• Home
  • News
  • કમર ગનીએ દિલ્હીમાં બેઠાં બેઠાં ધંધૂકાના શબ્બીરને બનાવ્યો કટ્ટરપંથી, કિશનની FB પોસ્ટથી લઈ હત્યા સુધી ક્યારે શું બન્યું અને કોનો શું હતો રોલ
post

આ હત્યા કેસ હવે કોઈ ધંધૂકા પૂરતો સીમિત નહીં રહીને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો મુદ્દો બન્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-01-31 11:40:31

ધંધુકા: કિશન ભરવાડ હત્યા કેસમાં એક બાદ એક 6 શખસની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસની ગુજરાત ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ કેસ કોઈ જેહાદી ષડયંત્ર છે કે નહીં એ અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. એક ફેસબુક પોસ્ટને કારણે કરવામાં આવેલી આ હત્યામાં અત્યારસુધીમાં બે મૌલાનાનાં પણ નામ ખૂલી ચૂક્યાં છે. આ હત્યા કેસ હવે કોઈ ધંધૂકા પૂરતો સીમિત નહીં રહીને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ મામલે બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પણ નિવેદન આપી ચૂકી છે.

આ કેસમાં ક્યારે શું બન્યું અને કયા શખ્સનો શું રોલ છે આ મામલે અત્યારસુધીમાં હત્યારો શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ પઠાણ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

એફબી પોસ્ટ, ફરિયાદ અને કિશનની હત્યાનો નિર્ણય
6 જાન્યુઆરીના રોજ મૃતક કિશન ભરવાડે કરેલી એક ફેસબુક પોસ્ટ બાદ તેની હત્યાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. આ ફેસબુક પોસ્ટ બાદ 9 જાન્યુઆરીએ કિશન સામે ધંધૂકાના પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે આ ફરિયાદ બાદ કિશનને જામીન મળી ગયા હતા, જેને પગલે હત્યારા શબ્બીરે કિશનની હત્યા કરવાનું નક્કી કર્યું. ત્યાર બાદ શબ્બીર ચોપડાએ અમદાવાદના મૌલાના ઐયુબ જાવરાવાલા સાથે મુલાકાત કરી કહ્યું હતું કે કિશને જે ફેસબુક પોસ્ટ મૂકી છે એ મને નથી ગમી, તેથી તેને સબક શીખવવો છે, મને હથિયાર આપો. જેથી મૌલવીએ હથિયારની વ્યવસ્થા કરી હતી. ત્યાર બાદ શબ્બીરે 25 જાન્યુઆરીએ ધંધૂકાના મોઢવાડાના નાકે કિશનની હત્યા કરી દીધી.

શબ્બીરની કમર ગની ઉસ્માની સાથે મુલાકાત
આરોપી શબ્બીર એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ મારફત મૌલાના કમર ગની ઉસ્માનીના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ કટ્ટરવાદી વિચારધારા ધરાવતો શબ્બીર મુંબઈમાં દિલ્હીના મૌલવી કમર ગની ઉસ્માનીને મળ્યો હતો. ત્યાં કમરગનીએ તેને લીગલ મદદ કરવાનું જણાવ્યું અને તે જે કરે છે એમાં કંઈ ખોટું નથી એમ પણ કહ્યું હતું. ત્યાર બાદ અમદાવાદના જમાલપુરમાં રહેતા મૌલવી ઐયુબને મળવા કહ્યું હતું. ચારેક મહિના પહેલાં દિલ્હીના મૌલાના કમર ગની ઉસ્માની, મૌલાના ઐયુબ જાવરાવાલા અને શબ્બીર વચ્ચે અમદાવાદના શાહઆલમમાં મુલાકાત થઈ હતી.

મૌલાના ઐયુબે શબ્બીરના વિચારને હવા આપી, ઇમ્તિયાઝને સાથી બનાવ્યો
શબ્બીર ધાર્મિક કટ્ટરતા ધરાવતી વ્યક્તિ હોવાથી સતત મૌલવીઓના સંપર્કમાં રહેતો હતો. કોઈપણ સંગઠન માટે શબ્બીર સોફ્ટ ટાર્ગેટ હતો. કિશનને જામીન મળ્યા બાદ તેને મારી નાખવાનો વિચાર સૌથી પહેલા શબ્બીરને આવ્યો હતો. તેના વિચારને વધુ હવા આપવાનું કામ અમદાવાદના જમાલપુરના મૌલાના ઐયુબ જાવરવાલાએ કર્યું. મૌલવી ઐયુબના કહેવાથી તેણે ઇમ્તિયાઝ નામના શખસને સાથે લીધો.

સાજણ ઓડેદરાની હત્યા માટે મૌલાના શબીરને લઈ પોરબંદર ગયો હતો
મૌલાના ઐયુબ ગત વર્ષે હથિયાર સાથે શબ્બીરને લઈને પોરબંદર પણ ગયો હતો, જ્યાં સાજણ ઓડેદરા નામના યુવકની હત્યા કરવા કાવતરું ઘડ્યું હતું, પરંતુ સાજણ ઓડેદરાની ભાળ નહીં મળતાં તેઓ પરત આવ્યા હતા. ત્યાર બાદ શબ્બીરે કિશનનું મર્ડર કરી દીધું.

રાજકોટનો અજીમ પાકિસ્તાની ધર્મગુરુઓના ભડકાઉ ભાષણ સાંભળતો
શબ્બીરને હથિયાર આપનાર અજીમ સમા રાજકોટના દૂધસાગર રોડ પર રહે છે. અનેક નાના-મોટા ગુનામાં અજીમ સમાના પરિવારનો હાથ હોવાની પણ વાત સામે આવી ચૂકી છે. તે ધાર્મિક રીતે કટ્ટર હોવાથી અનેક પાકિસ્તાની ધર્મગુરુઓ અને મૌલાના કમર ગની ઉસ્માની જેવા લોકોના ભડકાઉ ભાષણ સાંભળતો અને અમદાવાદના મૌલાના ઐયુબ જાવરાવાલાના સંપર્કમાં રહેતો હતો.

શું છે મામલો
ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા (ભરવાડ) પર બાઈક પર આવેલા બે શખસ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવાતાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાને પગલે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં અને શહેરની દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી. આ હત્યાને પગલે મૃતક યુવાનનાં પરિવારજનોએ જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જાહેરાત કરતાં સંતો, મહંતોના કહેવાથી પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. જ્યારે આ મૃતક યુવકની સ્મશાનયાત્રામાં ઠેરઠેરથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને હત્યારાને તાત્કાલિક ઝડપી તેમની સામે કાર્યવાહીની માગ કરી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post