• Home
  • News
  • જાપાનમાં કોરોનાથી આખા વર્ષમાં જેટલા મોત થયા નથી તેથી વધુ છેલ્લા એક મહિનામાં આત્મહત્યાથી મોત થયા, મહિલાઓ સૌથી વધુ ભોગ બની
post

જાપાનીઝ ડેટા અન્ય દેશોને આ મહામારીની માનસિક સ્વાસ્થ્ય પર કેવી ગંભીર અસર પડી રહી છે તેના વિશે પ્રકાશ પાડે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-30 10:23:10

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે અને વિશ્વભરમાં હજારો લોકો મોતને ભેટી રહ્યા છે પરંતુ જાપાનમાં જે સ્થિતિ છે એ જોતા લાગે છે કે આત્મહત્યા વધુ ગંભીર બાબત છે કે કોરોનાવાયરસ. કેમકે જાપાનમાં આખા વર્ષમાં કોરોનાથી લોકો મૃત્યુ પામ્યા નથી એનાથી વધુ સંખ્યામાં છેલ્લા એક મહિનામાં આત્મહત્યાથી લોકોનાં મોત થયા છે. તેમાં પણ મહિલાઓની સંખ્યા વધુ છે.

એરિકો કોબાયાશી નામની એક મહિલાએ ચાર વખત ખુદના જીવનનો અંત આણવા માટે કોશિશ કરી. પ્રથમ વખત તેણે 22 વર્ષની વયે આત્મહત્યાની કોશિશ કરી હતી. એ સમયે તેને પબ્લિશિંગ ક્ષેત્રે જોબ કરતી હતી અને ત્યાં તેને રેન્ટ અને ગ્રોસરી બિલ્સ ચૂકવી શકાય એટલા પૂરતા નાણાં મળતા નહોતા. તેણે કહ્યું, ‘હું ખરેખર ગરીબ હતી.આત્મહત્યાની કોશિશ પછી તે હોસ્પિટલમાં 3 દિવસ બેભાન રહી હતી.

આજે કોબાયાશી 43 વર્ષની છે અને તેણે પોતાના માનસિક સ્વાસ્થ્ય અંગેના સંઘર્ષ પર પુસ્તકો લખ્યા છે અને એક સ્થિર જોબ એનજીઓમાં કરી રહી છે. પરંતુ હવે કોરોના વાયરસ આવ્યો અને તે ફરી તણાવ અનુભવી રહી છે.

કોબાયાશીએ કહ્યું, ‘મારો પગાર કપાયો છે અને મને ક્યાંય આશાનું કિરણ દેખાતું નથી. મને સતત કપરી સ્થિતિનો અનુભવ થાય છે કે હું ફરી ગરીબીમાં જતી રહીશ.

આવી સ્થિતિ કોબાયાશી નહીં, વિશ્વભરમાં અનેક લોકોની છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોરોના મહામારીથી માનસિક સ્વાસ્થ્ય અંગેની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. સામુહિક બેકારી, સામાજિક અલગતા અને ચિંતાથી વિશ્વભરમાં આ સમસ્યાથી પીડાતા લોકોની સંખ્યા વધી રહી છે.

જાપાન સરકારે આત્મહત્યાના આંકડા દર્શાવ્યા
જાપાનમાં ખુદ સરકારે જે આંકડા દર્શાવ્યા છે તેમાં સ્પષ્ટ જોવા મળે છે કે એકલા ઓક્ટોબરમાં જેટલા લોકોએ આત્મહત્યા કરી છે એ સંખ્યા આખા વર્ષમાં કોવિડ-19ના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યાથી પણ વધુ છે. જાપાનમાં ઓક્ટોબરમાં આત્મહત્યા કરીને 2153 લોકો મોતને ભેટ્યા છે એમ જાપાનની નેશનલ પોલીસ એજન્સીએ જણાવ્યું છે. જ્યારે શુક્રવાર સુધીનો જાપાનમાં કોવિડ-19ના કારણે થયેલા મોતનો આંકડો 2087 રહ્યો હોવાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.

વિશ્વની વિશાળ ઈકોનોમીમાં સામેલ જાપાન એક એવો દેશ છે કે જે સમયાંતરે આત્મહત્યાની ઘટનાઓ અંગેનો ડેટા રજૂ કરે છે. અમેરિકાનો તાજેતરનો જે આવો ડેટા છે તે વર્ષ 2018નો છે. એવામાં જાપાનીઝ ડેટા અન્ય દેશોને આ મહામારીની માનસિક સ્વાસ્થ્ય પર કેવી ગંભીર અસર પડી રહી છે તેના વિશે પ્રકાશ પાડે છે.

ટોક્યોમાં વાસેડા યુનિવર્સિટીના એસોસીએટ પ્રોફેસર મિશિકો ઉએડાએ કહ્યું હતું, ‘અમારે ત્યાં લોકડાઉન નથી આવ્યું અને કોવિડ-19ની અસર પણ અન્ય દેશોની તુલનામાં અમારે ત્યાં ઘણી ઓછી છે પરંતુ આમ છતાં હજુય આત્મહત્યાની ઘટનાઓની મોટી સંખ્યા જોવા મળી રહી છે. જે દર્શાવે છે કે અન્ય દેશોમાં પણ આ સ્થિતિ હોઈ શકે છે અથવા તો આનાથી પણ વધુ ગંભીર સ્થિતિ ભવિષ્યમાં સર્જાઈ શકે છે.

મહામારીનો માર સૌથી વધુ મહિલાઓને પડ્યો
જો કે જાપાનમાં અગાઉથી જ આત્મહત્યાનો દર વધુ રહ્યો છે. WHOના અનુસાર, 2016માં આત્મહત્યાથી થયેલા મોતનો દર પ્રતિ એક લાખ લોકોએ 18.5 રહ્યો હતો. સાઉથ કોરિયા પછી આ દર દુનિયામાં સૌથી વધુ રહ્યો હતો. જ્યારે વૈશ્વિક સ્તરે આત્મહત્યાનો દર પ્રતિ એક લાખ લોકોએ 10.6 રહ્યો હતો.

2019માં જાપાનમાં કુલ 20000 લોકોના મોત આત્મહત્યાથી થયા હતા. જ્યારે ગત વર્ષના ઓક્ટોબરની તુલનામાં આ વર્ષે ઓક્ટોબરમાં મહિલાઓમાં આત્મહત્યાનો દર 83 ટકા વધી ગયો, જ્યારે પુરૂષોમાં આત્મહત્યાની ઘટનાઓમાં 22%નો વધારો જોવા મળ્યો હતો. આ રીતે જોઈએ તો મહામારીનો માર મહિલાઓ પર વધુ પડ્યો છે.

નોન-પ્રોફિટ એઈડ ઓર્ગેનાઈઝેશન કેર દ્વારા આયોજિત એક વૈશ્વિક અભ્યાસ અનુસાર, 10 ટકા પુરૂષોની તુલનામાં 27 ટકા મહિલાઓમાં મહામારી દરમિયાન માનસિક સ્વાસ્થ્ય સાથેના પડકારો વધ્યા છે. જેનું કારણ આવક સંબંધિત ચિંતાઓ સામેલ છે. મહિલાઓ પર નોકરી અને આવક ઉપરાંત ઘર અને બાળકોની જવાબદારીઓ પણ હોય છે. ખાસ કરીને જ્યારે બાળકોમાં ચિંતા અને તેમના સ્વાસ્થ્યની સ્થિતિ ખરાબ થાય ત્યારે તેનો વધારાનો બોજ પણ મહિલાઓ પર પડે છે.

યુનિવર્સિટી સ્ટુડન્ટે મેન્ટલ હેલ્થ હોટલાઈન શરૂ કરી

પોતાનું ખરૂં નામ ન જણાવવાની શરતે અકારી (નામ બદલાવ્યું છે) કહે છે જ્યારે છ સપ્તાહ માટે તેના પ્રિમેચ્યોરને હોસ્પિટલમાં રહેવું પડ્યું ત્યારે તેને પ્રોફેશનલ હેલ્પની જરૂર પડી હતી. તેણે કહ્યું, ‘મને અગાઉ કોઈ માનસિક બીમારી થઈ નથી પણ મને સતત ખરેખર ચિંતાનો અનુભવ થયા કરે છે. મને સતત લાગ્યા કરે છે કે કોઈ આશા બચી નથી.

21 વર્ષીય એક યુનિવર્સિટી સ્ટુડન્ટ કોકી ઓઝોરાએ માર્ચમાં 24 કલાક માટે મેન્ટલ હેલ્થ હોટલાઈન શરૂ કરી છે જેને અનાટા નો ઈબાશો (અ પ્લેસ ફોર યુ) નામ આપ્યું છે. તેણે કહ્યું કે તેમને આ હોટલાઈન પર દિવસના લગભગ 200 કોલ મળે છે અને તેમાંથી મોટાભાગની કોલર્સ મહિલાઓ હોય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post