આમ આદમી પાર્ટી આ 14 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે
લોકસભા ચૂંટણી પહેલા I.N.D.I.A. ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી (AAP)એ પંજાબમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબની 13 લોકસભા બેઠક અને ચંદીગઢની એક લોકસભા બેઠક પર ઉમેદવારો ઉભા કરવાની જાહેરાત કરી હતી.
15 દિવસમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે
પંજાબના અમલોહમાં AAPના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, 'બે વર્ષ પહેલા તમે અમને ખૂબ 'આશીર્વાદ' આપ્યા હતા અને પંજાબમાં 117માંથી 92 સીટો જીતી હતી. આજે હું તમારી પાસેથી હાથ જોડીને બીજો આશીર્વાદ માગવા આવ્યો છું. બે મહિના પછી લોકસભાની ચૂંટણી છે. લોકસભા ચૂંટણી માટે પંજાબમાં 13 અને ચંદીગઢમાં એક સીટ છે. આગામી 15 દિવસમાં આમ આદમી પાર્ટી આ 14 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરશે.
I.N.D.I.A. ગઠબંધન અને કોંગ્રેસ મુશ્કેલીમાં
એક પછી એક રાજ્યમાં I.N.D.I.A. ગઠબંધન માટે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. વિપક્ષી પાર્ટીઓનું આ ગઠબંધન આગામી લોકસભા ચૂંટણી પહેલા વિખેરાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલના વડા મમતા બેનરજી, બિહારમાં નીતીશ કુમાર અને ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીએ પણ ઉત્તર પ્રદેશમાં 16 સીટોની જાહેરાત કરી છે. જો કે કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે આ I.N.D.I.A. ગઠબંધનની યાદી નથી અને ગઠબંધનની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.