• Home
  • News
  • ઈટાલીના લોકોએ લૉકડાઉનને ગંભીરતાથી ન લીધું, પરિણામ આપણી સામે છે: અંજલિ વાઘજિયાણી
post

આજે રોજ સવારે ઊઠું છું તો એમ્બુલન્સ સિવાય બીજો કોઈ અવાજ સાંભળવા મળતો નથી: અંજલિ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-28 11:01:30

તુરિન: અંજલિ વાઘજિયાણીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2019માં હું ઉચ્ચ અભ્યાસ માટે ઈટાલીના તુરિન શહેર પહોંચી. શરૂઆતના 4-5 મહિના તો રાબેતા મુજબ ગયા પરંતુ ફેબ્રુઆરીથી કપરો સમય શરૂ થયો. કોરોના વાઈરસથી અસરગ્રસ્ત દેશોમાં ઈટાલી પણ મોખરે હતું. સાચું કહું તો શરૂઆતમાં ઈટાલીમાં કોરોનાના પોઝિટિવ કેસ એટલા બધા ન હતા. સરકારે તકેદારીના ભાગરૂપે લૉકડાઉન જાહેર કરી દીધું હતું. પરંતુ કમનસીબે લોકોએ લૉકડાઉનને ગંભીરતાથી ન લીધું અને પરિણામે હજારો લોકોને કોરોનોનો ચેપ લાગ્યો. મોતનો આંકડો પણ હજારોમાં પહોંચી ગયો. શહેરોના શહેરો કોરોનાના પંજામાં સપડાયા. સરકારી રેકર્ડ મુજબ જ મોતનો આંકડો 8 હજારને વટાવી ગયો છે. 


અત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓ મળવી પણ કપરી 
સમગ્ર ઈટાલીમાં દોઢ મહિનાથી લોકો ઘરનો ઊંબરો પણ ઓળંગી શકતા નથી. રોજ સવારે ઊઠીયે ત્યારે એમ્બુલન્સની સાયરન સિવાય બીજો કોઈ અવાજ સંભળાતો નથી. ન્યૂઝ ચેનલો પર દોઢ મહિનાથી કોરોનાના દર્દીઓથી ઊભરાતી હોસ્પિટલો જોવા મળે છે. પરિસ્થિતિ એ હદે વણસી છે કે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે અને  દર્દીઓની લાઈન હોસ્પિટલોની લોબીઓમાં જોવા મળે છે. અત્યારે જીવન જરૂરી ચીજવસ્તુઓ મળવી પણ કપરી છે. અમારા ઘર નજીક ખાવાપીવાની ચીજો પૂરી પાડતો એક સ્ટોર છે.પરંતુ કંઈક મેળવવા માટે ત્રણ-ત્રણ કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે. હું જે એપાર્ટમેન્ટમાં રહું છું ત્યાં 3 ગુજરાતી અને 6 ભારતીય પણ રહે છે. ઘરની ચાર દીવાલમાં લોકો થરથર કાંપી રહ્યા છે. કોરોનાએ મચાવેલો હાહાકાર વર્ણવા માટે શબ્દો પણ ઓછા પડે છે. હું દિવસમાં 4-5 વખત વીડિયો કોલિંગથી પિતા અને પરિવારના સભ્યો સાથે વાત કરું છું. કોરોના વાઈરસનો ચેપ રોકવા માટેનો શ્રેષ્ઠ માર્ગ ઘરનો ઊંબરો નહીં ઓળંગવાનો છે. તમારે તમારા પરિવારની સુરક્ષા ખાતર આ નિયમનું પાલન કરવું જરૂરી બની ગયું છે. 


સોશિયલ ડિસ્ટન્સિંગનું લોકો હવે મહત્વ સમજશે
લગભગ 20-25 દિવસ પહેલાં અમને ઈટાલીથી ગુજરાતમાં ઘરે પાછા આવવા મળતું હતું પરંતુ એરપોર્ટ આવ્યા અને કોરોના વાઈરસનો ચેપ લાગી જાય તો આ ચેપ સાથે દેશમાં આવવું પડે અને દેશ તકલીફમાં મૂકાય. બસ આ ગણતરીએ અમે દેશમાં પરત આવવાનું ટાળ્યું. ભારતવાસીઓને અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓને મારી ભારપૂર્વક અપીલ છે કે કોરોનાને રોકવાનો એક માત્ર ઉપાય ઘરમાં રહેવાનો છે. ઈટાલીમાં જોયેલી સ્થિતિ પરથી કહું છું લૉકડાઉનનું ખરા અર્થમાં પાલન કરજો.

 

adv

Related News

post
post
post
post
post
post
post