા દેશોએ એકસાથે આવવું પડશે. ભારત, જાપાન અને અમેરિકા સંયુક્ત રીતે અનેક સૈન્ય ઓપરેશન પણ કરશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post